પીએમ કેર્સ ફંડમાં સહાયનો ધોધ વહ્યોઃ પ્રાઇવેટ સેક્ટરનું રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનું યોગદાન

Friday 19th March 2021 04:12 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન્સ (PM CARES) ફંડને મળેલા ભંડોળની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ એક અખબારી અહેવાલ પ્રમાણે પીએમ કેર્સ ફંડમાં કોર્પોરેટ અને પ્રાઇવેટ સેક્ટરે નાણાંનો ધોધ વહાવ્યો હતો.
ફક્ત પબ્લિક સેક્ટરની કંપનીઓએ જ નહીં પરંતુ પ્રાઇવેટ સેક્ટરના મોટા કોર્પોરેટ ઘરાના, બેન્કોથી માંડીને કંપનીઓએ પીએમ કેર્સ ફંડમાં નાણાં મુક્તમને આપ્યાં હતાં. મોટા દાતાઓમાં સામેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા રૂપિયા ૫૦૦ કરોડ, તાતા ગ્રૂપ દ્વારા ૫૦૦ કરોડ, આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા રૂપિયા ૪૦૦ કરોડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા રૂપિયા ૧૦૦ કરોડ અને ૩ અગ્રણી પ્રાઇવેટ સેક્ટરની બેન્ક દ્વારા રૂપિયા ૧૭૫ કરોડનું ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
પીએમ કેર્સ ફંડમાં આઇસીઆઇસીઆઇ બેન્કે રૂપિયા ૮૦ કરોડ, એચડીએફસી બેન્કે રૂપિયા ૭૦ કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કે રૂપિયા ૨૫ કરોડનું ડોનેશન આપ્યું હતું. ગયા વર્ષે ખાડે ગયેલી યસ બેન્કે પણ રૂપિયા ૧૦ કરોડનું દાન આપ્યું હતું. યસ બેન્કના સ્ટાફ દ્વારા રૂપિયા ૧.૯ કરોડનું વધારાનું યોગદાન અપાયું હતું.
ઉલ્લેખનીય છે કે પીએમ કેર્સ ફંડ મેનેજ કરતી વડા પ્રધાન કચેરી ફંડમાં કેટલા નાણાં એકઠાં થયાં છે તે અંગેની વિગતો આપવાનો ઇનકાર કરી રહી છે. પીએમઓના કહેવા પ્રમાણે પીએમ કેર્સ ફંડ આરટીઆઇ એક્ટ અંતર્ગત આવતું જાહેર ભંડોળ નથી. વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રાઇવેટ કંપનીઓ અને બેન્કોના જાહેર રેકોર્ડ અનુસાર ૨૮ માર્ચ ૨૦૨૦ના રોજ પીએમ કેર્સ ફંડની જાહેરાત થયાના ચાર જ દિવસમાં આ ભંડોળ આપી દેવાયું હતું.
૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં પીએમ કેર્સ ફંડમાં રૂપિયા ૩,૦૭૬.૬૨ કરોડ જમા થઈ ગયા હતા જેમાંથી ૩,૦૭૫.૮૫ કરોડ રૂપિયાને સ્વૈચ્છિક દાન ગણાવવામાં આવ્યું હતું. આરટીઆઇ એક્ટ અંતર્ગત જાહેર ક્ષેત્રની ૩૮ કંપનીઓએ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી પીએમ કેર્સ ફંડમાં રૂપિયા ૨,૧૦૫ કરોડ રૂપિયા કરતાં વધુનું યોગદાન આપ્યું હતું. આરટીઆઇ રેકોર્ડ્સ એ પણ બતાવે છે કે નવોદય શાળાઓ, આઇઆઇટી, આઇઆઇએમ, કેન્દ્રીય યુનિવર્સિટીઓએ રૂપિયા ૨૧.૮૧ કરોડ જમા કરાવ્યા છે.

પીએમ કેર્સ ફંડમાં પ્રાઇવેટ સેક્ટરનું યોગદાન

• પીએમ કેર્સ ફંડમાં પ્રાઇવેટ સેક્ટરનું યોગદાન
• ૫૦૦ કરોડ રૂપિયા – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
• ૫૦૦ કરોડ રૂપિયા – તાતા ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ
• ૪૦૦ કરોડ રૂપિયા – આદિત્ય બિરલા ગ્રૂપ
• ૧૫૦ કરોડ રૂપિયા – લાર્સન એન્ડ ટુબ્રો
• ૧૦૦ કરોડ રૂપિયા- અદાણી એન્ટરપ્રાઇસ લિ.
• ૫૦ કરોડ રૂપિયા – ઇન્ફોસિસ
• ૫૦ કરોડ રૂપિયા – હીરો મોટર્સ
• ૩૫ કરોડ રૂપિયા – એશિયન પેઇન્ટ્સ
• ૨૦ કરોડ રૂપિયા – મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
• ૧૧ કરોડ રૂપિયા – ડાબર ઇન્ડિયા લિમિટેડ
પ્રાઇવેટ બેન્કોનું પીએમ કેર્સ ફંડમાં યોગદાન
• ૮૦ કરોડ રૂપિયા – ICICI બેન્ક
• ૭૦ કરોડ રૂપિયા – HDFC બેન્ક
• ૨૫ કરોડ રૂપિયા – કોટક મહિન્દ્રા બેન્ક
• ૧૧.૯ કરોડ રૂપિયા – યસ બેન્ક
• ૮.૨૯ કરોડ રૂપિયા – IDFC બેન્ક
• ૫.૧૨ કરોડ રૂપિયા – IDBI બેન્ક
કોરોના સામેની લડાઈ માટે જ ભંડોળ ફાળવનારી કંપની
• ૧૦૦ કરોડ રૂપિયા – ભારતી એરટેલ
• ૧૦૦ કરોડ રૂપિયા – જેએસડબ્લ્યૂ ગ્રૂપ
• લુપિન લિમિટેડે પીએમ કેર્સમાં યોગદાનનો ઉલ્લેખ કર્યો
• સિપ્લાના ૧૩,૬૦૦ કર્મચારીએ એક દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપ્યો
• ૧૦૦ કરોડ રૂપિયા એક્સિસ બેન્કે અલગ ફાળવણી કરી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter