ભાજપના ‘લાલ’ હવે ભારતના રત્ન

Wednesday 07th February 2024 05:41 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દસ દિવસ પછી રામરથયાત્રા દ્વારા મંદિર નિર્માણની ચળવળને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજવાની જાહેરાત થઈ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને તેની જાહેરાત કરી હતી. વડાપ્રધાને પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં તેમનું યોગદાન સ્મરણીય છે. ભારત સરકાર દ્વારા ભારતરત્ન સન્માન આપવામાં આવ્યા બાદ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીએ પોતાના ઘરેથી હાથ હલાવીને લોકો અને મીડિયા કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.
અડવાણી સાથે તેમની પુત્રી પ્રતિભા અડવાણી પણ નજરે આવ્યા હતાં. ભાજપના વરિષ્ઠ નેતાની પુત્રી પ્રતિભાએ ખુશખુશાલ અડવાણીને ભારતરત્ન મળ્યા બાદ માં મીઠું કરાવ્યું હતું. અગાઉ 2015માં અડવાણીને દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મવિભૂષણ એનાયત કરાયો હતો.
પુત્રી પ્રતિભાએ જણાવ્યું હતું કે, સમ્માનની વાત જાણીને દાદા ખૂબ ખુશ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. તેઓ વડાપ્રધાનની સાથોસાથ દેશના લોકોને ધન્યવાદ આપે છે કે તેમણે જીવનના આ તબક્કે આ સમ્માન આપ્યું છે. પ્રતિભાએ ઉમેર્યું હતું કે તેઓ ખૂબ જ અભિભૂત છે. તેઓ ઓછું બોલનારા વ્યક્તિ છે, પણ તેમની આંખોમાં આંસુ હતાં. તેમને ખુશી અને સંતોષ છે કે તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું.
10 વર્ષમાં સાતને ભારતરત્ન
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પોતાના દસ વર્ષના કાર્યકાળને સમાપ્ત કરવાની તૈયારીમાં છે. આ દરમિયાન તેણે અત્યાર સુધીમાં સાત વિભૂતિઓને પોતાના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારત રત્નથી સમ્માનિત કર્યા છે. તેની શરૂઆત ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીથી થઈ હતી. ત્યારબાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ, કર્પુરી ઠાકુરને પણ ભારતરત્ન અપાયો હતો. આ ઉપરાંત મોદી સરકારે ભુપેન હઝારિકાને સંગીત ક્ષેત્રમાં તેમના અતુલનીય યોગદાન બદલ, જ્યારે પંડિત મદન મોહન માલવિયાને પણ ભારત રત્નથી નવાજ્યા છે.
બહુ વિલંબ બાદ ભારતરત્ન અપાયો: કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ અડવાણીને ભારતરત્નથી નવાજવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને આવકારે છે. જોકે દેશના આ જૂના પક્ષ તરફથી આ એકમાત્ર રિએક્શન આપવામાં આવ્યું ન હતું. અન્ય વિપક્ષમાં શિવસેનાએ પણ અડવાણીની પસંદગીને આવકારી હતી. જોકે સાથે સવાલ કર્યો હતો કે શા માટે હજુ સુધી બાળાસાહેબ ઠાકરે અને વીર સાવરકરને ભારતરત્નથી નવાજવામાં આવ્યા નથી તેવો સવાલ પણ કર્યો હતો.
• રામમંદિર નિર્માણ માટે રામ રથયાત્રા યોજી. 1980ની શરૂઆતમાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થાને મંદિર નિર્માણ માટે આંદોલનની શરૂઆત કરી હતી. તે વખતે અડવાણીના નેતૃત્વમાં ભાજપ રામમંદિર આંદોલનનો ચહેરો બની ગયું. અડવાણીએ 25 સપ્ટેમ્બર 1990એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતીએ સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી
• સૌથી વધારે સમય ભાજપના અધ્યક્ષ રહ્યા. અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોતાની રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ઘણાં વર્ષો સુધી રાજસ્થાનમાં આરએસએસ પ્રચારક તરીકે કામ કર્યું હતું. ભાજપનો પાયો નાખનાર લોકોમાં તેમનો સમાવેશ થાય છે. 1980થી 1990 વચ્ચે અડવાણીએ ભાજપને રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનાવવા માટે કામ કર્યું હતું. અડવાણી 1986, 1993, અને 2004થી 2005 એમ ત્રણ વાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે.
• અટલ સરકારમાં નાયબ વડાપ્રધાન બન્યા. 1998થી 2004 વચ્ચે ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. 2002થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ ભારતના સાતમા નાયબ વડાપ્રધાન રહ્યા હતા. દશમી અને ચૌદમી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતા તરીકે ભૂમિકા નિભાવી હતી. 2015માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
• અડવાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. 1993માં આરોપ લાગ્યો કે લાલ કૃષ્ણ અડવાણીએ હવાલા કરનારા એસ.કે. જૈન પાસેથી બે કરોડ રૂપિયા લીધા છે. એક પત્રકારે તેમની આ વાત એક છાપામાં છાપ્યા બાદ તેમણે સીબીઆઈના ચીફ કે. વિજય રામારાવનો ઇન્ટરવ્યૂ કર્યો અને પૂછયું હતું કે શું એસ.કે. જૈનની ડાયરી બાબતમાં કાર્યવાહી થશે? એસ.કે. જૈનની ડાયરી સામે આવી ત્યારે તેમાં 55 નેતા, 15 અધિકારીઓ, અને અન્ય મળીને 92 નામ હતાં, જેમાંનું એક નામ લાલ કૃષ્ણ અડવાણીનું હતું. તેમના પર 60 લાખ રૂપિયા લેવાનો આરોપ હતો. આ પછી તેમણે લોકસભામાંથી રાજીનામું આપતાં જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી ભ્રષ્ટાચારના આરોપોમાંથી તેમને મુક્તિ નહીં મળે ત્યાં સુધી ગૃહમાં પગ નહીં મૂકે. ત્યાર બાદ તેઓ 1996ની ચૂંટણી ના લડયા. આઠ એપ્રિલ 1997એ હાઇકોર્ટે કેસમાં ચુકાદો આપ્યો હતો અને અડવાણીને નિર્દોષ ઠરાવ્યા હતા.
અડવાણી વિશે દશ મહત્ત્વની વાતો
• અડવાણીએ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કુશમાં શાળાકીય અભ્યાસ કર્યો હતો
• 1944માં તેમણે કરાચીની મોડલ હાઈસ્કૂલમાં અધ્યાપક તરીકે નોકરી કરી હતી
• 1947માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સચિવ બન્યા
• 1970માં પહેલી વાર રાજ્યસભાના સાંસદ બન્યા
• 1980માં ભાજપ બન્યા બાદ તેમણે સૌથી લાંબા સમય સુધી પાર્ટીનું અધ્યક્ષપદ સંભાળ્યું
• તેઓ ફિલ્મ સમીક્ષક પણ હતા 
• તેમને ચોકલેટ, ફિલ્મો, અને ક્રિકેટનો ઘણો શોખ છે
• તેમણે ‘માય કન્ટ્રી માય લાઈફ’ નામે એક પુસ્તક લખ્યું છે
• 2013માં તેમણે પોતાના બધા પદો પરથી રાજીનામું આપ્યું
• અડવાણી અત્યાર સુધીમાં અડધો ડઝન કરતાં વધારે રથયાત્રા યોજી ચુક્યા છે. જેમાં રામ રથયાત્રા જનાદેશ યાત્રા, સ્વર્ણ જયંતી રથયાત્રા, ભારત ઉદય યાત્રા, અને ભારત સુરક્ષા યાત્રા, જનચેતના યાત્રા મુખ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter