નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશ દ્વારા ન્યુક્લિયર બ્લેકમેલ સહન કરશે નહીં. ભારત દ્વારા પાક. પ્રેરિત આતંક પર વાર કરવાનું ચાલુ રહેશે. પાક. સાથે વાતચીતનાં સંદર્ભમાં કહ્યું હતું કે ટેરર - ટોક અને ટ્રેડ એકસાથે ચાલી શકે નહીં. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ પાક.નો વિકરાળ આતંકનો ચહેરો જોયો છે. ભારતનાં જવાબી હુમલામાં માર્યા ગયેલા આતંકીને વિદાય આપવા પાક.નાં અને પાક. સેનાનાં મોટા ઓફિસરો ઉમટી પડયા હતા. જે પુરવાર કરે છે કે પાકિસ્તાન આતંકની ફેકટરી ચલાવે છે. સ્ટેટ ટેરરિઝમનો આ મોટામાં મોટો પૂરાવો છે. પાક.ને યુદ્ધનાં મેદાનમાં આપણે અનેક વખત ધૂળ ચટાડી છે. આ વખતે ‘ઓપરેશન સિંદૂરે’ નવા આયામ જોડયા છે. આપણે રણ અને પહાડોમાં આપણી શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યૂ એજ વોરફેરમાં આપણે શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. આપણા મેડ ઈન ઈન્ડિયા હથિયારોએ તેની સર્વોપરિતા સાબિત કરી છે. દુનિયાએ જોયું કે 21મી સદીમાં ભારતનાં મેડ ઈન ઈન્ડિયા શસ્ત્રોનો સમય આવી ગયો છે.
ભારતના ત્રણ નવા આયામ નક્કી કરાયા છે જેમાં....
(1) આતંકી હુમલાઓને આપણી રીતે અને આપણી શરતોએ જડબાતોડ જવાબ અપાશે. કઠોર કાર્યવાહી કરાશે. આતંકનાં મૂળિયા સાફ કરાશે. (2) કોઈપણ ન્યુક્લિયર બ્લેકમેલને ભારત સહન કરશે નહીં. (3) આપણે આતંકને ટેકો આપતી સરકાર આતંકનાં આકાઓને અલગ અલગ રીતે જોઈશું નહીં.