પુલવામામાં શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાતમાંથી દાનનો ધોધ

Wednesday 20th February 2019 05:57 EST
 
 

અમદાવાદ: કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ તેમજ ઈજાગ્રસ્ત જવાનો તથા તેમનાં પરિવારની મદદ માટે દેશવિદેશમાંથી દાનની સરવાણી વહી રહી છે. તેવામાં ગુજરાતમાંથી સરકારી, બિનસરકારી, ધાર્મિક, સામાજિક સંગઠનો તથા વ્યક્તિગત રીતે દાનનો ધોધ વહી રહ્યો છે. બીજી તરફ શહીદોને શ્રદ્ધાંજલિ અર્થે રાજ્યમાં ઠેર ઠેર બંધ પળાયો હતો તો રાજ્યમાં દહેશતનો માહોલ પણ છે કારણ કે રાજ્યમાં આતંકી હુમલાના ઈનપુટ મળી રહ્યા છે.
વિધાનસભાના કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારો માટે આર્થિક સહાય જાહેર કરી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ દાતાઓ સાથે મળીને રૂ. ૫૦ લાખની રકમ એકત્રિત કરી કુલ રૂ. ૧ કરોડની રકમ ૧૭મીએ જાહેર કરી હતી. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ એક માસનો પગાર પણ દેશના સૈનિક નિધિમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.

ધારાસભ્યો એક માસનો પગાર આપશે

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે જમ્મુ - કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા માભોમની રક્ષા કરતા જવાનો પર હુમલો કરાયો છે જેમાં શહીદી વહોરનારા વીર જવાનોના પરિવારજનોને મને ધારાસભ્ય તરીકે મળતો એક માસનો પગાર અર્પણ કરું છું. એ પછી વસોયા સહિત રાજ્યના ભાજપી-કોંગ્રેસી ધારાસભ્યોએ પણ તેમનો એક માસનો પગાર સૈનિકો તથા તેમના પરિવારો માટે દાનમાં આપ્યો છે.

નેતાના પુત્રના લગ્નનો ચાંલ્લો દાન

પૂર્વ કૃષિ અને ઉર્જા પ્રધાન ચીમનભાઈ સાપરિયાના પુત્રના લગ્ન પ્રસંગે તાજેતરમાં સત્કાર સમારોહ હતો. જેમાં સાપરિયાએ જાહેરાત કરી કે, પોતાના તરફથી રૂ. ૧,૧૧,૦૦૦ અને ઉપસ્થિત મહેમાનોના ચાંદલાની રકમ રૂ. ૨,૪૦,૦૦૦ એમ કુલ ૩,૫૧,૦૦૦ શહીદ ફંડમાં દાન કરશે.

નંદેસરીના ઉદ્યોગો દ્વારા રૂ. ૫૫ લાખની મદદ

વડોદરા નજીકના નંદેસરીના નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો દ્વારા શહીદોના પરિવારોને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા રૂ. ૫૫ લાખની સહાય કરાશે. શહેરમાંથી અનેક દાતાઓ શહીદ પરિવારોને યથાશક્તિ મદદ કરી રહ્યા છે. એક સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં રકમની સહાય કરાશે તેવો આ શહેરનો પ્રથમ બનાવ નોંધાયો છે.

મોરારિબાપુ દ્વારા દાન

મોરારિબાપુએ જણાવ્યું કે, આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રૂરતાપૂર્ણ હુમલો કર્યો અને એમાં આપણા જે જવાનો શહીદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. હનુમાનજીની પ્રસાદીરૂપે દરેક શહીદોના પરિવારને રૂ. એક-એક લાખ પહોંચડવામાં આવશે.

એક દિવસમાં રૂ. ૮.૫૦ લાખ એકત્રિત

અમદાવાદના ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના તમામ સ્ટાફ અને વકીલોએ શહીદોના પરિવાર માટે માત્ર ૧ દિવસમાં ૮.૫૦ લાખ ભેગા કર્યાં હતાં. તે સાથે જ સ્ટાફ અને વકીલોએ પોતાની એક દિવસની કમાણી આપવાની પણ પ્રતીજ્ઞા લીધી હતી.

એક કલાકમાં રૂ. ૭૫ લાખ

મોરબીના સિરામિક ઉદ્યોગના ૨૦૦થી પણ વધુ એકમોએ ૧૭મીએ સૈનિક નિધિ માટે એક કલાકમાં રૂ. ૭૫ લાખથી વધુ રકમની સહાય એકત્રિત કરી હતી.

કાપડ, હીરા વેપારીઓ દ્વારા રૂ. ૨૧ લાખ ફંડ

કાપડ-ડાયમંડ માર્કેટના વેપારીઓએ વિવિધ કાર્યક્રમ થકી શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ‘ફોસ્ટા’ની આગેવાનીમાં ૧૫મીએ સાંજે કેન્ડલ માર્ચ કરીને
રૂ. ૧ લાખનું ફંડ એકત્રિત કર્યું હતું. સુરત બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે મૌનસભાનું આયોજન પણ એ દિવસે કરાયું હતું.

વિવિધ સંસ્થાઓ દ્વારા દાન

શહીદ ફંડમાં સરદારધામ દ્વારા ૧.૪૨ કરોડ, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા રૂ. ૧ કરોડ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રૂ. ૫૧ લાખ જાહેર કરાયા છે. વિશ્વકર્મા મનુપંચાલ યુવક મંડળ, પાટણવાડા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે રૂ. ૧,૧૧,૧૧૧ની રકમ અપાઈ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં સંયોજક આર. પી. પટેલે જણાવ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓએ કાશ્મીર પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોના પરિજનો માટે રૂ. ૫૧ લાખ રકમ અર્પણ કરી છે. જેમાંથી રૂ. ૧૧ લાખ ટ્રસ્ટી શૈલેષભાઈએ આપ્યાં છે. શહીદોના પરિવારોને મદદરૂપે આર્થિક સહાય સાથે રવિવારે અમદાવાદમાં સામ્યવાદી પક્ષ તરફથી વિવિધ ટ્રેડ યુનિયનોએ રેલી યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત સરદાર ધામમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અપાયા હતા.

રાજ્ય એકજૂથઃ વેપારધંધા સ્વયંભૂ બંધ

પુલવામામાં આતંકી હુમલા પછી શનિવારે અને રવિવારે રાજ્યમાં ઠેર ઠેર બંધ પાળવામાં આવ્યો હતો. શનિવારે અમદાવાદમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ, બાઈક રેલી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી તો શનિવારે જ સુરતની ૧૮૫ કાપડ માર્કેટના ૭૦,૦૦૦ વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી. કાપડના પાર્સલો બહારગામ લઈ જતા ૩૫૦૦ ટ્રકના પૈડા પણ થંભી ગયા હતા.

સરહદી સુરક્ષામાં વધારો

પુલવામામાં આતંકી હુમલા પછી ગૃહવિભાગના આદેશથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. એ પછી ગુજરાતમાં એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઈ માર્ગે પણ સુરક્ષા સઘન બનાવાઈ છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. મુખ્યમાર્ગો પર નાકાબંધી કરાઈ છે. રાજ્ય સાથે જોડાયેલી પાકિસ્તાન સરહદે આવેલા અતિસંવેદનશીલ કચ્છ જિલ્લા સહિત બનાસકાંઠા અને પાટણમાં સુરક્ષા વધારાઈ છે. રાજ્યમાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓ સાથે સ્થાનિક પોલીસે જાપ્તો વધારી દેવામાં આવ્યો છે.
કચ્છની અહીં વાત કરીએ તો દરિયાઈ સરહદી વિસ્તાર ર૩૮ કિ.મી.નો છે. જેમાં પશ્ચિમમાં ૧૯૦ કિ.મી. અને પૂર્વમાં ૪૮ કિ.મી. વિસ્તાર છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણના જમીન વિસ્તારની વાત કરીએ તો ૪૪૩ કિ.મી.નો છે. રેન્જ આઈજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા પ્રમાણે હાલમાં હાજીપીર, દયાપર, નારાયણ સરોવર, જખૌ, બાલાસર, ખડીર, રાપર, માવસરી, વાવ, સૂઈ ગામ, જજામ, ઈવાલમાં ર૮ કેમલ પેટ્રોલિંગ થાય છે. સીમા સુરક્ષા દળ, કસ્ટમ અને મરીન પોલીસ દ્વારા ગાંધીધામમાં એક, મુંદરામાં ર અને જખૌમાં બે સહિત પાંચ બોટો દ્વારા પેટ્રોલિંગ થાય છે. જખૌ અને મેડી વચ્ચેનો દરિયાઈ માર્ગ ખૂબ જ સંવેદનશીલ ગણાય છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે કોમ્બિંગ પણ ગોઠવવામાં આવ્યું હતું. તેની સાથે સાથે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પ્રવાસીઓના માલસામાનની ચકાસણી અને પ્રવાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કચ્છના ભુજના હવાઈમથકે સીઆરપીએફના જવાનો દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે કચ્છના મહત્ત્વના અને સંવેદનશીલ ગણવામાં આવતા વિસ્તારો સામખિયાળી, સૂરજબારી, આડેસર સહિતની ચેકપોસ્ટો પર આવન-જાવન કરતા તમામ વાહનો પર નજર ગોઠવાઈ છે.

આતંકી હુમલાનો ખતરો

જૈશ એ મહોમ્મદના આતંકી રેહાન અને મોહમ્મદ ઇબ્રાહિમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પબ્લિક પ્લેસ, રેલવે સ્ટેશન અને મંદિરો પર મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી ભીતિ વ્યક્ત કરાતાં રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને તપાસ ચાલે છે. ઈનપુટ મુજબ એક સુસાઈડ બોમ્બર એક વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે. આ આતંકીઓ મસૂદ અઝહર સંગઠનના માણસો હોવાનું કહેવાયું છે. પુલવામા એટેકમાં સંડોવાયેલો ગ્રેટર હૈદરાબાદનો મહોમ્મદ ઈબ્રાહિમ આ કારસામાં પણ સામેલ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સુસાઈડ બોમ્બર રેહાન પણ સામેલ છે. રેહાનનું નિશાન રેલવે સ્ટેશન હોવાના ખબર મળ્યાં છે. આ તમામ લોકો મૌલાના મસૂદ અઝહરના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે.

પાકિસ્તાનનો બહિષ્કાર

‘ભલે અમારા બે કરોડ રૂપિયા જાય, અમે પાકિસ્તાન જવાના નથી’ તેવું ગુજરાત ડાયસ્ટફ એસોસિએશનના ૫૩ વેપારીઓએ ૧૯મીએ નક્કી કર્યું છે. છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાનમાં ટ્રેડ શો યોજાય છે.
 આ વખતે પણ ૯ અને ૧૦ માર્ચના રોજ પાકિસ્તાનમાં યોજાનારા કલર એન્ડ કેમ એક્સપોમાં ગુજરાતી વેપારીઓ ભાગ લેવાના નથી. ત્યાં સુધી કે આ ટ્રેડ શોમાં ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસો.ના નામનો ઉલ્લેખ નહીં કરવા પાકિસ્તાન કેમિકલ્સ એન્ડ ડાઇઝ મરચન્ટ એસોસિએશનને જાણ કરી દીધી છે. આ વેપારીઓએ પાકિસ્તાનના વિઝા કઢાવવા માટે આપેલા પાસપોર્ટ પાકિસ્તાન એમ્બેસીમાંથી પરત મેળવવા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓ આ અંગે સત્વરે જવાબ મળે તેની રાહ જોઈ રહ્યાં છે.

કલમ ૩૭૦ દૂર કરવાની માગ

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાની માગ સાથે અમદાવાદની ૧૫ વર્ષીય તનઝીમ શાહીબાગ શહીદ સ્મારક ખાતે આમરણ ઉપવાસ પર બેઠી છે. તનઝીમ હાલ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે અને પાંચ માર્ચથી તેની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તનઝીમના પિતાએ જણાવ્યું કે, શહીદોના પરિવારને દરેક રાજ્ય એક સમાન વળતર આપે તેવી માગ સાથે દીકરીએ ઉપવાસ શરૂ કર્યા છે. અગાઉ તનઝીમ ૭ ઓગસ્ટ ૨૦૧૭એ શ્રીનગરના લાલચોક ગઈ હતી અને ત્યાં પણ તેણે રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો હતો.

શહીદોને શ્રદ્ધાંજલિ સમયે પણ રાજકારણ

વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગરિમા જાળવી હતી, પણ આ પછી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસે સરદાર પટેલને કાશ્મીર સમસ્યા ઉકેલવા આપી હોત તો આ પ્રશ્ન ન હોત તેમ કહી સ્પષ્ટ રાજકીય ટિપ્પણી કરી હતી. જેનાથી વાતાવરણમાં ગરમાટો છવાયો હતો. આ અંગેનો જવાબ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પુલવામાના માસ્ટર માઇન્ડ આતંકી મસૂદ અઝહરને કંદહારમાં મૂકવા ગયા ન હોત તો આ દિવસ ન હોત તેવો વળતો જવાબ આપતા શ્રદ્ધાંજલિ જેવા ગરિમાપૂર્ણ પ્રસ્તાવમાં પણ રાજકારણ રમાયું હોવાનો અહેસાસ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter