નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં ગલવાન ઘાટી અને પેગોંગ સરહદે વધતા તણાવ વચ્ચે હવે ચીની લશ્કર દેપસાંગમાં નિયંત્રણ રેખાથી ૧૮ કિમી અંદર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવ્યું હોવાના અહેવાલ છે. સેટેલાઈટ તસવીરોથી જાણવા મળ્યું છે કે ચીનનું લશ્કર ભારતીય સરહદમાં એવા સ્થળે ઘૂસી આવ્યું છે કે જેને બોટલનેક કહેવાય છે. આ વિસ્તાર રેકીનાલા અને જીવાનનાલા નામે ઓળખાય છે. આ વિસ્તારમાં ૨૦૧૩-૧૪માં પણ ભારત-ચીન વચ્ચે વિવાદ થયો હતો. ભૂતપૂર્વ સંરક્ષણ રાજ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા પલ્લમ રાજુએ દાવો કર્યો હતો કે ચીની સૈનિક દેપસાંગ વિસ્તારમાં ૧૮ કિમી અંદર ઘૂસી આવ્યા છે અને ટોટિયાવાય જંક્શન વિસ્તારમાં ડેરાતંબૂ નાખીને બેઠા છે. આ વાસ્તવિક નિયંત્રણ રેખાથી ભારત તરફ ૧૮ કિમી અંદર છે.
કાશ્મીરમાં સૈન્ય માટે શાળાઓ ખાલી કરવા આદેશ
ભારત અને ચીન વચ્ચે સરહદે ભારે તકરાર ચાલી રહી છે. ચીનના હુમલામાં ભારતના ૨૦ જવાનો શહીદ થઇ ગયા હતા. આ સ્થિતિ વચ્ચે હવે ભારત દ્વારા વળતો જવાબ આપવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો છે. જમ્મુ કાશ્મીરમાં સરકારે ડિસ્ટ્રિબ્યૂટર્સ બે મહિના માટે એલપીજી સિલિંડરનો સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે જેને પગલે સ્થાનિક લોકોની ચિંતા વધી રહી છે. આ ઉપરાંત સુરક્ષા જવાનો માટે સ્કૂલોને ખાલી કરાવવાનો એક આદેશ અલગથી જારી કરાયો છે. સરકારના આ બન્ને આદેશોને કારણે ઘાટીમાં રહેતા લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ઉપરાજ્યપાલ જી. સી. મુર્મુ દ્વારા જારી આદેશમાં જણાવાયું છે કે આવ્યું છે કે કારગિલથી ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષા જવાનો માટે સ્કૂલોને ખાલી કરાવવામાં આવે. હાલ આ વિસ્તારમાં સૈન્ય જવાનો તૈનાત છે અને તેમના રહેવા માટે કેમ્પ સહિતની સુવિધા છે પણ સ્કૂલોમાં રહેવાની સુવિધાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી એવા પણ અહેવાલો છે કે આ વિસ્તારમાં સૈન્યની સંખ્યામાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. આ આદેશ બાદ ઘાટીમાં એક પ્રકારના પેનિકની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.
સરહદે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત
ચીનની વધતી હરકતોને ધ્યાનમાં રાખીને ભારતે પૂર્વીય લદ્દાખ સેક્ટરમાં એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી દીધી છે. હવે ચીન તરફથી કોઈ આકાશી હલચલ નોંધાશે તો ગણતરીની સેકન્ડોમાં મિસાઈલ છોડી શકાશે. ઈન્ડિયન આર્મી અને એરફોર્સે ભેગા મળીને સરફેસ-ટુ-એર (એટલે જમીન પરથી હવામાં) પ્રહાર કરી શકતી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી છે. હવે ચીની વાયુસેનાના વિમાનો હદ ઓળંગવાનો પ્રયાસ કરશે કે પછી બીજું કોઈ દુ:સાહસ કરશે તો તુરંત મિસાઈલ પ્રહાર કરી શકાશે. ભારત-ચીન વચ્ચે ફેલાયેલા પેંગોગ સરોવરના ચીન તરફના ભાગમાં ચીને હેલિપેડ, રોડ-રસ્તા, બંકર વગેરેનું મોટે પાયે બાંધકામ કરી દીધું છે. ગલવાન સંઘર્ષ પછી ચીને પોતાના ફાઈટર વિમાનો સુખોઈ-૩૦ અને અન્ય બોમ્બર્સ સરહદ પાસેના બેઝ પર ગોઠવી દીધા છે.
પીઓકેના એક્ટિવિસ્ટનું ભારતને સમર્થન
પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ના એક એક્ટિવિસ્ટે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનની આક્રમકતા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગ્લાસગોમાં સ્વૈચ્છિક દેશવટો ભોગવી રહેલા ચળવળકાર અમજદ અય્યુબ મિર્ઝાએ કહ્યું કે, તેઓ ભારતીય સેનાના સમર્થનની પ્રતિજ્ઞા કરે છે. ૭૦ વર્ષથી પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને ભારતથી અલગ રાખવામાં આવ્યા છે. ચીનની આક્રમકતાના કારણે ભારત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અમે ચૂપ નહીં રહીએ અને ભારત સાથે ખભે-ખભા મિલાવીને ઊભા રહીશું. મિર્ઝાએ કહ્યું કે, ‘હું ભારત માટે લડીશ અને જ્યાં ભારતીય સૈનિકનું લોહી રેડાશે, ત્યાં અમે પણ દુશ્મન સામે લડીશું.’
ચીને ભારતના રેડિયો સિગ્નલ જામ કર્યા
ઓલ ઈન્ડિયા રેડિયોની ચાઈનીઝ મેન્ડેરિન ભાષામાં પણ સર્વિસ છે. ચીને સરહદી ક્ષેત્રમાં આચરેલી લુચ્ચાઇ અને ગરબડને ખુલ્લી પાડવા માટે ઓલ ઈન્ડિયા રેડિયોએ ચાઈનીઝ ભાષામાં પ્રસારણ શરૂ કર્યું હતું. જોકે હવે અહેવાલ છે કે ચીને ભારતીય રેડિયોના સિગ્નલ જામ કરી દીધા છે. જેથી ઓલ ઈન્ડિયા દ્વારા થતું પ્રસારણ ચીની લોકો સુધી પહોંચી શકતું નથી. ઓલ ઈન્ડિયા ઉપરાંત તિબેટિયન રેડિયોનું પ્રસારણ પણ ચીને અટકાવ્યું છે.
નેપાળી આર્મીએ બિહાર સરહદે ચીની તંબુ તાણ્યા
બિહારની નેપાળને સ્પર્શતી સરહદ પર નેપાળની સતત દખલગીરી વધી રહી છે. અત્યાર સુધી જ્યાં કોઈ લશ્કરી પોસ્ટ ન હતી ત્યાં નેપાળી આર્મીએ ચોકીઓ ઉભી કરી દીધી છે. એટલું જ નહીં નેપાળે ખડકેલા તંબુ ચીની બનાવટના છે. સશસ્ત્ર સીમા દળના અધિકારીઓનું કહેવું છે કે આ તંબુ સંભવત નેપાળના ભુકંપ વખતે ચીને આપ્યા હશે. ૨૦૧૫માં ભુકંપ આવ્યો ત્યારે ભારતની માફક ચીને પણ તંબુ સહિતની સહાય કરી હતી. નેપાળ એ તંબુનો ઉપયોગ હાલ સરહદે ચોકીઓ ઉભી કરવા કરી રહ્યું છે. લોકડાઉનની સ્થિતિનો લાભ ઉઠાવીને નેપાળે બિહાર સરહદે કેટલીક નવી ચોકીઓ ઉભી કરી હતી.