નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશોમાં રાજનીતિક અસ્થિરતા અને અરાજકતા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. શ્રીલંકામાં આર્થિક સંકટ, માલદીવમાં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન, મ્યાંમારમાં કટોકટી જેવી પરિસ્થિતિ, પાકિસ્તાનમાં રાજનીતિક અસ્થિરતા, ચીન બોર્ડર પર સ્ટેન્ડઓફ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર હોવાના કારણે ભારત માટે માથાના દુઃખાવા જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. નિષ્ણાતો નેપાળની રાજકીય પરિસ્થિતિને પણ વધારે સ્થિર ગણતા નથી. આ બધી સમસ્યાઓની સાથે સાથે ભારત સરકાર રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધના કારણે પહેલેથી વ્યસ્ત છે.
અહેવાલો અનુસાર ભારતે પણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોતાના પડોશી દેશો પરના ફોકસને વધારી દીધું છે. વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દરેક ઘટનાક્રમ અંગે સતત માહિતગાર રાખવામાં આવે છે.
અહેવાલો અનુસાર ભારત સરકાર એ બાબતથી પૂરેપૂરી વાકેફ છે કે તેણે મદદ માટે હાથ લંબાવવાનો છે પરંતુ હસ્તક્ષેપનો આરોપ લઈને વધારાની ભૂમિકા નિભાવવા માંગતું નથી.
શ્રીલંકાને મદદ માટે ભારત સક્રિય
શ્રીલંકા ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત આ દેશને દરેક સંભવ મદદ કરી રહ્યું છે. સમુદ્રી સુરક્ષાના સંદર્ભમાં જોઈએ તો ભારત માટે શ્રીલંકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભારત શ્રીલંકામાંથી શરણાર્થી સંકટ અંગે પણ ચિંતિત છે. વિદેશ મંત્રાલય અનુસાર, ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને બેથી પાંચ બિલિયન ડોલર સુધીની મદદ કરી દીધી છે.
આની સાથે ભારતે ચોખા, શાકભાજી, ઇંધણ અને દવાઓ વિગેરે પણ મોકલ્યા છે, અને હજુ બીજો જથ્થો પણ મોકલાશે. શ્રીલંકામાં ભારત ઘણા અગત્યના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે અને આવા સંજોગોમાં આ પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ શકે છે.
ઉત્તર-પૂર્વની સરહદ પર ચીનનું જોખમ જૈસે થે
રાજકીય નિષ્ણાતો કહે છે કે પડોશમાં અસ્થિરતા સ્વાભાવિક રીતે જ આપણને ચિંતિત કરે છે પણ હાલમાં તો ચીન સૌથી મોટો ખતરો છે. સરહદ પર લગભગ બે વર્ષથી ડેડલોક જેવી સ્થિતિ સર્જાયેલી છે. બન્ને દેશ વચ્ચે 15 તબક્કાની વાટાઘાટો યોજાઈ છે પણ મામલો હજુ હલ થયો નથી. ચીન દ્વારા સમાધાનની વાતો કરીને ગમે ત્યારે હુમલો કરાય તે વાતને પણ નકારી શકાય નહીં.
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભય વધ્યો
પાકિસ્તાન ફરી એક વાર નાગરિક અને સૈન્ય શક્તિઓની વચ્ચે ફસાતું નજરે આવે છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેના રાજકીય સંબંધો સારા નથી, પરંતુ ભારત ઇસ્લામાબાદના ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનમાં નબળી સરકારના કારણે આઈએસઆઈ અને પાક. લશ્કર પ્રરિત આતંકવાદનો ભય વધી શકે છે. નવી દિલ્હીએ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આવ્યા પછીથી આતંકવાદ ભારત માટે ગંભીર ખતરો બની ગયો છે. નિષ્ણાતો માને છે કે ભારતે ફરી એક વાર અફઘાનિસ્તાનમાં સક્રિય થવું જોઈએ.