પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવાર મેદાનમાં

Tuesday 16th April 2024 15:45 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે તે સાથે જ મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવારે લોકસભાની 102 બેઠકો માટે મતદાન શરૂ થશે. સાથે સાથે જ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના મતદારો વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે.
પ્રથમ તબક્કામાં કુલ 21 રાજ્યોમાં મતદાન થવાનું છે, જેમાંથી તમિલનાડુની તમામ 39 બેઠકો માટે મતદાન થશે તો બીજા ક્રમે રાજસ્થાનની 12 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત અરુણાચલની 2, આસામાની 5, બિહારની 4, છત્તીસગઢની 1, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્રની 5, મણિપુરની 2, મેઘાલયની 2, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, રાજસ્થાનની 12, સિક્કિમની 1, ત્રિપુરાની 1, ઉત્તર પ્રદેશની 8, ઉત્તરાખંડની 5, પશ્ચિમ બંગાળની 3, આંદામાન-નિકોબારની 1, જમ્મુ-કાશ્મીરની 1, લક્ષદ્વીપની 1 અને પોંડીચેરીની 1 બેઠક માટે મતદાન થશે.
તામિલનાડુમાં ભાજપ 12 બેઠક પરથી લડે છે
તમિલનાડુ રાજકીય સુનામીની રાહ જોઈ રહ્યું છે. રાજ્યના રાજકારણમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે ત્યારથી સુષુપ્ત પડેલી રાષ્ટ્રીય રાજનીતિ જાણે આ વખતે સક્રિય થઈ છે. પ્રાદેશિક દ્રવિડિયન રાજકીય પક્ષ એઆઇએડીએમકેનો એક ટુકડો રાષ્ટ્રીય પક્ષ ભાજપ સાથે હતો, પછી અલગ થઈ ગયો અને નવી દિશામાં આગળ વધી રહ્યો છે. અત્યારે અહીં પ્રાદેશિક રાજકારણનું વર્ચસ્વ છે. ડીએમકેનો કિલ્લો મજબૂત છે અને પવન તેમના પક્ષમાં છે. વડાપ્રધાન, નાણામંત્રી અને ગૃહમંત્રીના ઝંઝાવાતી પ્રવાસોને કારણે ભાજપે તેનું સ્થાન નિશ્ચિતપણે મજબૂત કર્યું છે.
કોઈમ્બતુર, ચિદમ્બરમ, વેલ્લોર, ચેન્નાઈ સેન્ટ્રલ જેવી 12 બેઠકો એવી છે કે, જ્યાં ભાજપ ટક્કર આપી શકે છે. તેમને સ્થાનિક સાથી પક્ષો, પીએમકે, તમિલનાડુ કોંગ્રેસ (ટીએમસી) અને ટીટીકે દિનાકરન દ્વારા ટેકો મળે છે. ડીએમકેના વિરોધીઓ પણ જોરદાર લડતની વાત કરે છે.
28 ટકા કરોડપતિ
પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી 16 ટકા ઉમેદવાર વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જ્યારે 28 ટકા ઉમેદવાર કરોડપતિ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. એડીઆરે 1625માંથી 1618 ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ જાહેર કર્યો છે.
16 ટકા ઉમેદવારો સામે ગુનાહિત કેસ
રિપોર્ટ અનુસાર 102માંથી 42 સીટ પર ત્રણથી વધુ ઉમદેવારો પર ગુનાહિત કેસ નોંધાયેલ છે. ADRના રિપોર્ટ અનુસાર પહેલા તબક્કામાં 28% એટલે કે 450 ઉમેદવાર કરોડપતિ છે. એટલે કે તેઓની પાસે 1 કરોડ અથવા તેનાથી વધુ સંપત્તિ છે. ઉમેદવારોની પાસે સરેરાશ રૂ. 4.51 કરોડની સંપત્તિ છે.
એડીઆર અનુસાર 1,618માંથી 16 ટકા એટલે કે 252 ઉમેદવાર એવા છે. જેની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ છે. તેમાંથી 10 ટકા એટલે કે 161 એવા છે, જેમની પર ગંભીર કેસ નોંધાયેલા છે. ગંભીર કેસમાં હત્યા, અપહરણ જેવા ગુનાઓ સામેલ છે. સાત ઉમેદવારો પર હત્યા અને 19 પર હત્યાના પ્રયાસોના કેસ નોંધાયેલા છે. 18 ઉમેદવાર એવા છે જેમની પર મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ છે. તેમાંથી એક ઉમેદવાર પર દુષ્કર્મનો કેસ પણ નોંધાયેલ છે. રિપોર્ટ અનુસાર 35 ઉમેદવારો પર ભડકાઉ ભાષણના પણ આરોપ છે.
કયા પક્ષમાં કેટલા કલંકિત?
પ્રથમ તબક્કામાં લાલુ પ્રસાદ યાદવની આરજેડીના 4 ઉમેદવાર મેદાનમાં છે જેમની પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ડીએમકેએ 13, સમાજવાદી પાર્ટીએ 3, ટીએમસીએ 2, ભાજપે 28 અને કોંગ્રેસે એવા 19 ઉમેદવારો ઉતાર્યા છે, જેમની પર ક્રિમિનલ કેસ નોંધાયેલ છે. જ્યારે આરજેડીના 2, ડીએમકેના 6, સમાજવાદી પાર્ટીના 2, ભાજપના 14, અન્નાદ્રુમકના 6, બીએસપીના 8 ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter