નવી દિલ્હીઃ ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ મામલે પીછેહઠ કરવાની ફરજ પડી હતી તે દિવસથી જ કામે લાગી ગયા હતા, પરંતુ હવે ભાજપે સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવાના પ્રયાસો તેજ કર્યાના અહેવાલ છે. પક્ષનું ધ્યાન માત્ર આ જ બિલ સુધી સીમિત નથી પરંતુ ‘એક દેશ-એક ચૂંટણી’ અને ન્યાયિક સુધારા જેવા મોટા બંધારણીય ફેરફારો માટે પણ તે જરૂરી બહુમતી હાંસલ કરવા માગે છે.
આ માટે ભાજપ વિપક્ષી દળોમાં ભંગાણ, નવા સહયોગીઓને જોડવા અને જરૂર પડ્યે મતદાન સમયે વિપક્ષની ગેરહાજરી જેવા બહુવિધ વિકલ્પો પર નજર રાખી રહ્યું છે. સંસદના ચોમાસુ સત્રમાં સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવાનો પક્ષનો ટાર્ગેટ છે. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર આગામી પખવાડિયે 20 જુલાઇથી શરૂ થઇ રહ્યું છે.
તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના 20 સાંસદે પક્ષથી અલગ થઈને એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી છે તો શિવસેના (ઉદ્ધવ)ના 6 સાંસદ પક્ષ છોડીને શિંદે જૂથમાં સામેલ થઇ છે. બે રાજ્યના બે મોટા પક્ષમાં કાંગરા ખર્યા બાદ આ અટકળોને વધુ બળ મળ્યું છે. જોકે આ તોડજોડ છતાં બે-તૃતીયાંશ બહુમતી માટે વધુ 41 સાંસદની જરૂર છે. આ માટે ભાજપની નજર હવે સમાજવાદી પાર્ટી (સપા), ડીએમકે, એનસીપી (શરદ) જેવા પક્ષો પર ટકેલી છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્ર ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે શરદ પવાર જૂથના 8 સાંસદમાં તેમના પુત્રી સુપ્રિયા સુલે સિવાય બાકીના 7 ભાજપની સાથે છે. જોકે, સરકાર બિલોના સંબંધમાં તમામ પક્ષો સાથે વાતચીત કરી રહી છે.
ભાજપ પાસે ક્યા-ક્યા વિકલ્પો?
એક તો, વિરોધ પક્ષના 41 સાંસદનો પક્ષપલટો, ગઠબંધન અથવા સમર્થન દ્વારા એનડીએમાં સામેલ થાય અથવા અલગ જૂથ બનાવી સરકારને સમર્થન આપે તો ભાજપ ફાવી જાય તેમ છે.
અથવા તો બીજો વિકલ્પ એ છે કે ગૃહમાં વિપક્ષના સાંસદો ગેરહાજર રહે. આમ કરવાથી સંસદમાં અસરકારક સભ્ય સંખ્યા ઘટી જશે. પછી બે-તૃતિયાંશનો આંકડો 319 પર આવી જશે. આ માટે સપા (37), ડીએમકે (22), એનસીપી-શરદ (8) અને ટીએમસી (8) આમ કુલ 75 સાંસદમાંથી 61ને ગેરહાજર રાખવા પડશે. 7 અપક્ષ અને નાના પક્ષના 10 સાંસદ પર પણ પક્ષની નજર હોવાનું કહેવાય છે. જરૂર પડી તો કોંગ્રેસના 98માંથી કેટલાક સાંસદોને ગેરહાજર રાખવાનો પ્રયાસ થઈ શકે છે.
પક્ષ સામે ચાર મોટા પડકાર
1) સીમાંકન: લોકસભા બેઠકોમાં સમાન રીતે 50 ટકાનો વધારો. તેનાથી ગૃહની કુલ સંખ્યા લગભગ 850 સુધી પહોંચી શકે છે.
2) મહિલા અનામત: સીમાંકન પછી 2029ની ચૂંટણીથી લોકસભા અને વિધાનસભાની એક-તૃતીયાંશ બેઠકો પર મહિલા અનામત લાગુ કરવી.
3) એક દેશ-એક ચૂંટણી: લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે બંધારણીય ફેરફારોનો રસ્તો સાફ કરવો.
4) ન્યાયિક/બંધારણીય સુધારા: યુસીસી (સમાન નાગરિક ધારો) જેવા સુધારા માટે સંખ્યાબળ જરૂરી.


