કોલકતાઃ પશ્ચિમ બંગાળની હાઇવોલ્ટેજ વિધાનસભા ચૂંટણી સહિત પાંચ રાજ્યોના પરિણામો જાહેર થઇ ગયા છે. ભાજપે ધારણા કરતાં પણ પ્રચંડ બહુમતી મેળવીને બંગાળમાં મમતા બેનરજીના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. પરંતુ રાજકીય માહોલ હજુ એવો જ ગરમ છે. એક તરફ ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજયના પ્રસંગની કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી ઉજવણી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ મમતા બેનરજી માટે પરાજય પચાવવો મુશ્કેલ થઇ પડ્યો છે.
વિદાય લઇ રહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પર બેઇમાનીથી ચૂંટણી જીતવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું, ‘હું રાજીનામું નહીં આપું, હું હારી નથી. મારા રાજીનામાનો સવાલ જ નથી. તેથી રાજભવન નહીં જાઉં. તેઓ સત્તાવાર રીતે અમને હરાવી શકે છે, પરંતુ નૈતિક રીતે તો અમે જ ચૂંટણી જીત્યા છીએ.’
તેમણે કહ્યું કે ચૂંટણીના બે દિવસ પહેલા અમારા લોકોને પકડવામાં આવ્યા. ઠેર ઠેર દરોડા પડાયા. ઉચ્ચ અધિકારીઓની બદલી કરાઇ. વડાપ્રધાન અને ગૃહમંત્રી આમાં સીધા સામેલ છે. આ સાથે જ તેમણે તૃણમૂલ કોંગ્રેસની હાર માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવતાં કહ્યું કે ‘ચૂંટણી પંચ મુખ્ય વિલન છે’.
સોમવારે જાહેર થયેલા પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપે બંગાળ ઉપરાંત આસામ અને પુડ્ડુચેરીમાં પણ શાનદાર વિજય મેળવ્યો છે. પક્ષે આસામમાં ત્રીજી વખત ચૂંટણી જીતી છે તો પુડુચેરીમાં બીજી વખત વિજય મેળવ્યો છે. તામિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે પહેલી જ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે જ્યારે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ)એ ડાબેરી મોરચા સરકારને હરાવી સત્તા હાંસલ કરી છે.
મમતા બેનરજીએ કહ્યું, મેં રાજીવ ગાંધી, મનમોહન સિંહ, વાજપેયી સહિત ઘણી સરકારો જોઈ છે, પરંતુ આવો અત્યાચાર ક્યારેય જોયો નથી. અત્યાચારની કોઈ સીમા રહી નથી. પહેલા રાઉન્ડની ગણતરી પછી જ તેઓ કહેવા લાગ્યા કે ભાજપ 195-200 બેઠકો જીતી રહી છે. અંતિમ પરિણામની રાહ ન જોઈ. ભાજપના લોકોએ પોલિંગ સ્ટેશનની અંદર ઘૂસીને લોકોને અને કાઉન્ટિંગ એજન્ટોને મારવાનું શરૂ કરી દીધું. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ પગલાં લઈશું. શું કરીશું, તે હમણાં નહીં જણાવીએ.
શનિવારે શપથગ્રહણ સમારોહ
પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયાં. બંગાળના ઇતિહાસમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે. આ જ દિવસે રવીન્દ્રનાથ ટાગોરની 165મી જયંતી છે. બંગાળમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે ભાજપે ગૃહમંત્રી અમિત શાહને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં કોણ હાજરી આપશે અને કોણ મુખ્યમંત્રી બનશે તેની વિગતો જાહેર કરાઈ નથી.
ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળઃ મોદી
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનાં વડામથકે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે બંગાળમાં હવે પરિવર્તન થઈ ગયું છે. હિંસા, ભય અને અરાજકતાનાં માહોલને લોકોએ જાકારો આપ્યો છે. લોકોએ શાંતિ અને વિકાસને પસંદ કરીને ભાજપને ખોબલે ખોબલે મત આપીને વિજયની વરમાળા પહેરાવી છે. બંગાળની પહેલી કેબિનેટની મિટિંગમાં જ હવે આયુષ્યમાન ભારત સ્કીમનો અમલ કરવા મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં ઘૂસણખોરો સામે કડક પગલાં લેવાશે. મહિલાઓને સુરક્ષા અપાશે, યુવાનોને રોજગાર અપાશે. લોકોનું પલાયન રોકાશે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં સરકાર બનતા તેમણે કહ્યું કે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું છે. તેમણે ઐતિહાસિક જીત માટે કાર્યકરોને જશ આપ્યો હતો. બંગાળમાં હવે નવા ભવિષ્યને ઘડવા માટે નવો અધ્યાય લખાશે. રાજ્ય હવે ભયમુક્ત બનીને વિકાસની દિશામાં આગળ વધશે. આ જીત વંદે માતરમનાં 150મા વર્ષનાં સંદર્ભમાં મહત્વની છે. શ્યામા પ્રસાદ મુખરજીનાં આત્માને આજે શાંતિ મળશે તેમણે બંગાળમાં ભાજપની સરકારનું સપનું જોયું હતું. બદલાની ભાવનાને બદલે ભાજપ બદલાવની સ્થિતિમાં માને છે. બંગાળના વિકાસ માટે 24 કલાક કામ કરીશું.
મમતા દીદીના 15 વર્ષના શાસનનો અંત
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બે તૃતિયાંશથી વધુ બહુમતિ સાથે ભાજપે 207 બેઠકો કબજે કરી છે અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. રાજ્યની માનસિકતા અને રાજકીય વિચારધારા પરત્વે નિર્ણાયક પરિવર્તન આ સાથે આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોને તેમના જ ગઢ ભવાનીપુરમાં ભાજપના સુવેન્દુ અધિકારીએ સજ્જડ પરાજય આપ્યો છે. 294 સભ્ય ધરાવતી વિધાનસભામાં તૃણમલ કોંગ્રેસને માત્ર 80 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. 1972ના વર્ષ બાદ પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં એવા પક્ષને સત્તા સોંપાઈ છે, જેની કેન્દ્રમાં પણ સરકાર હોય. પૂર્વ ભારતના સૌથી મોટા ગઢ પર ભગવો ફરકાવી ‘અંગ, બંગ અને કલિંગ’ (બિહાર, બંગાળ, ઓડિશા) સુધી ભાજપની સત્તા પ્રસરી છે, જે રાષ્ટ્રીય ફલક પર સત્તાના નવા પરિમાણ સર્જે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝંઝાવતી સભા-રેલીઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાતે જ મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે બૂથ લેવલ નેટવર્ક સુધી કરેલી કામગીરી રંગ લાવી છે. 2011માં માત્ર 4 ટકા વોટશેર ધરાવનારા ભાજપે 15 વર્ષના પ્રયાસો બાદ આ મુકામ હાસલ કર્યો છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 38 ટકા અને તૃણમૂલ કોંગ્રેસને 48 ટકા મત મળ્યા હતા. 2026માં વોટશેર અનુક્રમે 45 ટકા અને 40.94 ટકા થયો છે.
• આસામમાં એનડીએ ગઠબંધનને બે તૃતિયાંશ બહુમતિ સાથે ત્રીજી વખત સરકાર બનાવવા જનાદેશ મળ્યો છે. 126 સભ્ય ધરાવતી વિધાનસભામાં એનડીએના 102 ઉમેદવાર વિજયી થયા છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધને અત્યાર સુધીનું સૌથી વધું નબળું પરફોર્મન્સ કર્યું છે. ભાજપને 82, બીપીએફ અને એજીપીને 10-10 બેઠક મળી છે. કોંગ્રેસને માત્ર 19 તથા સાથી પક્ષોને માત્ર પાંચ બેઠક હાસલ થઈ છે.
• તામિલનાડુમાં લોકપ્રિય સ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખરને આશ્ચર્યજનક આવકાર મળ્યો છે. રામચંદ્રન અને જયલલિતાની જેમ વિજયને પણ પહેલી જ ચૂંટણીથી મતદારોએ દિગ્ગજ નેતા બનાવી દીધા છે. 234 બેઠક ધરાવતી વિધાનસભામાં વિજયના પક્ષ TVKને 108 બેઠક મળી છે અને તેમની સરકાર બનવાનું નિશ્ચિત છે. મુખ્યમંત્રી સ્ટાલિન અને તેમના પક્ષ ડીએમકેને 60 બેઠક આપી મતદારોએ જાકારો આપ્યો છે.
• કેરળ સ્વરૂપે ગુમાવેલો ગઢ કોંગ્રેસને 10 વર્ષ બાદ પાછો મળ્યો છે. ડાબેરીઓને એલડીએફ મોરચાની સરકારને ઉથલાવી મતદારોએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફને સત્તા સોંપી છે. કુલ 140 બેઠકમાંથી યુડીએફને 102 બેઠક, જ્યારે એલડીએફને માત્ર 35 બેઠક પ્રાપ્ત થઈ છે. ભાજપ-એનડીએને માત્ર ત્રણ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
• પુડુચેરી વિધાનસભામાં AINRC-એનડીએનો વિજય અપેક્ષિત હતો. મુખ્યમંત્રી એન રંગાસામી બંને બેઠક પરથી વિજયી થયા છે અને તેમના પક્ષને 12 બેઠક મળી છે. 30 બેઠક ધરાવતા આ રાજ્યમાં એનડીએના પક્ષોને 6 બેઠક મળતાં સ્પષ્ટ બહુમતિ હાસલ થઈ છે.


