પ્રતિષ્ઠાનો જંગ જીતતા પટેલ

શાહ અને સ્મૃતિનો પણ વિજયઃ કોંગ્રેસને બે રદ મત ‘ફળ્યા’

Friday 11th August 2017 07:02 EDT
 
 

ગાંધીનગર, અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં લગભગ અઢી દસકા બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જામેલા ખરાખરીના જંગમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ (૪૬ મત) અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની (૪૬ મત)નો અપેક્ષા અનુસાર વિજય થયો છે, જ્યારે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ત્રીજી બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ વિજયી થયા છે. ૪૪ મત મેળવનાર અહમદ પટેલે તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને હરાવ્યા છે.
૧૮૨ સભ્યોના વિધાનસભા ગૃહમાં ૧૨૧ બેઠકો ધરાવતા ભાજપનો બે બેઠકો પર તો વિજય નિશ્ચિત હતો, પરંતુ પક્ષની નેતાગીરીએ કોંગ્રેસના ફાળે જતી ત્રીજી બેઠક પણ જીતવા માટે કમર કસી હતી. તો કોંગ્રેસે કોઇ પણ સંજોગોમાં આ બેઠક જાળવવા માટે પ્રતિબદ્ધ હતી. આમ બન્ને પક્ષની નેતાગીરીએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો.
કોઇ પણ સંજોગોમાં ત્રીજી બેઠક જીતવા માટેની આ રાજકીય ખેંચતાણ વચ્ચે મંગળવારે મતગણતરી સમયે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ક્રોસ વોટિંગના મુદ્દે કાનૂની જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસની માગણી માન્ય રાખતા તેના બે ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતોને ગેરલાયક ઠરાવ્યા છે. ભાજપને ત્રીજી બેઠક જીતવામાં આ રદ થયેલા મતોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનું કહી શકાય.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અસંતુષ્ટ નેતા શંકરસિંહ વાઘેલાના વેવાઇ છે.

૧૦૦ ટકા મતદાન, પણ ક્રોસ વોટિંગનું શું?

ગુજરાતની ત્રણ રાજ્યસભા બેઠકો માટે બે વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. જેમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ગૃહમાં ૫૧ સભ્યો ધરાવતી કોંગ્રેસમાંથી છ ધારાસભ્યોએ ગયા સપ્તાહે જ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે ૪૪માંથી માત્ર એક ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું છે. બેંગલૂરુ ગયેલા ૪૩ ધારાસભ્યોમાંથી એક એવા સાણંદના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, એરપોર્ટથી આવ્યા ત્યારે કરમશી અમારી બસમાં હતા, જ્યારે આજે મતદાન કરવા ગાંધીનગર પહોંચ્યા ત્યારે કરમશી અમારી સાથે બસમાં નહોતાં.
કોંગ્રેસના જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે તેમાં શંકરસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કરમશી પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, સી. કે. રાઉલ, અને અમિત ચૌધરીનો સમાવેશ થાય છે. રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે તો ક્રોસવોટિંગ કર્યાનું સ્વીકાર્યું છે, પરંતુ તેમણે પોતાના મતપત્રકો પોલીંગ એજન્ટ સિવાયની વ્યક્તિને દર્શાવ્યા હોવાથી તેમના મત રદ થયા છે.

એનસીપીનું ભાજપની તરફેણમાં વોટિંગ

ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત રાજ્યના ૧૭૬ ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. આણંદના નિજાનંદ રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસની ધારાસભ્યો બસ મારફતે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મતદાન બાદ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, મેં મારો મત અહેમદ પટેલને નથી આપ્યો. જ્યારે જનતા દળ (યુ)ના ધારાસભ્ય છોટુ વસાવાએ દેશના ભલા માટે વોટ આપ્યો હોવાનું જણાવ્યું હતું, તો અમિત શાહે છોટુ વસાવાનું અભિવાદન કર્યું હતું. એનસીપીના બે ધારાસભ્યોમાંથી કાંધલ જાડેજાએ ભાજપને અને જયંત બોસ્કીએ કોંગ્રેસને વોટ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે નલિન કોટડિયાએ ફેસબુક પર પોસ્ટ કરી ભાજપ વિરોધી મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

મધરાતે હાઇ વોલ્ટે જ ડ્રામા

ગુજરાતની ત્રણ રાજ્યસભા બેઠકો માટે છેલ્લા કેટલાક દિવસોથી ભજવાઇ રહેલા હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામામાં મંગળવારે નાટ્યાત્મક પલ્ટો આવ્યો હતો. મંગળવારે બપોર સુધી દેશવાસીઓની નજર ગાંધીનગરમાં ચાલી રહેલા મતદાન પર હતી. ક્યા પક્ષની તરફેણમાં અને વિરોધમાં ક્રોસવોટિંગ થાય છે તે જાણવા લોકો તત્પર હતા, પરંતુ બે ધારાસભ્યોના એક કહેવાતા ‘સાંકેતિક ઇશારા’એ એવી કાનૂની ગૂંચ સર્જી કે સમગ્ર મામલો દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ (સીઇસી) સમક્ષ જઇ પહોંચ્યો હતો.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર, ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભારે ઉત્તેજનાસભર માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાનનો સમય સાંજના પાંચ વાગ્યા સુધીનો હોવાથી સાતેક વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઇ જશે તેવી સહુ કોઇને આશા હતી. આ દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે ક્રોસવોટિંગ કરનાર તેના બે વિધાનસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે તેના મતપત્રકો ભાજપના નેતાને દેખાડ્યા હોવાનો તેમના મત રદ કરવા જોઇએ. કોંગ્રેસની દલીલ હતી કે વિધાનસભ્ય તેના મતપત્રકો સત્તાવાર પોલીંગ એજન્ટ સિવાય અન્ય કોઇને દર્શાવી શકે નહીં. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું કહેવું હતું કે કોઇ પણ સંજોગોમાં આ મત માન્ય રાખવા જોઇએ નહીં. તેને રદ જ કરવા જોઇએ. આખો મામલો વીડિયોમાં રેકોર્ડ થયેલો છે. અમે ચૂંટણી પંચને આ મત રદ કરવા વિનંતી કરી છે.
કોંગ્રેસની આ રજૂઆત અંગે જાણ થતાં જ ભાજપનું હાઇકમાન્ડ દોડતું થઇ ગયું હતું. કાનૂની બાબતોના જાણકાર અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પંચને જઇને મળ્યા હતા અને કોંગ્રેસની માગણીને ગેરવાજબી ગણાવી તેને ફગાવી દેવા અનુરોધ કર્યો હતો.
બન્ને પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં મોડી રાત થઇ જવા છતાં ચૂંટણી કમિશનરોએ તેના કાનૂની પાસાંઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બન્ને પક્ષકારોની રજૂઆતોની કાનૂની એરણ પર ચકાસી હતી. આ દરમિયાન બન્ને પક્ષના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ ફરી ચૂંટણી કમિશનરોને મળ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળો આ પ્રકારે કુલ ત્રણ વખત ચૂંટણી પંચને મળીને રજૂઆત કરી હતી.
રજૂઆતોના આ દૌર દરમિયાન મધરાત થઇ ગઇ હતી. લગભગ સાત કલાકની મથામણ બાદ છેવટે પંચે બન્ને વિધાનસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતને રદબાતલ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર સમય દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ટોચના કેન્દ્રીય નેતાઓ દિલ્હીમાં ચૂંટણી પંચના વડા મથકે બેસી રહ્યા હતા. તો બીજી તરફ ભાજપના અધ્યક્ષ અને આ ચૂંટણીમાં ઉમેદવાર એવા અમિત શાહ ઉપરાંત બન્ને પક્ષના પ્રદેશ પ્રમુખો સહિતના નેતાઓ સ્વર્ણિમ સંકુલમાં બેસી રહ્યા હતા.

ભર્યા નાળિયેર જેવી સ્થિતિ

રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું, તો કોંગ્રેસે છ ધારાસભ્યોના રાજીનામા પડયા બાદ ડેમેજ કંટ્રોલની સાથે પ્રતિષ્ઠા જાળવવા મરણિયા પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાએ ગત મહિને વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધા બાદ રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો. આ પછી છ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. તો બીજી તરફ ધારાસભ્યોનું સંખ્યાબળ તૂટતું બચાવવા કોંગ્રેસે ૧૦ દિવસ સુધી તેના ધારાસભ્યોને પહેલા બેંગ્લૂરુના અને પછી આણંદના નિજાનંદ રિસોર્ટમાં કેદ કરી રાખ્યા હતા.
શંકરસિંહ સહિત ૭ કોંગ્રેસી ધારાસભ્યો બેંગ્લૂરુ ગયા નહોતા. આ ધારાસભ્યોને પાર્ટીનો વ્હિપ મળ્યો હોવાથી તેઓ ઈચ્છે તો પણ ભાજપને મત આપી શકે તેમ નહોતા. જોકે આ ધારાસભ્યો NOTAને વોટ આપી ખેલ પણ બગાડી શકે અને ડિસ્ક્વોલીફિકેશનથી બચી પણ શકે છે. છેલ્લી ઘડી સુધી ભાજપ, કોંગ્રેસ અને એનસીપીમાં આ ચૂંટણીના મામલે ગંભીર ચહલપહલ રહી હતી. ભાજપ કોંગ્રેસ બંનેએ છેલ્લી ઘડી સુધી પોતપોતાના ધારાસભ્યોને તેમના એક પણ મત રદ ન થાય તે નિશ્ચિત કરવા મતદાન કેવી રીતે કરવું તેના રિહર્સલ કરાવ્યા હતા.

કોંગ્રેસની જીત નક્કીઃ અહેમદ પટેલ

કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે આક્ષેપો કર્યો છે કે મારી અને મારા ધારાસભ્યો પર ગુજરાત સરકાર અને એજન્સીઓ દ્વારા જાસૂસી કરાઇ છે, પીછો કરાઇ રહ્યો છે. ધારાસભ્યોના પરિવારજનોને ધમકાવવામાં આવે છે. આ સંજોગોમાં ધારાસભ્યોને બીજા રાજ્યમાં લઈ જવા સિવાય કોઈ છૂટકો નહોતો. તેમણે જણાવ્યું કે, રાજ્યસભામાં ચૂંટણીમાં અમારી પાસે ૧૬ કરતાં વધુ મતો હતા. તેમાં છતાં ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો રાખ્યો જે બતાવે છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરવા ધારે છે. કોંગી ધારાસભ્યો અડીખમ રહ્યા છે તેમને હું તેમને સેલ્યુટ કરું છું. ક્રોસ વોટિંગની શક્યતાને નકારતા પટેલે કહ્યું કે, રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષની જીત નક્કી જ છે.

ભાજપમાંથી ક્રોસવોટિંગ થશે: ભરતસિંહ

આણંદના નિજાનંદ રિસોર્ટમાં ધારાસભ્યોની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘અમારા ૪૪ ધારાસભ્યો અકબંધ છે અને ક્રોસ વોટિંગ થવાનો ભય ભાજપને ઉભો થયો છે. અહેમદ પટેલને સૌથી વધારે મત મળશે અને સ્મૃતિબહેન ઇરાનીની હાર થાય તો નવાઇ નહીં. જે પ્રકારે કાવાદાવા અને તોડફોડની તેમજ ધાકધમકીની રાજનીતિ ભાજપે અપનાવી છે અને અધિકારીઓ દ્વારા પણ દબાણ લાવીને ધારાસભ્યોને તોડવાના પ્રયાસો કર્યા. જેના કારણે અમારા ધારાસભ્યોએ જ ભેગા થવાનું નક્કી કર્યું. એટલે કોઇને બળજબરીથી રાખેલા નથી. તમારા ધારાસભ્યો અકબંધ છે કે કેમ તે અંગેના પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે, ‘કોઇ ધારાસભ્ય હવે ફસકવાના નથી, જે ફસકવાના હતા તે ફસકી ગયા છે.’

 જો અને તો વચ્ચે વાતઃ ભાજપ પાસે ૧૨૪ સભ્યો, કોંગ્રેસનો ૪૫ સભ્યોનો દાવો

૧૮૨ સભ્યોના વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ ૧૭૬ સભ્યો બાકી રહે છે. આ ૧૭૬ ધારાસભ્યોને ૪ ઉમેદવારો વડે ભાગીને તેમાં ૧ ઉમેરતાં (જરૂરી વોટ માટેની ગણતરી મુજબ) ૪૫ આવે એટલે કે એક ઉમેદવારને જીતવા માટે ૪૫ ધારાસભ્યોના વોટ જોઈએ. વિધાનસભામાં ભાજપના ૧૨૦ ધારાસભ્યો છે. જીપીપીના એક, અપક્ષ એક, એનસીપીના ૨ ધારાસભ્યો મળીને ભાજપને કુલ ૧૨૪ ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપના બે ઉમેદવારને ૯૦ વોટ મળ્યા બાદ વધેલા ૩૪ વોટ ભાજપના ત્રીજા ઉમેદવારને મળી જશે. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા ગ્રૂપના - મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, સી. કે. રાઉલજી, ધમેન્દ્રસિંહ જાડેજા, ભોળાભાઈ ગોહિલ ભાજપના ત્રીજા ઉમેદવારને વોટ કરશે એટલે તેમના વોટ ૪૧ થશે. હવે, તેમને જીતવા માટેના જરૂરી ૪૫ વોટ મેળવવામાં ૪ વોટ ખૂટશે તે કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ દ્વારા મેળવાશે, એવી ભાજપની રણનીતિ છે. કોંગ્રેસ પાસે ૪૪ ધારાસભ્યો છે અને જનતા દળ (યુ)ના છોટુભાઈ વસાવાએ કોંગ્રેસને વોટ આપ્યો હશે તો કોંગ્રેસના ઉમેદવાર જીતી જશે, પણ-જો ભાજપની રણનીતિ પ્રમાણે કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થયું હશે તો ભાજપના ત્રીજા ઉમેદવારને વોટ મળશે અને તેના ત્રીજા ઉમેદવાર ચૂંટણી જીતી જશે.

નિજાનંદ રિસોર્ટનું લંડન કનેક્શન

રાજ્યસભા ચૂંટણી પૂર્વે બેંગ્લુરુના ઇગલટન રિસોર્ટમાં મોકલી દેવાયેલા કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને સોમવારે - રક્ષાબંધનની વહેલી સવારે આણંદના નિજાનંદ રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હતા. બેંગલૂરુથી વિમાનમાર્ગે અમદાવાદ પહોંચેલા તમામ ધારાસભ્યો બાયરોડ નિજાનંદ રિસોર્ટમાં પહોંચાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો નિજાનંદ રિસોર્ટમાં પહોંચતા જ આધુનિક સાધનસુવિધાથી સજ્જ આ રિસોર્ટ ભારતભરમાં ચમકી ગયું હતું. મધ્ય ગુજરાતના હાર્દ સમાન આણંદ-બોરસદ રોડ પર આવેલું આ રિસોર્ટ છેલ્લા દસ વર્ષમાં એનઆરઆઇ પ્રવાસીઓમાં ખાસ્સું જાણીતું બન્યું છે. આરામદાયક સગવડ ધરાવતા આ રિસોર્ટના સૂત્રધાર લંડનમાં વસતાં યોગેન્દ્ર પટેલ છે.
રાજકીય પક્ષાપક્ષીથી હંમેશા અંતર જાળવતા યોગેન્દ્રભાઇ ગુજરાત સહિત ભારતભરમાં અનેક સ્થળે મૂડીરોકાણ ધરાવે છે. તેમાં આ રિસોર્ટનો પણ સમાવેશ થાય છે. બેંગ્લૂરુમાં વેકેશન માણીને આણંદ પહોંચેલા કોંગ્રેસી ધારાસભ્યોએ રક્ષાબંધન પર્વે સ્વજનો સાથે નિજાનંદ માણ્યો હતો.

પક્ષપલટુઓ બન્યા દેશી જેમ્સ બોન્ડઃ ધારાસભ્યના સંપર્ક, રણનીતિ જાણવા મદદ લેવાઈ

રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતવા ભાજપે તમામ રાજકીય તાકાત કામે લગાડી દીધી છે જયારે કોંગ્રેસે પોતાની એક જ બેઠકને અકબંધ રાખવા મરણિયો પ્રયાસ હાથ ધર્યો છે. આ કારણોસર ભાજપ અને કોંગ્રેસે પક્ષપલ્ટુઓનો સહારો લીધો હતો. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પાટલીબદલુઓની આજકાલ ડિમાન્ડ બોલાઇ હતી કેમ કે, જે મૂળપક્ષમાંથી આવ્યાં હોય ત્યાં રાજકીય સંપર્કના જોરે માહિતી-જાણકારી મેળવવા ભાજપ અને કોંગ્રેસીઓએ વચેટિયાની ભૂમિકા અદા કરવા પક્ષબદલુઓને કામે લગાડયાં હતાં. ભાજપમાં તો ઘણાં જ કોંગ્રેસીઓ છે કે જેઓ પાટલીબદલુઓ છે. તેમના થકી ભાજપે કોંગ્રેસી ધારાસભ્યોની હિલચાલ જાણવા અને સંપર્ક કરવા ખૂબ જ પ્રયાસો હાથ ધર્યાં હતાં.

રાજ્યસભાની ચૂંટણીમાં વફાદારીનું ઈનામ, ધારાસભ્યોની ટિકિટ, ચૂંટણીખર્ચ અપાશે

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોના બે હાથમાં લાડુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ, ભાજપ કરોડો રૂપિયા, હોદ્દો, વિધાનસભાની ટિકીટ આપવા ઈચ્છુક છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ ધારાસભ્યોને પક્ષ પ્રત્યેની વફાદારી દાખવવા બદલ ઈનામ આપવાની તૈયારી દર્શાવી હતી. એક અહેવાલ અનુસાર, કોંગ્રેસના ધારાસભ્યોએ પણ તકનો લાભ ઊઠાવીને રાજકીય સોદો કરી લીધો છે. તમામ ધારાસભ્યોને હાઈકમાન્ડે ટિકીટ આપવાનું ફાઈનલ કરી દીધું છે.
આ ઉપરાંત વધારામાં ધારાસભ્યોને ચૂંટણીનો ખર્ચ આપવાની પણ તૈયારી દર્શાવી છે. ઘણાંને વ્યક્તિગત પ્રશ્ન હોય તો તેમાંય મદદરૂપ થવાની ખાતરી આપવામાં આવી છે. આમ બેંગલૂરુમાં રિસોર્ટમાં રોકાણ દરમિયાન, ધારાસભ્યોની તમામ માગણીઓ સ્વીકારી લેવાઈ છે. અત્યારે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી છે ત્યારે કોંગ્રેસ ક્રોસવોટિંગ ન થાય તે માટે ખાસ કાળજી રાખી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્યોને અત્યારે તો પક્ષના ઈમાનદાર કાર્યકર તરીકેનું બિરુદ મળી ચૂક્યું છે. હવે પક્ષમાં પણ મોભો વધશે. જો અહેમદ પટેલ જીતી જાય તો આ તમામ કોંગ્રેસી ધારાસભ્યોને દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા લઈ જવા પણ નક્કી કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter