શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડથી ગયેલા યાત્રાળુઓની બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાટિંગુ નજીક પોલીસ વાનની સાથે યાત્રાળુ બસને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ ગુજરાતી સહિત સાત યાત્રાળુના મૃત્યુ નીપજ્યા છે જ્યારે ૩૨ને ઇજા પહોંચી છે. બે મૃતકો મહારાષ્ટ્રના છે. આ હુમલો પાકિસ્તાનસ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈઇબા અને હિજબુલ મુજાહિદ્દીન દ્વારા સંયુક્તપણે કરાયાનું સુરક્ષા દળોએ જણાવ્યું હતું.
મુસ્લિમ બસચાલકની હિંમતે બચાવ્યા
એક તરફ મુસ્લિમ આતંકવાદીઓ યાત્રાળુઓ પર કાળ બનીને ત્રાટક્યા હતા. તો બીજી તરફ એક મુસ્લિમ જ ત્રાસવાદીઓ વચ્ચે ફસાયેલા યાત્રાળુઓ માટે મસીહા સાબિત થયો હતો. વલસાડના બસચાલક સલીમે જવાંમર્દી દાખવીને ૫૦થી વધુ યાત્રાળુના જીવ બચાવી લીધા છે.
ત્રાસવાદીઓના બેફામ ફાયરિંગ છતાં સલીમ હિંમત હાર્યો નહોતો, અને તેણે ઘટનાસ્થળેથી બસ પૂરઝડપે ભગાવી હતી. જો તેણે આ હિંમત ન દાખવી હોત તો મૃત્યુઆંક ઘણો ઊંચો હોત. દેશભરમાં તેની બહાદુરીની પ્રશંસા થઇ રહી છે.
અને હું બચી ગયોઃ સલીમ
બસચાલક સલીમે જણાવ્યું કે, અંધારું થઈ ગયું હતું. અને અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. જેથી આ આતંકવાદી હુમલો હોવાની જાણ થઈ ગઈ હતી. ગોળીઓ છૂટતી રહી પણ હું બસ ચલાવતો રહ્યો હતો. સીટ નીચે નમી જતા હું બચી ગયો હતો. મારા માલિકે મને હિંમત આપતા લોકોને સલામત સ્થળે લઈ જઈ શક્યો હતો. આ શબ્દો છે એ મુસ્લિમ યુવકના જેણે ૫૦ જિંદગીઓને બચાવી છે. આતંકવાદીઓની ગોળીઓથી ઘાયલ થવા છતાં બસ ચલાવતા રહીને સલીમે મુસાફરોનો જીવ બચાવ્યો હતો.
મુખ્ય પ્રધાન રૂપાણીએ સલીમને યાત્રાળુઓને સલામત સ્થળે પહોંચાડવા બદલ શાબાશી આપી હતી. તેમજ જાહેરાત કરી હતી કે સલીમને વીરતા પુરસ્કારથી સન્માન કરાશે.
અસરગ્રસ્તોને સહાય
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મંગળવારે સુરત પહોંચ્યા હતા અને હુમલાનો ભોગ બનેલા મૃતકોને અંજલિ આપી હતી. સાતેય મૃતદેહ અને ૧૯ ઈજાગ્રસ્તો યાત્રિકોને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને સરકાર રૂ. ૧૦-૧૦ લાખની સરકારી સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તનોને ૨-૨ લાખ રૂપિયા અપાશે. મુખ્ય પ્રધાન મૃતકોના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને મળ્યા હતા અને સાંત્વના આપી હતી.
યાત્રાળુની જીદ નડી ગઇ?
સૂત્રોના મતે, વલસાડથી પ્રજાપતિ ટ્રાવેલ્સ, વિનર્સ ટ્રાવેલ્સ, સ્કાય દર્શન ટ્રાવેલ્સ અને ઓમ સાંઇ ટ્રાવેલ્સ એમ ચારેય લકઝરી બસો સાથે અમરનાથ યાત્રાએ નીકળી હતી. ૨૯ જૂને બસો કાશ્મીર જવા ગુજરાતથી રવાના થઇ હતી. જોકે, ઓમ સાંઇ ટ્રાવેલ્સની બસ અન્ય બસોથી વિખુટી પડી હતી અને નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક દિવસ મોડી ચાલતી હતી. એવું પણ કહેવાય છેકે, યાત્રાળુઓએ સાઇટ-સીઇંગની જીદ કરતાં બસ અન્ય લકઝરી બસોથી મોડી હતી. બસનું અમરનાથ બોર્ડમાં રજીસ્ટ્રેશન પણ કરાયુ ન હતું પરિણામે તેમાં સુરક્ષા કર્મીઓ ન હતાં.
ગુજરાતમાં હાઇ-એલર્ટ
અમરનાથ ગયેલા યાત્રિકો પર થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતમાં હાઇ એલર્ટ અપાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના તમામ એરપોર્ટ અને રેલવે સ્ટેશન તેમજ અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના યાત્રાધામો પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગુજરાતના તમામ હાઇ-વે પર અને સિટી વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ હાથ ધરીને સઘન પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.
દેશભરમાં વિરોધ પ્રદર્શન
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના વિરોધમાં મંગળવારે જમ્મુ સહિત દેશભરમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. વિવિધ રાજકીય પક્ષો ઉપરાંત ધાર્મિક સંગઠનોએ ધરણાં-પ્રદર્શન યોજીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, અમરનાથ યાત્રા માટે શ્રીનગર પહોંચેલા યાત્રાળુઓએ પણ હુમલાથી જરા પણ ડગ્યા વગર બર્ફાની બાબાના દર્શન કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અને કંડક્ટરે લાત મારીને આતંકીને ફેંકી દીધો
આતંકી હુમલા દરમિયાન બસડ્રાઇવર સલીમ, કંડકટર અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઇની જાબાંઝીને કારણે જાનમાલની ખુવારી અટકી હતી. વલસાડના યાત્રી સુમિત્રાબેન પટેલે કહ્યું કે, ગોળીબાર દરમિયાન કંડકટરે જાનની બાજી લગાવી બસના ખુલ્લા દરવાજા બંધ કરવા દોડી ગયો હતો. કંડકટરે બસમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા આતંકીને લાત મારીને બહાર ફેંકી દઈ દરવાજો બંધ કરી દીધો હતો. સમયસર દરવાજા બંધ ન કર્યા હોત તો આતંકીઓ તેમના નાપાક ઇરાદા પૂરા કરવા બસમાં ચઢી ગયા હોત અને બસમાં લાશોનો ઢગલો થઇ જાત. ત્રણ આતંકવાદીઓ બાઇક ઉપર સવાર હતા. ડ્રાઇવર સલીમને ગોળી વાગવાની સાથે બસનું ટાયર ફાટી ગયા હોવા છતાં તેણે બે કિલોમીટર સુધી બસ દોડાવી હતી.
ડ્રાઇવરની બરાબર પાછળ બેઠેલા ટૂર ઓપરેટર હર્ષ દેસાઈ આંતકીઓની ગોળી વાગવા છતાં પણ લોહીલુહાણ હાલતમાં ડ્રાઇવરને સતત માર્ગદર્શન આપતા રહ્યાં. આમ બસમાં સવાર અન્ય યાત્રીઓનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.
ધડાધડ બે ગોળી વાગીઃ ટૂર ઓપરેટર હર્ષ
આતંકી હુમલાનો ભોગ બનેલી બસના ટુર ઓપરેટર હર્ષ દેસાઇએ ઘટનાનું વર્ણન કરતા કહ્યું હતું કે અમે શ્રીનગરથી થોડાક આગળ ગયાને તરત બસને ઘેરી વળી આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એ લોકો ધડાધડ ગોળીબાર કરતા હતા. જેમાં મને બે ગોળી વાગી છે. એક પગમાં અને ખભા પર. વલસાડના તમામ યાત્રીઓ સુરક્ષિત છે. મૃતકો દમણના છે. (બાલતાલથી) ત્રણ બસ એક સાથે નીકળી હતી પરંતુ સાઇટ સીઇંગની લાલચમાં અમારી બસ પાછળ પડી ગઈ હતી. અંધારું થવા માંડ્યું હતું. કંઈ ખ્યાલ આવતો ન હતો. અચાનક જ ગોળીબાર શરૂ થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ તો આતંકવાદી હુમલો છે.
આતંકીઓ સંતાઇને બેઠા હતાઃ પુષ્પાબહેન
‘અમે બાબા અમરનાથના દર્શન કરી શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગરમાં ફર્યા પછી જમીને બપોરે બે વાગ્યે જમ્મુ જવા રવાના થયા હતા. રસ્તામાં પંક્ચર પડતાં બસ ઉભી રાખવી પડી હતી. બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં બસ ફરી ઉપડી. મોટા ભાગના યાત્રિકો થાકી ગયા હોવાથી લગભગ નિંદ્રાધીન હતાં. હું જાગતી હતી અને બસ એક ગામ વચ્ચેથી પસાર થઈ રહી હતી. રોડની બન્ને બાજુ નાની-નાની દુકાનો હતી. અચાનક જ ફટાકડા ફૂટતા હોય તેવા અવાજ થતાં લોકો સફાળાં જાગ્યા હતા. કંઈ સમજાય તે પહેલાં જ ડ્રાઇવરને ગોળી વાગી. પછી ડ્રાઈવરની પાછળની સીટમાં બેઠેલા ત્રણ મુસાફરો આતંકવાદીઓની ગોળીનો શિકાર થઈ ગયાં. એક મહિલા મુસાફરને તો માથામાં ગોળી વાગી. આતંકવાદીઓ દુકાનની પાછળ છુપાઈને બેઠાં હતાં અને હુમલો કર્યો હતો.’ આતંકવાદી હુમલાનો ભોગ બનેલી વલસાડની બસમાં સવાર મહારાષ્ટ્રના દહાણું ગામના પુષ્પાબહેન ગોસ્વામીએ ખૌફનાક ઘટના ટેલિફોન ઉપર વર્ણવતા આ માહિતી આપી હતી.
મૃતકોની યાદી
સુરેખાબહેન (ઉદવાડા, જિ. વલસાડ)
લક્ષ્મીબહેન એસ. પટેલ (વલસાડ)
હસુબહેન રતિલાલ પટેલ (વલસાડ)
રતન ઝીણાભાઇ પટેલ (દમણ કુંતા, દમણ)
ચંપાબહેન પ્રજાપતિ (ગણદેવી, જિ. નવસારી)
નિર્મલાબહેન ઠાકોર (ધનુ, જિ. પાલઘર, મહારાષ્ટ્ર)
ઉષાબહેન મોહનલાલ સોનકર (દાનુ, જિ. વાલગઢ, મહારાષ્ટ્ર)
દુઃખને વર્ણવવા શબ્દો નથીઃ મોદી
• શાંતિપૂર્ણ અમરનાથ યાત્રીઓ પરના ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલાથી મને જે પીડા થઈ રહી છે તે વર્ણવવા મારી પાસે શબ્દો નથી. આ કૃત્યને સૌ કોઈએ વખોડી કાઢવું જોઈએ. ભારત આવાં કાયરતાપૂર્ણ કૃત્યો અને ધિક્કારપૂર્ણ બદઇરાદાઓ સામે ઝૂકી જશે નહીં. - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
• અમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો સૌથી નિંદનીય કૃત્ય છે. આવા બનાવોથી ત્રાસવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો આપણો નિર્ધાર વધારે અડગ બનવો જોઇએ.
- સંરક્ષણ પ્રધાન, અરુણ જેટલી
• આ હુમલો કાશ્મીરના મૂલ્યો અને પરંપરાઓ પરનો હુમલો છે. આ ઘાતકી કૃત્ય આચરનારાઓનો સફાયો કરવામાં કોઇ કસર બાકી નહીં રખાય.
- જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી
• ભગવાન શિવના ભક્તો પર થયેલો આ હુમલો સમગ્ર માનવતા વિરુદ્ધ થયેલો ગુનો છે. સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી ક્ષતિઓની તપાસ થાય.
- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી
• અમરનાથ યાત્રીઓ પર હુમલો કરનારા ત્રાસવાદીઓ કાશ્મીર અને કાશ્મીરિયતના દુશ્મનો છે. સાચી દિશામાં વિચારનારો દરેક કાશ્મીરી આજે આ બનાવને વખોડી કાઢશે અને કહેશે કે મારા નામે આ ના થવું જોઇએ.
- નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા