બનારસ-હલ્દિયાને જોડતા ભારતના પહેલા રાષ્ટ્રીય જળમાર્ગનો પ્રારંભ

Wednesday 14th November 2018 05:34 EST
 
 

વારાણસીઃ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી આડે થોડાક મહિના બાકી રહ્યા છે તે પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વિકાસકાર્યોને બમણા વેગથી આગળ ધપાવ્યા છે. મોદીએ કુલ રૂ. ૨૪૧૩ કરોડની યોજનાઓની દિવાળી ભેટ વારાણસીને આપી છે. આ પ્રસંગે તેમણે વિપક્ષો પર ટીકાની ઝડી વરસાવતા કહ્યું હતું કે અગાઉની કોઈ સરકારોએ આ પ્રકારના વિકાસલક્ષી પગલાં ક્યારેય લીધા નથી.
વડા પ્રધાન સોમવારે ૧૫મી વખત તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે બનારસ-હલ્દિયા નેશનલ વોટર-વે એક પર બનેલા દેશના પહેલા ઇનલેન્ડ મલ્ટિ મોડેલ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. વડા પ્રધાને હલ્દિયાથી બનારસ પહોંચેલા માલવાહક જહાજ ‘રવિન્દ્રનાથ ટાગોર’થી કન્ટેનર અનલોડિંગનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે બનારસથી હલ્દિયા વચ્ચે દેશનો પહેલો નેશનલ વોટર-વે શરૂ થયો. હવે ૧૬૨૦ કિલોમીટર લાંબા આ જળમાર્ગ પર માલવાહક જહાજ ચાલશે.
વારાણસીને શ્રેણીબદ્ધ યોજનાઓની દિવાળી ભેટ આપવા પહોંચેલા વડા પ્રધાને સોમવારે વાજિદપુર ગામમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે વારાણસીમાં જે ટર્મિનલની શરૂઆત થઈ છે, તેનાથી ગંગાનો આ પારંપરિક માર્ગ આધુનિક સુવિધા સાથે ‘નેચર, કલ્ચર અને એડવેન્ચર'નું કેન્દ્ર બનશે.
મોદીએ રેલી સંબોધિત કરતા કહ્યું કે કાશીવાસી સાક્ષી છે કે ચાર વર્ષ પહેલાં મેં બનારસ અને હલ્દિયાને જળમાર્ગથી જોડવાનો વિચાર રજૂ કર્યો હતો, તો કેવી રીતે તેની મજાક ઉડાવાઈ હતી. આજે કોલકાતાથી આવેલા જહાજે ટીકાકારોને જવાબ આપી દીધો છે. આ પવિત્ર ભૂમિથી દરેકને આધ્યાત્મિક સંપર્ક તો છે જ, આજે અહીં જળ – સ્થળ – નભ ત્રણેયને જોડતી નવી ઊર્જાનો સંચાર થયો છે.
રેલીમાં યુવાનો ઉત્સારહભેર મોદી-મોદીનાં ગગનભેદી સૂત્રો પોકારી રહ્યા હતા. પહેલા તો મોદીએ તેમને શાંત રહેવા અનુરોધ કર્યો હતો. આમ છતાં તેઓ ન માન્યા તો મોદીએ હસતાં હસતાં કહ્યું હતું કે તમે આ ઊર્જા બચાવી રાખો, ૨૦૧૯માં તેની જરૂર પડશે.

જળપરિવહન નવો વિકલ્પ

મોદીએ કહ્યું હતું કે મલ્ટિ મોડેલ ટર્મિનલથી રો-રો સર્વિસ શરૂ થવાથી લોકોને લાંબું અતર કાપવામાં નવો વિકલ્પ મળ્યો છે. જેટલો સામાન આ પહેલા જહાજથી બનારસ આવ્યો છે તે જમીન માર્ગે લાવવામાં આવ્યો હોત તો આશરે ૧૬ ટ્રકની જરૂર પડી હોત.
ઉલ્લેખનીય છે કે આ જળમાર્ગના કારણે પ્રતિ કન્ટેનર અંદાજે સાડા
ચાર હજાર રૂપિયાની બચત થઈ છે. મતલબ કે ૭૦થી ૭૫ હજાર રૂપિયા બચી ગયા છે. જળમાર્ગથી રૂપિયાની સાથે સાથે સમય અને ઈંધણની પણ બચત થશે.

કુલ ૨૦ ટર્મિનલ બનશે

બનારસ-હલ્દિયા વોટર-વે પર કુલ ૨૦ નાના-મોટા ટર્મિનલ બનશે, તેમાંથી ૪ ટર્મિનલ સાહિબગંજ, ગાઝીપુર અને હલ્દિયામાં બનીને લગભગ તૈયાર છે. આ જળમાર્ગ પર ૧૫૦૦થી ૨૦૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળાં જહાજો ચલાવવા માટે કેપિટલ ટ્રેડિંગ મારફત ૪૫ મીટર પહોળી ગંગા ચેનલ તૈયાર કરાઈ છે.

દેશમાં ૧૦૦થી વધુ વોટર-વે

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશમાં ૧૦૦થી વધુ નેશનલ વોટર-વે પર કામ ચાલી રહ્યું છે. બનારસ-હલ્દિયા જળમાર્ગ તેમાંથી એક છે. તેને ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવાઈ રહ્યો છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી પૂર્વીય ભારતના મોટા ભાગને મોટો ફાયદો થવાનો છે. તે જળમાર્ગ માત્ર સામાનના વહન માટે કામ નહીં આવે. દેશના પ્રવાસન મથકો અને તીર્થોને પૂર્વીય એશિયન દેશોને જોડવાનું કામ પણ કરશે.

૧૭ પ્રોજેક્ટનું લોકાર્પણ

મોદીએ ટર્મિનલની સાથે બનારસમાં ૨૪૧૩ કરોડ રૂપિયાની કુલ ૧૭ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે.
આમાં બાબતપુર અને બનારસને જોડતા ફોરલેન હાઇવે, રિંગરોડ, ક્લીન ગંગા પ્રોજેક્ટ, સીવરેજ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter