બિહારમાં ચૂંટણી જંગ ૨૪૩ બેઠક, ૩ તબક્કા

Tuesday 01st September 2020 05:36 EDT
 
બિહારનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા સાથે સાથી કમિશનરો સુશીલ ચંદ્રા અને રાજીવ કુમાર
 

નવી દિલ્હીઃ કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને વિશ્વમાં ૭૦ દેશોએ ચૂંટણી ટાળી છે. આ કોરોનાકાળમાં ભારતની જ નહીં, પણ દુનિયાની પહેલી સૌથી મોટી ચૂંટણી બિહારમાં યોજાઇ રહી છે. ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચે વસ્તીની દૃષ્ટિએ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચીફ ઇલેક્શન કમિશનર સુનીલ અરોરાએ શુક્રવારે જણાવ્યું હતું કે, બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો માટે ૨૮ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધીમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે જ્યારે ૧૦મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.

ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ એક તરફ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે તો બીજી તરફ રાજકીય ગતિવિધિ તેજ થઇ ગઇ છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, ૨૮ ઓક્ટોબરના રોજ પહેલા તબક્કામાં ૧૬ જિલ્લાની ૭૧ બેઠકો, ૩ નવેમ્બરના રોજ બીજા તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ બેઠકો અને ૭ નવેમ્બરના રોજ ત્રીજા તબક્કામાં ૧૫ જિલ્લાની ૭૮ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.
ચૂંટણી કમિશનર અરોરાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે આખું વિશ્વ બદલાઇ ગયું છે અને નવા નિયમો સ્થાપિત થયા છે. સમગ્ર વિશ્વમાં જ્યારે દેશો ચૂંટણીઓ મોકૂફ રાખી રહ્યા છે ત્યારે મતદારોના લોકતાંત્રિક અધિકાર અને આરોગ્ય અંગે સંતુલન જાળવવું જરૂરી હતું. તેથી ચૂંટણી પંચે તૈયારીઓ માટે ઘણા મહિના મહેનત કરી છે.
સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે અરોરાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ઓનલાઇન એક્ટિવિટિઝ પર ચાંપતી નજર રાખશે અને કોમી તણાવ ફેલાવવાનો પ્રયાસ કરનાર કોઇની પણ સામે કાયદો આકરા હાથે કામ લેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓએ પણ આ મામલે ચાંપતી નજર રાખી તેમની સિસ્ટમ મોનિટર કરવી પડશે. અમે ફક્ત પ્લેટફોર્મ પ્રોવાઇડર્સ છીએ તેવા બહાના ચલાવી લેવાશે નહીં.

ત્રણ જ તબક્કામાં મતદાન

બિહારની ૨૪૩ વિધાનસભા બેઠક કદાચ પહેલી વખત ચૂંટણી ટી૨૦ મેચની જેમ માત્ર ત્રણ જ તબક્કામાં યોજાશે. સામાન્ય રીતે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અત્યાર સુધી ૫-૭ તબક્કામાં યોજાતી રહી છે.

પરિણામ આઇપીએલ ફાઇનલ સાથે

ચૂંટણી પંચે મતગણતરી અને પરિણામો માટે ૧૦ નવેમ્બર જાહેર કરી છે. સંયોગવશાત્ આઇપીએલની આ સિઝનની ફાઇનલ અને બિહારની ચૂંટણીનું પરિણામ એક જ દિવસે છે. પ્રથમ તબક્કાના જાહેરનામાથી પરિણામ સુધીના ૪૧ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ જશે.

કલંકિત ઉમેદવારની પસંદગી અંગે જણાવવું પડશે

બિહાર વિધાનસભા ચૂંટણી દેશની એવી પહેલી ચૂંટણી હશે કે જેમાં રાજકીય પક્ષોએ તેમની વેબસાઇટ પર જણાવવું પડશે કે તેમણે જેમની સામે ગુનાઇત કેસો પડતર હોય તેવા ઉમેદવાર કેમ પસંદ કર્યા? મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ફેબ્રુઆરી ૨૦૨૦ના આદેશ અનુસાર આવા ઉમેદવારોની વિસ્તૃત માહિતી તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એક સ્થાનિક તથા રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત કરવી ફરજિયાત રહેશે. પક્ષે તેમની યોગ્યતા, સિદ્ધિ તથા ગુણોની વિગત આપવી પડશે.

એનડીએની પસંદગી નીતિશકુમાર

બિહારમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય પક્ષો વચ્ચે બેઠકો માટેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. એનડીએના નેજામાં ચૂંટણી લડી રહેલા ભાજપ અને જનતા દળ (યુ)એ તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે નીતિશકુમારનું નામ અગાઉ જ જાહેર કરી દીધું છે. જ્યારે બેઠકોની વહેંચણી મામલે પણ બન્ને પક્ષો વચ્ચે ફોર્મ્યુલા નક્કી થઇ ગયાના અહેવાલ છે. જોકે રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી બેઠકોના મામલે કેવો અભિગમ અપનાવે છે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર છે. ઉલ્લેખનીય છે કે પાસવાન-પુત્ર ચિરાગ પાસવાન છેલ્લા થોડાક સમયમાં મુખ્ય પ્રધાન નીતિશકુમારની સરકારની એકથી વધુ વખત ટીકા કરી ચૂક્યા છે. સ્પષ્ટ છે કે તેઓ દબાણનું રાજકારણ રમી રહ્યા છે. ભાજપના મોવડીઓએ જોકે અત્યારે તો મામલો ટાઢો પાડ્યો છે.

રાજદ - કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી લાલુ પ્રસાદ યાદવ વિના ચૂંટણીનો સામનો કરી રહેલા મહાગઠબંધનના મુખ્ય પક્ષ લાલુ પ્રસાદનો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ૧૫૦ બેઠકની માંગણી કરી રહ્યો છે. જોકે, તેનો સાથી પક્ષ કોંગ્રેસ રાજદને ફક્ત ૫૮ બેઠકો આપવા માંગે છે કારણ કે, તેઓ ઓછામાં ઓછી ૭૫ બેઠક પોતાની પાસે રાખવા માંગે છે. કોંગ્રેસ તમામ ૨૪૩ બેઠક પર ચૂંટણી લડવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

પ્રચારથી માંડી મતદાન સુધી ખાસ વ્યવસ્થા

• મતદાન કેન્દ્ર પર ૧,૦૨૬ના બદલે ૬૮૪ મતદાર • મતદાન માટે વધુ ૧ કલાક • ૪૬ લાખ માસ્ક • ૭.૬ લાખ ફેસ શીલ્ડ • ૨૩ લાખ જોડી હેન્ડ ગ્લવ્સ • ૬ લાખ પીપીઇ કિટ • દિવ્યાંગો - વૃદ્ધો - કોરોના દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ • ડોર-ટુ-ડોર કેમ્પેનમાં પાંચથી વધુ લોકો નહીં • ઉમેદવારી ઓનલાઇન થશે • ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ત્રણ જણા જ જઇ શકશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter