નૂતન ભારતના નિર્માણનો આરંભ

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં ભાજપઃ પંજાબમાં કોંગ્રેસ

Wednesday 15th March 2017 06:24 EDT
 
 

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલા પ્રચંડ જનાદેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનો આરંભ ગણાવ્યો છે. રવિવારે પાટનગરમાં ભાજપનાં વડા મથકે પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે વિઝન-૨૦૨૨ રજૂ કર્યું હતું. તેમણે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૨૫ કરોડ ભારતીયોનાં સપનાં પૂરાં કરવાની નેમ દર્શાવી હતી. ગરીબો માટે મહેનત કરીને લોકોનાં સપનાનું ન્યૂ ઈન્ડિયા રચવાની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે કહ્યું હતું કે આ માટે મને પાંચ વર્ષ આપો. વડા પ્રધાને કહ્યું હતું કે લોકો મને પૂછે છે કે આટલી બધી મહેનત અને આટલું બધું કામ શા માટે કરો છો? લોકો મને આવું પૂછે છે તે જ મારા માટે સૌભાગ્યની વાત છે. 

ભાજપનો ભવ્ય વિજય

શનિવારે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે ૪૦૩માંથી ૩૨૫ બેઠકો જ્યારે ઉત્તરાખંડમાં ૭૦માંથી ૫૭ બેઠકો મેળવી છે. પંજાબમાં કોંગ્રેસે ૧૧૭માંથી ૭૭ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે.
ગોવા અને મણિપુરમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, પણ ભાજપે અન્ય પક્ષોના સહયોગમાં સરકાર રચી છે. ગોવામાં મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકર સરકારે મંગળવારે શપથ લીધા છે, જે ૧૬ માર્ચે ગૃહમાં વિશ્વાસનો મત મેળવશે.
ભાજપે ૧૫ વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં એકલા હાથે સરકાર રચશે. ભાજપે તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવા માટે ૧૬ માર્ચે વિધાનસભા પક્ષની બેઠક યોજી છે.

જનતાનો પવિત્ર આદેશ

ભવ્ય વિજયને વધાવવા માટે નરેન્દ્ર મોદીએ રવિવારે પાટનગરમાં રોડ-શો યોજીને પગપાળા પક્ષના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોણ જીત્યું કે કોણ હાર્યું તેવું વિચારનારો હું માણસ નથી. ચૂંટણીવિજય ભાજપ માટે જનતાનો પવિત્ર આદેશ છે અને હું આ આદેશને મહત્ત્વનો ગણું છું. આ આદેશને પૂર્ણ કરવા ઇશ્વરે અમને જેટલી શક્તિ આપી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવાની નિરંતર કોશિષ આપણે કરતાં રહીશું.

આપણી પાસે ૫ વર્ષનો સમય

વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ પહેલી વખત પક્ષના કાર્યાલયે પહોંચેલા વડા પ્રધાનનું ભાજપના કાર્યકારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. મોદીએ ૨૦૨૨ સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનો પહેલો પડાવ આપણી સમક્ષ છે. ૨૦૨૨માં ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. તમામ સરકારોએ દેશ માટે કામ કર્યું છે. તેમનો પણ અમે આદર કરીએ છીએ. આપણી પાસે ૫ વર્ષનો સમય છે.
જો ૧૨૫ કરોડ લોકો દર વર્ષ એક નાનો સંકલ્પ કરે અને તેને પૂરો કરે તો આ દેશ કોઈ વાતમાં પાછળ રહશે નહીં. આપણે દરેકને મુખ્ય પ્રવાહમાં જોડવાના છે.

૬૫ ટકા યુવાનો અને મહિલાઓનાં સપનાં

મોદીએ દેશના ગરીબ અને મિડલ કલાસનાં લોકોને જોડતાં કહ્યુ હતુ કે ૬૫ ટકા યુવાનો અને મહિલાઓનાં સપનાં દ્વારા આપણે ન્યૂ ઇન્ડિયાની રચના કરાશે. ગરીબોની મહેનત અને મિડલ કલાસના સપનાં દ્વારા આપણે ન્યૂ ઈંડિયા બનાવશું. ભાજપના કાર્યકરોએ તેમને ‘મોદી... મોદી’નાં મારા સાથે આવકાર્યા હતા. મોદીએ કહ્યું કે આ ન્યૂ ઇન્ડિયા છે. એક એવું નવું ભારત કે જ્યાં દેશના ગરીબોમાં કશું મેળવવાનો બદલે કશું કરવાની તક શોધવાની ભાવના છે. દેશના ગરીબે હવે કશું મેળવવાની માનસિકતાને છોડી દીધી છે. તેઓ હવે કહેવા લાગ્યા છે કે હું મારી જાતમહેનતે આગળ આવવા માગું છું. તમે મને તક આપો, મહેનત હું કરીશ.

વૃક્ષમાં વધુ ફળો ઊગે ત્યારે...

મોદીએ ભાજપના કાર્યકરોને નમતા રહેવાની શિખામણ આપી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ વૃક્ષ પર વધુ ફળો ઊગવા લાગે ત્યારે તે વધુ નમવા લાગે છે. આપણે સૌએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જીત પછી પણ નમતા રહેવાનું છે અને નમ્ર રહેવાનું છે. આપણે સંયમ જાળવવાનો છે. કોઈ વૃક્ષ ભલે ગમે તેટલું ઊંચું હોય તેના પર ફળ આવે છે ત્યારે તે ઝૂકે છે. પ્રકૃતિનો આ નિયમ આપણને પ્રેરણા આપે છે કે ભાજપના આ વટવૃક્ષમાં જ્યારે ફળ લાગ્યાં છે ત્યારે આપણી ઝુકવાની જવાબદારી બને છે. સત્તા એ પદની શોભાનો હિસ્સો નથી. સત્તા તો સેવા કરવાનો અવસર છે. લોકશાહીમાં ચૂંટણી એ સરકાર રચવા માટે લોકશિક્ષણનું મહત્ત્વનું પર્વ છે.

વિકાસની હિમાયત કરતું ભારત

ભાજપની શાનદાર જીતના એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે નવું ભારત ઉભરી રહ્યું છે અને તે વિકાસનું હિમાયતી છે. તેમણે જનતાને કહ્યું કે તે નવા ભારતના નિર્માણનો સંકલ્પ લે અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે એક નવું ભારત ઉભરી રહ્યું છે. જેની પાસે ૧૨૫ કરોડ ભારતીયોની તાકાત અને ક્ષમતા છે. આ ભારત વિકાસના પક્ષધર છે. તેમણે આગળ લખ્યું, ‘વર્ષ ૨૦૨૨માં જ્યારે આપણે આઝાદીના ૭૫ વર્ષ પૂરા કરીશું ત્યાં સુધીમાં અમે એવું ભારત બનાવી લેવું જોઈએ, જે પર ગાંધીજી, સરદાર પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરને ગર્વ હોય.’
મોદીએ રવિવારે નમો એપ પર I Am New India નામની ભારતનિર્માણ ઝુંબેશની શરૂઆત કરી છે જે નવા ભારતનાં નિર્માણ માટેની પ્રતિક્ષા છે.

શાહ, મોવડીમંડળ, કાર્યકરો જીતના હકદાર

મોદીએ ભાજપની વિજયયાત્રા પછી કાર્યકરોને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશનાં ચૂંટણી પરિણામો નવા ભારતનાં નવા પાયા જેવાં છે. આ જીત માટે અટલજી, અડવાણીજી જેવા નેતાઓએ ભારે તપશ્ચર્યા કરી છે. ભાજપના નેતાઓની આશા પૂરી કરવા આપણે જનતાની વધુમાં વધુ સેવા કરવાની છે. ગરીબોની શક્તિ પારખીને તેને વધુમાં વધુ તક આપો જેથી દેશ આગળ વધે. ગરીબોને શિક્ષણ આપો કે જેથી તે કંઈક કરી બતાવે. મિડલ કલાસ ટેક્સ તેમજ અન્ય મારથી બોજો સહન કરે છે તેથી તેના પરનો આ બોજ ઓછો થવો જોઈએ. તે ઇચ્છે છે કે તેની પ્રગતિ આડેના અવરોધો દૂર થાય. ગરીબો પોતાનો બોજ ઉઠાવશે. એટલે મિડલ કલાસનો બોજ આપોઆપ ઓછો થશે.
મોદીએ કહ્યું કે અમિત શાહ, મોવડીમંડળ અને પક્ષના કાર્યકરો જીતના ખરા હકદાર છે. અમિતભાઈએ સભ્યોની નોંધણીઝુંબેશ ચલાવીને ભાજપને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવી છે. આ માટે આપણને ગર્વ હોવો જોઈએ. ચૂંટણીમાં ગ્રાઉન્ડલેવલ સુધી પહોંચવું એ લોકશાહીની સેવા છે.

ખોટા ઇરાદાથી કોઈ પણ કામ નહીં

મોદીએ કહ્યું પહેલા સત્તા પર આવ્યા ત્યારે અમે ત્રણ વાત કરી હતી. પહેલી કે અમે નવા છીએ અનુભવો ઓછો છે. ક્યારેય સંસદનો સભ્ય રહ્યો નથી. મારી ભૂલ થઈ શકે છે પણ ખોટા ઇરાદાથી કોઈ કામ નહીં કરું. બીજી કે અમે ભારે પરિશ્રમ કરીને તેની પરાકાષ્ઠા વટાવીશું. અને ત્રીજું જે કરીશું તે પ્રમાણિકતાથી કરીશું.
મોદીએ કહ્યું કે આ સરકાર સૌની છે. જેમણે મત આપ્યા છે. તેમની પણ છે, અને નથી આપ્યા તેમની પણ છે. ચૂંટાયેલા ઘણા લોકો આપને અજાણ્યા લાગશે. તેમનો અનુભવ ઓછો હશે, પણ અમારા સાથીઓ આપની આશાઓ પૂરી કરવામાં ઊણા ઊતરશે નહીં.

લોકોએ કામને ટેકો આપ્યો છેઃ અમિત શાહ

ભાજપા કાર્યકરોને સંબોધતા પક્ષપ્રમુખ અમિત શાહ કહ્યું હતું કે આઝાદી પછી દેશના ગરીબો માટે કલ્યાણની ભાવના ધરાવનાર સૌથી લોકપ્રિય નેતાનું આપણે સ્વાગત કરીએ છીએ. આ હોળી દેશ અને કાર્યકરો માટે અનોખા રંગ લઈને આવી છે. પાંચ રાજ્યોએ વડા પ્રધાનનાં કામને ટેકો આપ્યો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત મણિપુર અને ગોવામાં લોકોએ પાર્ટીને ટેકો આપ્યો છે. ૨૦૧૪ના પરિણામો કરતાં તે પક્ષને બે ડગલાં આગળ લઈ જનારાં છે. નોટબંધી કરીને દેશના ગરીબને મોદી સરકારે તેની સાથે જોડ્યાં છે. અમે લોકો માટે કામ કર્યું છે અને કરતાં રહીશું. કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં જીતનો સિલસિલો ચાલુ રહેશે. ૨૦૧૯માં વિજયરથ ચાલુ રહેશે.

રાહુલે ટ્વિટ કરીને મોદીને અભિનંદન આપ્યાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપના થયેલા વિજય બદલ ટ્વિટ કરીને અભિનંદન આપ્યાં હતાં તો વડા પ્રધાને પણ રાહુલને ઉષ્માપૂર્ણ પ્રતિભાવ આપ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિજય હું શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને અભિનંદન આપું છું.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપનો વિજય નિશ્ચિત થઇ જતાં રાહુલે ટ્વિટ કરીને અભિનંદન આપ્યાં હતાં.
રાહુલે ટ્વિટ કર્યા પછી તરત વડા પ્રધાને પણ જવાબમાં કહ્યું હતું, ‘આભાર. લોકશાહી અમર રહો.’ અભિનંદનની આ આપ-લે હવે વડા પ્રધાન મોદી અને રાહુલના સંબંધોમાં નવા તબક્કાનો આરંભ કરશે કે કેમ તે જોવું રહ્યું. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી વખતે તો બંને નેતાઓએ નામજોગ નિવેદનો કર્યા હતા.

૨૦૨૪ની તૈયારી કરોઃ ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએે ઉત્તર પ્રદેશમાં કેસરિયો લહેરાતાં તેમજ ઉત્તરાખંડમાં પણ ભાજપને બહુમતી મળતાં અજંપો ઠાલવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘જીતનો આ દર જોતાં વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પણ ભૂલી જાઓ. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સામનો કરી શકે તેવો આજે એક પણ નેતા નથી. ટૂંકમાં વર્ષ ૨૦૧૯માં મોદી અને ભાજપનો સામનો કરી શકે તેવો ભારતભરમાં સ્વીકૃતિપ્રાપ્ત કોઈ નેતા આજે નથી.’ ઉત્તર પ્રદેશનાં પરિણામો વિષે તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશનાં પરિણામો નાનાં-મોટાં તળાવમાં ઊઠતી લહેરો જેવાં નથી પરંતુ સુનામી જેવાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter