બંગાળની રાજકીય ભૂગોળ બદલાઇઃ હવે ભાજપનું વર્ચસ

Wednesday 06th May 2026 06:13 EDT
 
 

કોલકતાઃ પશ્ચિમ બંગાળની પ્રજાએ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ‘બંગાળી અસ્મિતાનું જતન’ કરવાના વચનની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવર્તન અને વિકાસના વચનને પસંદ કર્યું છે. કમળના કેસરિયા તોફાનમાં તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. હકીકત તો એ છે કે ચૂંટણી પરિણામોએ બંગાળની રાજકીય ભૂગોળને મૂળભૂત રીતે બદલી નાખી છે.
પાંચ વર્ષ પૂર્વે, 2021માં ભાજપની 77 બેઠક મોટાભાગે ઉત્તર બંગાળ, જંગલમહલ પ્રદેશ અને મતુઆ પટ્ટા સુધી મર્યાદિત હતી. જોકે આ વખતે, ભગવા લહેર દક્ષિણ બંગાળ અને પ્રેસિડેન્સી વિભાગ જેવા પરંપરાગત ટીએમસી ગઢમાં પણ ફેલાઈ ગઈ છે. ભાજપ ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારોમાં પણ આગળ આવ્યું. આવી 135 બેઠકોમાંથી લગભગ 80 ભાજપે કબજે કરી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ નવા મતદારોને આકર્ષવામાં સફળ રહ્યું. પાછલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો મતહિસ્સો 48.5 ટકા હતો, જે આ વખતે 40.80 ટકા થઈ ગયો. તેમજ ભાજપ 38.4 ટકાથી વધીને 45.62 ટકા મત પર પહોંચી ગયું, જેની પાછળ હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ મુખ્ય કારણ છે. બેરોજગારી, સ્થળાંતર, ઔદ્યોગિક સ્થિરતા, પંચાયત સ્તરે મજબૂત રણનીતિ અને સ્થાનિક ટીએમસી કાર્યકરો સામે રોષ જેવા સામે રોષ જેવા મુદ્દાએ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમી ઔદ્યોગિક પટ્ટાના આસનસોલ, દુર્ગાપુર અને બેરકપોર જેવા વિસ્તારોમાં ભાજપે બંધ પડી ગયેલી મિલો અને રોજગાર સર્જનથી લઈને લોજિસ્ટિક્સ હબ અને સિન્ડિકેટ રાજના ભય સુધીના મુદ્દાઓ પર પ્રચાર કર્યો. અલબત્ત, આમ છતાં તૃણમૂલ કોંગ્રેસે મુર્શિદાબાદ, માલદા, મધ્ય બંગાળના કેટલાક ભાગોમાં દબદબો જાળવી રાખ્યો છે.
તૃણમૂલ કાર્યકરો સામે આક્રોશ
હારનું સૌથી મોટું કારણ તૃણમૂલ પોતે જ છે. મમતાની લોકપ્રિયતા કાર્યકરો પ્રત્યેના ગુસ્સાને ઢાંકી શકી નહીં. તૃણમૂલ કાર્યકરો રાજકીય વફાદારીના આધાર પર નક્કી કરતા હતા કે કલ્યાણ યોજનાઓનો લાભ કોને મળશે. શિક્ષક ભરતી કૌભાંડમાં 25 હજાર લોકોની નોકરી જવાથી ખરાબ અસર પડી. આરજી કર અને સંદેશખલી જેવી ઘટનાઓએ જનતામાં ગુસ્સો વધાર્યો હતો.
ભાજપનું પ્રતિબદ્ધ નેતૃત્વ
2021માં તૃણમૂલની તુલનામાં ભાજપનું સંગઠન બૂથ સ્તરે નબળું હતું. ભાજપે તેને સુધાર્યું. અમિત શાહ ઉપરાંત સુનીલ બંસલ અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે રણનીતિક રીતે તેને મજબૂત બનાવ્યું. પોલિંગ એજન્ટ પસંદ કરવા માટે મૌખિક અને લેખિત પરીક્ષા પણ લેવામાં આવી. છ મહિનાથી પાર્ટીનું ધ્યાન નિર્ધારિત લક્ષ્યો સાથે જમીનસ્તરના નેટવર્ક પર રહ્યું. આ માટે પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ડરના માહોલને દૂર કર્યો અને મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter