બંગાળમાં મમતા ‘દીદી’, આસામમાં ભાજપ વિનમાં

પાંચ રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલનું તારણ

Wednesday 18th May 2016 05:56 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યો આસામ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો ભાજપ માટે હરખના સમાચાર લઇને આવ્યા છે. પૂર્વોત્તર ભારતમાં પહેલી વાર ભાજપનું કમળ ખીલવાના એંધાણ છે. તામિલનાડુમાં જયલલિતાના વળતા પાણી જણાય છે. કેરળમાં ઓમન ચાંડીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની સરકારને શરાબબંધી અને ભ્રષ્ટાચાર નડી જશે તેમ જણાય છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને પછાડવાના એકમાત્ર ઉદ્દેશથી રચાયેલી કોંગ્રેસ-ડાબેરી યુતિને પછડાટ મળવાના સંકેત છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં વિવિધ તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ગુરુવારે હાથ ધરાવાની છે અને તમામ પરિણામો સાંજ સુધીમાં જાહેર થઇ જવા સંભાવના છે.
એક્ઝિટ પોલના તારણો દર્શાવે છે કે આસામ, તામિલનાડુ અને કેરળના મતદારોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસનું શાસન જળવાઇ રહેશે.

પૂર્વોતર ભારતમાં ભાજપના પગરણ

કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીમાં સોમવારે અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતાં જ વિવિધ સર્વે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા હતા. જેના આંકડાઓ દર્શાવે છે કે ભાજપ પહેલી વાર પૂર્વોતર ભારતમાં - આસામમાં સત્તા હાંસલ કરશે. જ્યારે કોંગ્રેસ આસામ અને કેરળ ગુમાવશે. જો પરિણામ સાચા પડ્યા તો લોકસભામાં જ્વલંત વિજય બાદ બિહાર અને દિલ્હીમાં હારનો સામનો કરનાર ભાજપ માટે આસામમાં પ્રવેશ ઐતિહાસિક ગણાશે.

‘દીદી’ સત્તા જાળવશે, પણ ‘અમ્મા’ ગુમાવશે

પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ મમતા બેનરજી ફરી એક વાર ‘દાદા’ પુરવાર થઇ રહ્યાં છે. તેઓ સ્પષ્ટ બહુમતી સાથે ફરી સત્તા પર પુનરાગમન કરશે. જ્યારે તામિલનાડુમાં ‘અમ્મા’ જયલલિતાના હાથમાંથી સત્તાની દોર સરકતી હોવાનું જણાય છે. રાજ્યમાં વિરોધ પક્ષ કરુણાનિધિના નેતૃત્વ હેઠળના ડીએમકેને જીત મળે તેવી સંભાવના છે. તામિલનાડુમાં એક્ઝિટ પોલના તારણો મિશ્ર છે.
એક્ઝિટ પોલના તારણો બે વર્તમાન મુખ્ય પ્રધાનો મમતા બેનરજી અને જયલલિતાનું મિશ્ર ભવિષ્ય ભાંખે છે. તમામ એક્ઝિટ પોલે મમતા બેનરજીના વિજયની આગાહી કરી છે, પણ તામિલનાડુમાં ડીએમકે-કોંગ્રેસ જોડાણ સામે જયલલિતાના પક્ષ એઆઇએડીએમકેની રસાકસી જોવા મળે છે.
કેરળમાં ડાબેરીઓની આગેવાની હેઠળની એલડીએફ (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ)ની વર્તમાન સરકાર સામે વિનમાં જણાય છે.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે વ્યૂહાત્મક જોડાણનો ડાબેરીઓનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થતો જણાય છે.

જો આ એક્ઝિટ પરિણામો સાચા પડ્યા તો કેન્દ્રમાં બે વર્ષ પૂરા કરવા જઇ રહેલા ભાજપનું નૈતિક મનોબળ વધુ મજબૂત બનશે. નોંધનીય છે કે દિલ્હી અને બિહારમાં ગયા વર્ષે કારમો પરાજય સહન કર્યા પછી ભાજપ બીજા રાજ્યોમાં વિજય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
આસામમાં કોંગ્રેસના તરુણ ગોગોઇને હરાવીને મેળવેલી સત્તા નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેલડી માટે પ્રાણદાયક પુરવાર થશે કારણ કે જ્યાં ચૂંટણી યોજાઇ તે રાજ્યોમાં ભાજપ માટે જ્વલંત વિજયની તક બહુ ઓછી હતી.
ઇંડિયા ટુડે-એક્સિસ-માય ઇંડિયા પોલ્સ આસામની ૧૨૬ બેઠકોની વિધાનસભામાં ભાજપના કેસરિયા ગઠબંધનને ૭૯થી ૯૩ બેઠકો આપે છે. જ્યારે કોંગ્રેસને ૨૬થી ૩૩ બેઠકો આપે છે. તારણ અનુસાર આસામમાં બદરુદ્દીન અજમલના નેતૃત્વ હેઠળના એઆઇયુડીએફ મોરચાને ૬થી ૧૦ બેઠકો મળશે. જ્યારે અન્યો ૧થી ૪ બેઠકો મેળવશે. એબીપી આનંદા પોલ અહીં ભાજપને ૮૧, કોંગ્રેસ-એઆઇયુડીએફને ૧૦ તથા અન્યોને પાંત બેઠકો આપે છે. જ્યારે ટુડેઝ ચાણક્ય તો ભાજપને ૯૦ જેટલી બેઠકો મળવાની આગાહી કરે છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ શાસન જાળવશે એમ એક્ઝિટ પોલનું તારણ છે. એબીપી આનંદાના મતે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ ૧૭૮ બેઠકો મેળવશે. તો ડાબેરી-કોંગ્રેસ યુતિને ૧૧૦ બેઠકો મળશે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક મળશે તેવો અંદાજ રજૂ થયો છે. ઇંડિયા ટુડે-એક્સિસે તો બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને ૨૩૩થી ૨૫૩ જેટલી જંગી સંખ્યામાં બેઠકો મળવાની આગાહી રજૂ કરે છે.

કોંગ્રેસ માટે એક આશ્વાસન

ભારતના સદીપુરાણા પક્ષ તરીકે ઓળખ ધરાવતી કોંગ્રેસ માટે આશ્વાસન લેવા જેવી એકમાત્ર વિધાનસભા પોંડિચેરીની છે. માત્ર ૩૦ બેઠકોનું વિધાનસભા ગૃહ ધરાવતા આ નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસ ડીએમકેના ગઠબંધન સાથે સત્તા મેળવશે એમ એક્ઝિટ પોલના તારણો સંકેત આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter