ભાજપના ૧૧મા અધ્યક્ષ જે. પી. નડ્ડાઃ પાયાના કાર્યકર - સંગઠનમાં માહેર

Tuesday 21st January 2020 08:42 EST
 
 

નવી દિલ્હીઃ ભાજપના અદના કાર્યકર અને સંગઠનમાં માહિર જગત પ્રકાશ નડ્ડાએ પક્ષનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખ પદે સર્વસંમતિથી વરાયેલા જે. પી. નડ્ડા આગામી ત્રણ વર્ષ એટલે કે ૨૦૨૨ સુધી પ્રમુખપદની જવાબદારી સંભાળશે. પક્ષનાં સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહે નડ્ડા બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી. બાદમાં તેમણે વિદાય લઇ રહેલા અમિત શાહ પાસેથી હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ અને કાર્યકરોએ નડ્ડાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.
નડ્ડા સામે હવે દિલ્હી, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણી જીતવાનો પડકાર છે. નડ્ડાએ વડા પ્રધાન મોદી, શાહ તેમજ પક્ષનાં અન્ય નેતાઓ તેમજ ભાજપ-શાસિત રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે પક્ષની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.
સોમવારે સવારે યોજાયેલી પક્ષની બેઠકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ પ્રમુખપદ માટે નડ્ડાનાં નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને નિર્વિરોધ સૌએ વધાવ્યો હતો. કેટલાક રાજ્યોનાં મુખ્ય પ્રધાનોએ તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. નડ્ડાએ અડવાણી અને મુરલી મનોહર જોશીને પગે લાગીને તેમનાં આશીર્વાદ મેળવ્યા હતા.

પક્ષ નવી ઊંચાઈ આંબશે: નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદીએ કહ્યું કે નડ્ડાનાં નેતૃત્વમાં પક્ષ નવી ઊંચાઈઓને આંબશે. પક્ષના વડા મથકે યોજાયેલા નડ્ડાનાં સ્વાગત સમારોહમાં મોદીએ અમિત શાહનાં પણ ભરપૂર વખાણ કર્યા હતા. પક્ષનાં વિકાસ અને વિસ્તાર માટે તેમના કામની પ્રશંસા કરી હતી. મોદીએ વિપક્ષોને આડે હાથ લીધા હતા તેમણે કહ્યું કે, ચૂંટણીમાં જેમને નકારવામાં આવ્યા છે તેઓ હવે લોકોમાં જુઠ્ઠાણા અને ભ્રમ ફેલાવી રહ્યા છે. સીએએ અંગે ભ્રમ ફેલાવવા છતાં લોકોનો ભરોસો ડગ્યો નથી. તેમનું જુઠ્ઠાણું ય ચાલતું રહેશે અને અમે પણ ચાલતા રહીશું. અમારા માટે હવે લોકો સુધી પહોંચવાની શક્યતાઓ વધી છે.

વિકાસના માર્ગે ચાલશું: અમિત શાહ

ભાજપનાં વિદાય લઈ રહેલા પ્રમુખ અમિત શાહે પોતાના કાર્યકાળ દરમિયાન સાથ આપવા બદલ વડા પ્રધાન મોદી અને સાથીઓનો આભાર માન્યો હતો અને નડ્ડાને શુભેચ્છાઓ આપી હતી. નડ્ડાનાં નેતૃત્વમાં પક્ષ વધુ મજબૂત થશે અને તેનો વ્યાપ વિસ્તરશે તેવી આશા વ્યક્ત કરી હતી. શાહે કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં અમે સૌ નિરંતર વિકાસનાં માર્ગે ચાલતા રહીશું. મને પાંચ વર્ષ પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી તે મારું સૌભાગ્ય છે. આ માટે હું પક્ષનાં નેતાઓ, કાર્યકરો અને શુભચિંતકોનો આભાર માનું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter