ભાજપની પીડીપીને ફારગતી

મહેબૂબા મુફ્તી સરકારનું રાજીનામુંઃ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન

Tuesday 19th June 2018 16:36 EDT
 

નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે.
ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં જ લઘુમતીમાં મૂકાયેલી સરકારના વડા મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું હતું. બાદમાં ગવર્નર એન. એન. વ્હોરાએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં સતત વકરી રહેલા અલગતાવાદને ડામીને શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં મુફ્તી સરકારની નિષ્ફળતાને નજરમાં રાખીને ભાજપ મોવડીઓએ આ નિર્ણય લીધો છે.
આ પૂર્વે ભાજપના સેક્રેટરી જનરલ રામ માધવે પક્ષના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે આજે અમે ત્રણ વર્ષ જૂના ગઠબંધનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણ ગવર્નરને કરીને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની માંગ કરાઇ છે. ભાજપે યુતિ તોડવાની જાહેર કરતાં જ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી ગવર્નર એન. એન. વ્હોરાને મળ્યા હતા અને સરકારના રાજીનામાનો પત્ર સુપ્રત કર્યો હતો. બીજી તરફ, રાજ્ય વિધાનસભા ગૃહમાં ત્રીજા નંબરે સૌથી વધુ બેઠકો ધરાવતા નેશનલ કોન્ફરન્સ (એનસી)ના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાએ રાજ્યમાં સરકાર રચવાનો દાવો કરવાની શક્યતા નકારી દીધી છે.
કુલ ૮૭ સભ્યો ધરાવતા વિધાનસભા ગૃહની ૪૬ બેઠકો ખીણ પ્રદેશમાં અને ૩૭ બેઠકો જમ્મુ પ્રાંતમાં છે. જ્યારે ચાર બેઠકો લદાખ પ્રાંતમાં છે. રાજ્યમાં ૨૮ બેઠકો સાથે પીડીપી સૌથી મોખરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter