બિહારમાં ચૂંટણી જંગનો તખતો તૈયારઃ 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન

Wednesday 08th October 2025 04:21 EDT
 
 

પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણી જંગનો તખતો તૈયાર થઇ ગયો છે. ચૂંટણી પંચે દ્વારા સોમવારે કરેલી જાહેરાત અનુસાર, આ વખતે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજવામાં આવશે. પહેલા તબક્કામાં 6 નવેમ્બરે 121 બેઠકો માટે જ્યારે બીજા તબક્કામાં 11 નવેમ્બરે 122 બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આખા રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. બિહારમાં આ વખતે ચૂંટણીની પ્રોસેસ 40 દિવસ ચાલશે.
40 વર્ષ પછી બે તબક્કામાં મતદાન
વિવિધ રાજકીય પક્ષો દ્વારા દિવાળી અને છઠનાં તહેવારો પછી રાજ્ય વિધાનસભા ચૂંટણી યોજવાની માગણી કરાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કાનું મતદાન છઠનાં આઠ દિવસ પછી રાખવામાં આવ્યું છે. બિહારમાં 40 વર્ષ પછી બે તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. આ અગાઉ 1985માં બે તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું.
આ વખતની ચૂંટણીમાં પંચ દ્વારા 17 નવી પહેલ કરવામાં આવશે. SIR દ્વારા જે મતદારોનાં નામ હટાવવા માટે કે જોડવા માટે ફરિયાદો હોય તે જિલ્લા મેજિસ્ટ્રેટને કરવાની રહેશે. ઉમેદવારીનાં 10 દિવસ પહેલા મતદારોનાં નામ હટાવવાની અને જોડવાની કામગીરી કરવામાં આવશે. ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે રાજયમાં ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવામાં આવશે.
રાજ્યમાં કુલ 7.43 કરોડ મતદાર
બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરીને નવી સરકાર ચૂંટશે. 14 લાખ લોકો પહેલીવાર મતદાન કરશે. મતદાન મથક પર ન જઈ શકે તેવા મતદારો ફોર્મ 12-ડી ભરીને મતદાન કરી શકશે. આ વખતે મતદારો બૂથ સુધી મોબાઈલ લઈને જઈ શકશે નહીં.
બિહાર વિધાનસભાઃ 2020ના ચૂંટણી પરિણામો
• રાજદ - 75 • ભાજપ - 74 • જદ(યુ) - 43 • કોંગ્રેસ - 19 • સીપીઆઇ (એમએલ) 19 • અપક્ષ - 01 • અન્ય - 19
શું નવું છે બિહાર ચૂંટણીમાં
• બિહારની ચૂંટણીમાં આ વખતે ઇવીએમમાં મતદારોના નામ મોટા અક્ષરમાં કલર ફોટા સાથે ડિસ્પ્લે કરાશે.
• બૂથ લેવલનાં અધિકારીઓની ઓળખ માટે સત્તાવાર ID કાર્ડ આપવામાં આવશે.
• મતદારો મતદાન મથક બહાર તેમનાં મોબાઈલ ફોન જમા કરાવી શકશે.
• તમામ મતદાન મથકોએ મતદાનનું વેબકાસ્ટિંગ કરાશે.
• કોઈપણ મતદાન મથક પર 1,200થી વધુ મતદારો નહીં.
7 રાજ્યમાં 8 બેઠકની પેટાચૂંટણી
બિહાર રાજ્ય વિધાનસભાની ચૂંટણી સાથે સાથે સાત રાજ્યોમાં પેટાચૂંટણી યોજાશે. જેમાં જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ, પંજાબ, તેલંગાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
આ સાત રાજ્યોમાં 11 નવેમ્બરે મતદાન યોજાશે અને બિહારની સાથે જ 14 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
ક્યા રાજ્યમાં કઇ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે?
• જમ્મુ-કાશ્મીરમાં બડગામ અને નાગરોટ
• રાજસ્થાનમાં અંતા
• ઝારખંડમાં ઘાટસિલા
• તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ
• પંજાબમાં તરનતારન
• મિઝોરમમાં ડમ્પા
• ઓડિશામાં નૌપદા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter