બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી સહિત તમામ ૩૨ આરોપી નિર્દોષ જાહેર

Thursday 08th October 2020 16:02 EDT
 
 

લખનઉઃ અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય આરોપીઓ પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન મુરલી મનોહર જોશી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ, ભાજપ અને વિહિપના નેતાઓ સહિત તમામ ૩૨ આરોપીને નિર્દોષ જાહેર કર્યાં હતાં.
આ ચુકાદો આપ્યો તે જ દિવસે નિવૃત્ત થઈ રહેલા વિશેષ સીબીઆઇ અદાલતના જજ સુરેન્દ્રકુમાર યાદવે ૨,૩૦૦ પાનાંના ચુકાદામાં જણાવ્યું હતું કે, પુરાવાના અભાવે તમામ ૩૨ આરોપીને નિર્દોષ છોડી મૂકાય છે. સીબીઆઇ તેના દ્વારા જ રજૂ કરાયેલા ઓડિયો-વીડિયો પુરાવાની અધિકૃતતા પુરવાર કરી શકી નથી. બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના પૂર્વનિયોજિત નહોતી. આરોપીઓ દ્વારા મસ્જિદ તોડી રહેલા અસામાજિક તત્ત્વોને રોકવાનો પ્રયાસ કરાયો હતો.
૩૦ સપ્ટેમ્બરે આ ચુકાદો સંભળાવાયો તે વેળા કુલ ૩૨ પૈકીના ૨૬ આરોપી રૂબરૂ અદાલતમાં હાજર રહ્યાં હતાં. જોકે આરોગ્ય અને વૃદ્ધાવસ્થાના કારણસર અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સતીષ પ્રધાન, નૃત્યગોપાલ દાસ અને કલ્યાણસિંહ સુનાવણીમાં હાજર રહ્યાં નહોતાં. આ ૬ આરોપી વીડિયો કોન્ફરન્સિંગ અથવા તો પોતાના વકીલના માધ્યમથી કોર્ટમાં હાજર રહ્યાં હતાં.
કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરી દેતાં કોર્ટરૂમમાં જયશ્રી રામના નારા ગુંજી ઊઠયાં હતાં. તમામ આરોપીઓ અને તેમના વકીલોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. જજ એસ. કે. યાદવે ચુકાદો વાંચવાની શરૂઆત કરતાં જ સન્નાટો છવાયો હતો. પરંતુ ચુકાદો વંચાતો ગયો આરોપીઓના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી.

કયા આરોપી નિર્દોષ

વિશેષ સીબીઆઇ અદાલતે જે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે તેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર, કલ્યાણસિંહ, ઉમા ભારતી, કટિયાર, સાધ્વી ઋતંભરા, નૃત્ય ગોપાલદાસ, રામવિલાસ વેદાંતી, ચંપત રાય, ધર્મદાસ, સતીષ પ્રધાન, પવન પાંડે, લલ્લુસિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજભૂષણ શરણસિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જયભગવાન ગોયલ, ઓમપ્રકાશ પાંડે, અમરનાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનયકુમાર રાય, નવીનભાઈ શુકલા, આર. એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર, સુધીરકુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જરનો સમાવેશ થાય છે.

કયા આરોપીનાં સુનાવણી દરમિયાન મોત

આશરે ૨૬ વર્ષ સુધી ચાલેલી કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ પામેલા મુખ્ય આરોપીઓમાં અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુહરિ દાલમિયા, મોરેશ્વર સાવે, મહંત અવૈદ્યનાથ, મહામંડલેશ્વર જગદીશ મુનિ મહારાજ, વૈકુંઠલાલ શર્મા, પરમહંસ રામચંદ્રદાસ, ડો. સતીષ નાગર, બાલાસાહેબ ઠાકરે, તત્કાલીન એસએસપી ડી. બી. રાય, રમેશ પ્રતાપસિંહ, મહાત્યાગી હરગોવિંદસિંહ, લક્ષ્મીનારાયણ દાસ, રામનારાયણ દાસ અને વિનોદકુમાર બંસલનો સમાવેશ થાય છે.

ચુકાદો બકવાસ : જસ્ટિસ લિબરહાન

બાબરી વિધ્વંસની તપાસ માટે નરસિંહ રાવ સરકાર દ્વારા રચાયેલા તપાસ પંચના વડા જસ્ટિસ લિબરહાને વિશેષ સીબીઆઇ કોર્ટના ચુકાદાને બિલકુલ બકવાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સુનિયોજિત કાવતરાના કારણે મસ્જિદ તોડી પડાઈ નથી તેવો અદાલતનો ચુકાદો મારા પંચના તારણોથી તદ્દન વિરોધાભાસી છે. લિબરહાન પંચે મસ્જિદ વિધ્વંસ માટે અડવાણી, મુરલીમ નોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, અટલ બિહારી વાજપેયી, બાલ ઠાકરે સહિતના ૬૮ નેતાઓને દોષિત ઠેરવ્યા હતા.

સુપ્રીમ કોર્ટેના મતે બાબરી વિધ્વંસ ગણતરીપૂર્વકનું કૃત્ય!

રામમંદિર અંગેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ કરી હતી કે, બાબરી મસ્જિદ વિધ્વંસનું કૃત્ય ગણતરીપૂર્વકનું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમના ચુકાદામાં નોંધ્યું હતું કે, જાહેર બંદગીના સ્થળનો નાશ કરવાના ગણતરીપૂર્વકના કૃત્યમાં મસ્જિદ તોડી પડાઇ હતી. મસ્જિદથી મુસ્લિમોને ખોટી રીતે વંચિત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મસ્જિદ તોડી પાડવાની ઘટના કાયદાનું ઉલ્લંઘન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter