નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત દોવાલ પણ હાજર રહ્યા હતાં.
સૌથી મોટી બાબત એ છે કે વડાપ્રધાન મોદીને મળવા જતાં પહેલાં સંરક્ષણ પ્રધાને પાછલા બે દિવસમાં સીડીએસ અને ત્રણે સેનાના વડાઓ સાથે બેઠક કરી લીધી છે. માનવામાં આવે છે કે સંરક્ષણ પ્રધાને વડાપ્રધાનને જમ્મુ અને કાશ્મીરની સુરક્ષાની સ્થિતિથી માહિતગાર કર્યા હતાં. આ મુલાકાત એવા સમયમાં થઇ છે કે જ્યારે ભારત 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલાં આતંકવાદી હુમલામાં સામેલ લોકોને સજા આપવાના વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે. ભારતે જણાવેલું છે કે હુમલામાં સામેલ લોકોને કઠોરમાં કઠોર સજા આપવામાં આવશે. આ મુલાકાત પણ તે યોજનાના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે.
ભારતીયનું લોહી ઉકળે છે, પીડિતોને ન્યાય મળશે
રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમના 121માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ હુમલાની કડક નિંદા કરી. મોદીએ કહ્યું કે પહલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કર્યા છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે. હુમલાની તસવીરો જોઈને મને લાગે છે કે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની હતાશા અને કાયરતા દર્શાવે છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે. ન્યાય મળીને રહેશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરો સામે કડક કાર્યવાહી કરાશે.
30થી વધુ દેશોના રાજદૂતો સાથે બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી અને તેમને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે માહિતી આપી હોવાનું મનાય છે. સાથે સાથે જ વિદેશ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલા અંગે માહિતી આપવા માટે યુએસ, યુકે, યુરોપિયન યુનિયન, ઈટાલી, કતાર, જાપાન, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સના ટોચના રાજદ્વારીઓને બોલાવ્યા હતા. 30 મિનિટની બેઠક દરમિયાન વિદેશ સચિવે આ રાજદ્વારીઓને માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જર્મની, જાપાન, પોલેન્ડ, બ્રિટન, રશિયા સહિતના દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને પહલગામ હુમલા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત યુએન ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ પણ યુએન સમક્ષ આ હુમલા અંગે રજૂઆત કરશે તેમ મનાય છે.
NIAએ તપાસ આરંભી
પહલગામ હુમલાની તપાસનો દોર હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પોતાના હાથમાં લઈ લીધો છે. પ્રારંભિક તપાસમાં તેને કેટલાક મહત્વના પુરાવા પણ મળ્યા છે. મંગળવારે પહલગામમાં પર્યટકો પર હુમલો થયાના બીજા દિવસથી જ એનઆઈએ ટીમ ઘટનાસ્થળે હાજર હતી અને તેણે પુરાવા એકત્ર કરવા કામગીરી વેગવંતી બનાવી છે. એક ફોટોગ્રાફરના કેમેરામાં થયેલા રેકોર્ડિંગ અનુસાર શરૂમાં બે આતંકવાદી દુકાનોની પાછળ સંતાયા હતા. સૌથી પહેલાં તે બે આતંકી બહાર આવ્યા હતા અને પર્યટકોને કલમા પઢવા કહ્યું. પછી ચાર લોકોને ગોળી મારી હતી. વિવિધ નિવેદનોથી જાણવા મળ્યું છે કે હુમલામાં ચારથી પાંચ આતંકીઓ સંડોવાયેલા હતા, જેઓ આધુનિક હથિયારોથી સજ્જ હતા અને તેમાંથી કેટલાકે આર્મી યુનિફોર્મ જેવા કપડાં પહેર્યા હતા. ડિજિટલ ફૂટપ્રિન્ટ મુઝફફરાબાદ અને કરાચીના એ ઠેકાણાઓ સુધી પહોંચે છે કે જ્યાં લશ્કર-એ-તૈયબા અગાઉ પણ મોટા હુમલાના ષડયંત્ર રચી ચૂક્યું છે.