નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં બહાવલપુર, ફૈસલાબાદ, મુઝફ્ફરાબાદ, કોટલી, ભીંબર, મુરીદકે, ગુલપુર, બાઘ અને ચકામરુ સહિત 9 આતંકી અડ્ડાઓ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બહાવલપુર આતંકી સંગઠન લશ્કર-એ-તૈઇબાનું વડું મથક ગણાય છે. મંગળવારે મધરાત્રે 1.51 કલાકે ઇંડિયન આર્મીએ ‘ન્યાય તોળાયો છે. જય હિન્દ...’ તેવું ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. સામા પક્ષે પાકિસ્તાને કહ્યું હતું કે હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
સત્તાવાર માહિતી મુજબ ભારતીય સેનાએ કુલ 9 સ્થળો પર એકસાથે હુમલો કરી આતંકવાદી છાવણીનો સફાયો કર્યો છે. ભારતીય સુરક્ષા દળોએ આ સાથે જ સ્પષ્ટતા કરી હતી કે તેમણે પાક.ના કોઇ લશ્કરી મથકોને નિશાન બનાવ્યા નથી. અણુશસ્ત્રોથી સજ્જ બે દેશો વચ્ચે તણાવથી લશ્કરી સંઘર્ષના ભય તોળાતો હતો ત્યારે મિસાઈલ હુમલાઓ પછી ભારત સરકારે જણાવ્યું હતું કે, ‘ભારતે લક્ષ્યોની પસંદગી અને હુમલાની બાબતે નોંધપાત્ર નિયંત્રણ રાખ્યું હતું.’ આ હુમલાઓમાં પાકિસ્તાન અને પીઓકેમાં ઓછામાં ઓછાં 9 ત્રાસવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયાં હતાં.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આતંકવાદી છાવણીઓ પર હુમલાનો વીડિયો પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી બાંડી સંજય કુમારે પણ પોસ્ટ કર્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર ચોક્કસ, કઠોર અને માફી વિનાનું હતું, જ્યારે ભારત હુમલો કરે છે ત્યારે તે ઝડપી અને ચોક્કસ હોય છે. આપણા દળોએ જ્યાં પીડા થાય ત્યાં જ ફટકો માર્યો છે. પહલગામના શહીદોનો બદલો લેવાયો છે.’
પાકિસ્તાની આર્મીની કાગારોળઃ
નાગરિક સ્થળો પર હુમલા
પાકિસ્તાની આર્મીએ જણાવ્યું હતું કે મસ્જિદો પર હુમલા કરાયા છે જે નાગરિક સ્થળો છે. નુકસાનનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જિયો ટીવીને જણાવ્યું હતું કે ભારતે પોતાના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતા, જે સીધા નાગરિક વિસ્તારો પર પડ્યા હતા.
પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો છે કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલ હુમલા કર્યા છે. તેમણે તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે.
સંઘર્ષના ઝડપી અંતની આશાઃ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન લડાઈનો ઝડપથી અંત આવે તેવી આશા વ્યક્ત કરી છે. યુએસના વિદેશ વિભાગના પ્રવક્તાએ ભારતીય આર્મીના ‘ઓપરેશન સિંદૂર’ બાબતે જણાવ્યું હતું કે, ‘અમને અહેવાલોની જાણ છે પરંતુ, આ સમયે કાંઈ કહી શકતા નથી. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે મિસાઈલ હુમલા પછી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલે તેમના યુએસ સમકક્ષ તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાતચીત કરી હતી.