નરેન્દ્ર મોદી સરકારના બે વર્ષઃ ભાજપનો જલ્સો, કોંગ્રેસનો હલ્લો

Thursday 26th May 2016 02:53 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારની રચનાને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે પાટનગર સહિત દેશભરમાં ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા આજથી શરૂ થઇ રહેલા આ કાર્યક્રમો ૧૫ જૂન સુધી ચાલવાના છે, જેમાં ભાજપના કાર્યકરો રાજ્ય, શહેર, જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે જઈને મોદી સરકારની સિદ્ધિઓની માહિતી આપતા કાર્યક્રમો યોજશે. બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાથી લોકોનો માહિતગાર કરવા દેશભરમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાનીચૂંટમી પર નજર રાખીને ભાજપ તેની સરકારના બે વર્ષના કામોને લોકો સમક્ષ લઇ જવા માટે અનેક કાર્યક્રમો યોજશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સહરાનપુરમાં એક જંગી જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી ૨૭ મેથી દેશના લગભગ તમામ રાજ્યોને આવરી લેતાં ૧૯૮ શહેરોમાં ભાજપની ૩૩ ટીમો કાર્યક્રમો યોજશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને કહ્યું હતું કે ટોચના કેબિનેટ પ્રધાનો અને પક્ષના નેતાઓ ૨૭ મેથી ૧૫ જૂન સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજશે.
મોદી સરકારનાં બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સરકારની ઉપલબ્ધિઓ ગણાવવા નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર ૨૮ મે દરમિયાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય પ્રધાનો, વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. પાંચ કલાક ચાલનારા આ કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજરી આપવાના છે. અમિતાભ આ મેગા શોમાં સરકારની સિદ્ધિઓ જણાવશે તેવા અહેવાલ છે.

અમિતાભની હાજરી અયોગ્યઃ  કોંગ્રેસ

જોકે, દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમના સંચાલન મુદ્દે વિવાદ પણ સર્જાયો છે. મોદી સરકારે કાર્યક્રમનું સંચાલન સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને સોંપ્યું હોવાના સમાચાર આ વિવાદના મૂળમાં છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘પનામા પેપર લીક્સમાં જેમનું નામ ઉછળ્યું છે એ વ્યક્તિને મહત્ત્વના રાજકીય કાર્યક્રમનું સંચાલન સોંપીને મોદી સરકાર તપાસ એજન્સીઓને શું સંકેત આપવા માગે છે?’ ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સમાં અમિતાભ બચ્ચનની સાથે તેમની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનનું પણ નામ ઉછળ્યું હતું.
જોકે, આ દિશામાં હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ કહ્યું હતું કે, ઈન્ડિયા ગેટ પર ૨૮મી મેના રોજ યોજાનારા કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી સાથે અમિતાભ બચ્ચન પણ સ્ટેજ પર હાજર રહેવાના છે. એક કલાકાર તરીકે અમિતાભ અને વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ જે વ્યક્તિ સામે કાળું નાણું વિદેશ મોકલ્યું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે એમની સાથે જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવું અયોગ્ય છે.

ભાજપે વળતો જવાબ આપ્યો

આ વિવાદ અંગે પલટવાર કરતાં ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે, 'કોંગ્રેસે અમિતાભ બચ્ચનનું નામ સાંભળીને ભડકવું જોઈએ નહીં. અમિતાભ બચ્ચન દેશમાં રાહુલ ગાંધીથી વધુ લોકપ્રિય છે.' જ્યારે પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીએ જણાવ્યું હતું કે, અમિતાભનું મંચ પર આવવામાં કશું ખોટું નથી. સોનિયા ગાંધી પોતે નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયેલાં છે તેમ છતાં તમામ નેતાઓ સાથે મંચ પર આવે જ છે ત્યારે અમિતાભના મંચ પર આવવામાં વિવાદ શા માટે?

કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ

એનડીએ સરકારને બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતા વિશે ૨૬મીથી ૨૮મી મે સુધી દેશભરમાં હલ્લાબોલ કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. સૂરજેવાલાએ આ અંગે કહ્યું હતું કે અમે લોકોને જણાવવા માગીએ છીએ કે, 'પ્રગતિ કી થમ ગઈ ચાલ, દો સાલ દેશ કા બુરા હાલ'. છેલ્લાં બે વર્ષમાં એનડીએ સરકાર કશું કરી જ નથી શકી. આ વાત સાબિત કરવા કોંગ્રેસ એક શોર્ટ ફિલ્મ પણ બનાવશે. વિકાસના મોરચે મોદી સરકાર સરેઆમ નિષ્ફળ છે. ભાજપ સરકાર ફક્ત લોકોને શબ્દોની માયાજાળમાં ફસાવવામાં હોંશિયાર છે. આ સરકાર જ્યાં જ્યાં નિષ્ફળ ગઈ છે તેની અમે બુકલેટ પણ વિતરિત કરીશું.

અમિતાભે સ્પષ્ટતા કરી

આ મામલે અમિતાભ બચ્ચને સ્પષ્ટતા કરી છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ શાબ્દિક હુમલાથી મને આશ્ચર્ય થયું છે. આ કાર્યક્રમનું હું સંચાલન કરી જ નથી રહ્યો. આ કાર્યક્રમને હું નહીં, પરંતુ અભિનેતા આર. માધવન હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભના જણાવ્યા મુજબ તે આ કાર્યક્રમના નાનકડા હિસ્સામાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન અંગે વાત કરશે. હવે સરકારે આખરી નિર્ણય લેવાનો છે કારણ કે, આ કાર્યક્રમ માટે સરકારે જ મને આમંત્રણ આપ્યું હતું. અભિષેક બચ્ચને આ મામલે જણાવ્યું હતું કે, તેમના પિતા કોઈ રાજકીય કાર્યક્રમની મેજબાની નથી કરી રહ્યા, તેઓ તો ફક્ત બાળકીઓનાં શિક્ષણ સાથે જોડાયેલાં એક અભિયાન અંગે વાત કરશે.
કોંગ્રેસની સામે પડેલા અભિનેતા ઋષિ કપૂર અમિતાભ બચ્ચનના બચાવમાં આગળ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 'અમિતાભ ખૂબ જ વરિષ્ઠ અભિનેતા છે, તેઓ બેટી બચાવો અભિયાનને સમર્થન આપી રહ્યા છે તેમાં ખોટું શું છે? તેઓ સારું કામ કરી રહ્યા છે, આ માટે જો મને બોલાવવામાં આવ્યો હોત તો મેં પણ આમ કર્યું હોત.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter