નવી દિલ્હીઃ બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ ભાજપના નેતા 160 પારનો દાવો કરતા હતા. તેમને પણ આવા વિજયની અપેક્ષા ન હતી, પરંતુ મહિલા મતદારોના વિક્રમી મતદાને ચમત્કાર કર્યો છે. ભાજપ 89 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. નીતિશકુમારની જનતા દળ (યુ)એ છેલ્લી ચૂંટણીમાં 42 સીટોનો વધારો કરીને 85નો આંકડો સ્પર્યો છે. એલજેપી (આરવી)એ પણ 19 સીટ જીતીને 2005માં 29 સીટના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની યાદ અપાવી છે. 2020માં એલજેપીએ માત્ર એક સીટ જીતી હતી. આ બાજુ મહાગઠબંધનની બે સૌથી મોટા પાર્ટી લાલુ પ્રસાદની રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કોંગ્રેસે છેલ્લા 15 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આરજેડી માત્ર 25 અને કોંગ્રેસને માત્ર 6 સીટ મળી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વીના નેતૃત્ત્વવાળી આરજેડી 75 સીટ સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. વડાપ્રધાન મોદીએ આને સુશાસનનો વિજય જણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘વિકાસનો વિજય થયો છે.'
નવી સરકારની રચનાનો માર્ગ મોકળો
નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના મુખ્યમંત્રીપદેથી રાજીનામું સુપરત કર્યું હતું. આની સાથે જ તેમણે રાજ્યમાં સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો. પટણામાં ગાંધી મેદાનમાં 20મીએ તેઓ પોતાના કેબિનેટના મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરશે. બીજી બાજુ રાજદના તેજસ્વી યાદવને વિરોધપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
ચૂંટણીમાં ગેરરીતિ થઇ છેઃ કોંગ્રેસ
બિહારેમાં કારમા પરાજય પછી કોંગ્રેસે શનિવારે દિલ્હીમાં પ્રથમ સમીક્ષા બેઠક યોજી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અજય માકન સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સમીક્ષાની સાથે સંગઠનની ખામીઓ પર ચર્ચા થઈ હતી. બેઠક પછી કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટી ગેરરીતિઓના પુરાવા એકત્ર કરી રહી છે. બે સપ્તાહમાં દેશની સામે પુરાવા રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે બિહાર ચૂંટણીમાં 60 બેઠકો લડી હતી, જોકે તે ફક્ત છ સીટ જીત શકી છે.
મહિલાઓ ‘ગેમ ચેન્જર’
બિહાર ચૂંટણીમાં મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું હતું અને શુક્રવારે રાજ્યમાં એનડીએના જ્વલંત વિજય પાછળ મહિલાઓ નિર્ણાયક પરિબળ રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, બિહારના સાત જિલ્લાઓમાં મહિલા મતદારોની ટકાવારી પુરુષો કરતાં 14 ટકા વધુ હતી. અન્ય 10 જિલ્લાઓમાં પણ આ તફાવત 10 ટકાથી વધુ નોંધાયો હતો. એનડીએના એક નેતાએ જણાવ્યું કે મહિલાઓના આ જનાદેશનો શ્રેય મુખ્યમંત્રી નીતીશ કુમારને જાય છે, જેમની બે દાયકાના શાસને વફાદાર, વિવિધ જાતિઓમાં ફેલાયેલા મહિલા મતદારોને પોતાના પક્ષે કર્યા છે.
તેજસ્વીને કોંગ્રેસ સાથેનું જોડાણ ભારે પડ્યું
કોઈ પણ પક્ષ માટે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવી એ ઈંટ બાંધીને તરવા જેવી વાત બની ગઈ છે. આ વાત 2017માં ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (સપા)ની હારે સાબિત કરી હતી અને હવે એ જ સ્થિતિ બિહારમાં રાજદ અને તેજસ્વી યાદવની થઈ છે. 2017માં ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં 100 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડી હતી અને 7 પર જ જીત મેળવી હતી. પરિણામો પછી મનાયું કે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવી સમાજવાદી પાર્ટીને ભારે પડયું હતું. 2017માં તેણે પોતાની રણનીતિ બદલી અને કોંગ્રેસથી અલગ થઈને ચૂંટણી લડી હતી. પરંતુ તેજસ્વી યાદવે આમાંથી કશી શીખ ન લીધી અને 2017વાળી અખિલેશ યાદવની ભૂલ બિહારમાં કરી નાખી. પરિણામો સામે છે. હકીકતમાં 2014 પછીથી સતત જોવા મળી રહ્યું છે કે જયારે પણ કોંગ્રેસ સામે હોય છે ત્યારે ભાજપનું પ્રદર્શન જોરદાર હોય છે. આ ઉપરાંત ક્ષેત્રીય દળોના મુકાબલે પણ કોંગ્રેસ ટકી નથી શકતી. આ રીતે કોંગ્રેસને વધુ સીટો આપવી રાજદ માટે થાતક સાબિત થયું છે.


