ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે વિરોધાભાસ જોવા મળતો હોવાથી થોભો અને રાહ જૂઓ... સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
વડા પ્રધાન મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું, ‘આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. ‘મેડ ઇન ઇન્ડિયા’ સામાન ઉપરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે, એ વાત જાણીને ખૂબ જ ખુશ છું. આ જાહેરાત બદલ ભારતના એક અબજ 40 કરોડ લોકો તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર.’
ટ્રમ્પે જે જાહેરાત કરી અને મોદીએ જે કંઈ કહ્યું, તેમાં તફાવત છે. ટ્રમ્પે કહ્યું કે ભારત દ્વારા રશિયન ઓઇલની ખરીદી બંધ કરાશે, જોકે, પીએમ મોદીએ આવું કંઈ નથી કહ્યું. ટ્રમ્પે કહ્યું કે ભારત દ્વારા અમેરિકાના સામાન ઉપરના ટેરિફને શૂન્ય ટકા સુધી ઘટાડવામાં આવશે, પરંતુ મોદીએ એમ નથી કહ્યું. ટ્રમ્પે કહ્યું ભારત દ્વારા 500 બિલિયન ડોલરના સામાનની ખરીદી કરવામાં આવશે, પરંતુ ભારતે હાલમાં સાર્વજનિક રીતે આવો કોઈ વાયદો નથી કર્યો. આથી વિપરીત નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ સામાનનો ઉલ્લેખ કર્યો છે, એટલે પણ અવઢવ વધવા પામી છે.
સાઉથ એશિયાના જિયોપોલિટિક્સના નિષ્ણાત ગણાતા માઇકલ કુગલમેને એક્સ પોસ્ટમાં લખ્યું છેઃ ‘ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે મોદીએ રશિયન ઓઇલની ખરીદી અટકાવવા ઉપર સહમતિ દાખવી છે. મને આ વાત ઉપર ઊંડી શંકા છે. નવેમ્બર મહિનામાં અમેરિકાએ રશિયા ઉપર નવેસરથી પ્રતિબંધ લાદ્યા હતા. એ પછી ભારતે રશિયન ઓઇલની આયાત ચોક્કસથી ઘટાડી હતી. અમેરિકા-ભારત વ્યાપારકરાર અંગે ઘણુંબધું અસ્પષ્ટ છે. શું ભારત દ્વારા કૃષિ જેવાં સંવેદનશીલ ક્ષેત્ર ખોલવામાં આવશે? પહેલાં કોઈ કરાર ન હોવાને કારણે આ પણ વિરોધનું કારણ હતું.’
આ સિવાય ટ્રમ્પે કહ્યું છે કે ભારત દ્વારા 500 બિલિયન ડોલરની કિંમતનાં અમેરિકન ઉત્પાદનોની ખરીદી કરાશે, આ અંગે પણ લોકોને શંકા છે, કારણ કે વર્ષ 2024માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર જ 212 બિલિયન ડોલરનો હતો.
ભારત અને ઈયુની ડીલ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર દબાણ વધ્યું હોવાનો કેટલાકનો મત
અમેરિકાના વિદેશ મંત્રાલયના પૂર્વ સલાહકાર ઇવાન એ. ફેઇજેનબોમે પણ એક્સ ઉપર લખ્યું કે ભારત દ્વારા નજીકના સમયમાં 500 બિલિયન ડોલરના અમેરિકન સામાનની ખરીદી થવાની ભાગ્યે જ શક્યતા છે. ઇવાને પોસ્ટમાં લખ્યું, ‘વર્ષ 2024માં 41.5 બિલિયન ડોલરના અમેરિકન સામાનની ભારતમાં નિકાસ થઈ હતી. જ્યારે અમેરિકાએ ભારતમાં 41.8 બિલિયન ડોલરની સેવાઓ એક્સ્પોર્ટ કરી હતી, આમ કુલ 83 બિલિયન ડોલરથી સીધા 500 બિલિયન ડોલર એટલે કે લગભગ 500 ટકાની વૃદ્ધિ... એ આમ જૂઓ તો વધારે પડતું છે. ઇવાને એમ પણ લખ્યું છે, ‘ખરો મુદ્દો તો બીજો છે.
રશિયન ઓઇલ સંબંધે કોઈપણ જાતની પ્રતિબદ્ધતા ભારત સરકાર લેખિત સ્વરૂપે સ્વીકાર કરશે, એ વાત ઉપર વિશ્વાસ કરવો મને મુશ્કેલ લાગે છે.’
પેરિસસ્થિત જેક્સ ડેલોર્સ ઇન્સ્ટિટ્યુટમાં વેપાર તથા આર્થિક સુરક્ષા સલાહકાર નિકોલસ કોહલર-સુઝુકીએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતે તમામ ટેરિફને શૂન્ય સુધી લાવવાની તૈયારી દાખવી હોય, એ વાત અશક્ય લાગે છે. નિકોલસના કહેવા પ્રમાણે, ટેરિફને શૂન્ય સુધી ઘટાડવા માટે સહમતિ આપી હોય, એ વાત શંકાસ્પદ લાગે છે, કારણ કે દોહાથી લઇને અત્યાર સુધી તમામ વેપાર વાટાઘાટોમાં ભારતે સતર્કતાપૂર્ણ વલણ રાખ્યું છે, વિશેષ કરીને કૃષિ ઉત્પાદનો બાબતે.
અમેરિકન અખબાર ‘વોલસ્ટ્રીટ જર્નલ’ના કોલમિસ્ટ સદાનંદ ધુમેએ એક્સ ઉપર લખ્યું, ‘મને લાગે છે કે ભારત દ્વારા કેટલાંક અમેરિકન ઉત્પાદનો ઉપરનો ટેરિફ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવશે, જેથી કરીને ટ્રમ્પ તેને ભારતે અમેરિકન વસ્તુઓ ઉપરનો ટેરિફ શૂન્ય કરી દીધો છે એવું દેખાડી અને પ્રચારિત કરી શકે.’
એવું પણ કહેવાય છે કે ગત મહિને ભારત - યુરોપિયન યુનિયન વચ્ચે વેપારકરાર થયા અને એ પહેલાં બ્રિટન સાથેના એફટીએના કારણે, કદાચ ટ્રમ્પની ઉપર ભારત સાથે કરાર કરવા માટેનું દબાણ વધ્યું હશે. એવું પણ કહેવાય રહ્યું છે કે ટ્રમ્પ ભલે અનેક દાવા કરે, પરંતુ લેખિત કરારના અભાવે સતર્ક રહેવું જરૂરી છે.
દિલ્હીસ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઇનિશિયેટિવના અજય શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, ‘ટ્રમ્પની ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં અનેક મોટા સવાલોનો જવાબ નથી મળતો. શું ખરેખર ભારતે કૃષિ અને નિયંત્રિત ચીજો ઉપરનો ટેરિફ ઘટાડીને શૂન્ય સુધી કરવા માટે સહમતિ આપી છે? સંયુક્ત નિવેદન, વાટાઘાટોનાં લખાણ કે તેનો કેવી રીતે અમલ થશે તેની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ઊજવણીના બદલે સતર્કતા જરૂરી છે.’
લાંબાગાળાથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ રહી હતી અને તેમાં મડાગાંઠ બંધાયેલી હતી, જેમાં સકારાત્મક દિશામાં પ્રગતિ થઈ છે. યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમે નિવેદન બહાર પાડીને કહ્યું, ‘બંને દેશની સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ શરૂઆત માત્ર છે. આવનારા મહિનાઓમાં તબક્કાવાર વધારાની મંત્રણાઓ થશે.’
નિષ્ણાતોના મતે, જિઓપોલિટિકસના દૃષ્ટિકોણથી પણ આ જાહેરાતોનું મહત્ત્વ છે. કારણ કે ટ્રમ્પના ટેરિફ બાદ ભારત, ચીન અને રશિયા વચ્ચે નિકટતા વધી રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર મંત્રણા દરમિયાન ત્રણેય દેશના નેતાઓએ કેમેરા સામે સ્મિત સાથે ફોટા પડાવ્યા હતા. આ બાબતને અમેરિકાની સરકારને સિગ્નલ તરીકે જોવાતી હતી.


