ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો હિમાલય જેવા અડગ અને દરિયા જેવા અગાધ

આઠ સમજૂતી કરાર • નેપાળ માટે રૂ. 15000 કરોડનું પેકેજ • ભારત નેપાળમાં આઈઆઈટી સ્થાપશે

Wednesday 25th November 2026 04:19 EST
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના યુવા વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે સોમવારે પાટનગર સ્થિત હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી. જેમાં ભારત-નેપાળ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરવા માટે અનેક મહત્વપુર્ણ નિર્ણયો કરાયા હતાં.
બંને વડાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા તેમજ લાંબા સમયથી ચાલતાં સરહદના વિવાદને ઉકેલવા સહમતિ સધાઈ હતી. વડાપ્રધાન મોદીએ પડોશી દેશ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયા (ભારતના આશરે રૂ. 15,000 કરોડ)ના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બંને વડાઓએ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી નેપાળના જનકપુર વચ્ચે સરયુ-કમલા એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી વિદાય આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યુવાનોના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ નેપાળમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને માર્ચમાં સત્તા પર આવેલા માત્ર 35 વર્ષના વડાપ્રધાન બાલેન શાહ રવિવારે પોતાની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ મુલાકાતે ભારતના મહેમાન બન્યા હતા.
વડાપ્રધાને બાલેન શાહે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને હિમાલય જેવા અડગ તથા સમુદ્ર જેટલાં અગાધ ગણાવ્યા હતાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નેપાળ વગર ભારતના ધામ અને પ્રભુ રામ બન્ન અધૂરા છે. બન્ને નેતાઓએ ભારતે આપેલાં ભંડોળમાંથી નેપાળમાં તૈયાર કરાયેલ એનર્જી અને કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સનું ઓનલાઈન ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત બંને વડાઓએ અન્ય ત્રણ પ્રોજેક્ટ્સનું ખાત મૂહૂર્ત કર્યું હતું.
બન્ને દેશોએ અંતરીક્ષ ટેકનોલોજી, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ અને શહેરી વિકાસ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે કુલ આઠ મહત્વપુર્ણ સમજુતિ પત્ર પર હસ્તાક્ષર થયાં હતાં. આ સમજુતિનો ઉદ્દેશ નેપાળને ટેકનોલોજી, તાલિમ અને વિકાસના ક્ષેત્રમાં મદદ કરવાનો છે.
વિકસિત ભારત, સમુન્નત નેપાળ
‘રિઈમેજિંગ ધ પાર્ટનરશિપ’ નામના વિઝન ડોક્યુમેન્ટમાં બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રો સહયોગ વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ હતી. આ ઉપરાંત ઉર્જા, જળ સંસાધન, હવામાનની જાળવણી, કનેક્ટિવિટી, ટેક્નોલોજી તથા આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં પણ ભાગીદારી વધારવા સહમતી દર્શાવાઈ હતી.
નેપાળ વગર આપણા ધામ અને પ્રભુ રામ અધૂરાઃ મોદી
વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને પક્ષો આ સહિયારા વિઝનને નક્કર સિદ્ધિઓમાં બદલશે અને સાથે મળીને ભારત-નેપાળ સંબંધોમાં એક નવો સુવર્ણ અધ્યાય લખશે. મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ માત્ર પડોશી પૂરતો નથી, પરંતુ તેના મૂળ ઊંડા આત્મીયતાના ભાવ અને અતૂટ વિશ્વાસમાં રહેલા છે. આપણી ખુશીઓ અને પડકારો સહિયારા છે. આપણે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ અને મુશ્કેલીના સમયમાં એકબીજાનો સહારો છીએ.
નેપાળના યુવા નેતા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ મોદીએ જણાવ્યું હતું કે નેપાળ વગર આપણા ધામ અને રામ બન્ને અધુરા છે. તેમણે વિનાશક પુરના કારણે તારાજ થઈ ગયેલાં નેપાળને બેઠું કરવા માટે 24,000 કરોડ નેપાળી રૂપિયા એટલે કે ભારતીય ચલણમાં 15,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. સાથે સાથે જ નેપાળમાં આઈઆઈટી સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી હતી.
બાલેન શાહના વિઝનને બિરદાવતા વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ 35 વર્ષના બાલેન શાહની પોતાના દેશના વિકાસને પંથે લઇ જવાના વિઝનની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે નેપાળની જનતાએ તેમને જે ઐતિહાસિક જનાદેશ આપ્યો છે તે ત્યાંની નવી પેઢીની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને દર્શાવે છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે કેટલાક મહિના અગાઉ તેમણે વિશ્વના સૌથી યુવાન વડાપ્રધાન તરીકે યુનાઇટેડ નેશન્સને સંબોધન કર્યું હતું ત્યારે તેમની દુરંદેશી અને સુઝબુઝની એક સ્પષ્ટ ઝલક મળી હતી. પાછલા કેટલાક કલાકો દરમિયાન થયેલી વાતચીતમાં મેં નેપાળના ભવિષ્ય અને ભારત-નેપાળ સંબંધોને લઇને તેમના સ્પષ્ટ વિચારો અને પ્રતિબદ્ધતાને મહેસુસ કરી છે.
મુસીબતમાં ભારત પહેલું મદદગારઃ બાલેન શાહ
વડાપ્રધાન બાલેન શાહે ભારતનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુસીબતના સમયમાં ભારત જ સૌથી પહેલાં મદદ માટે આગળ આવે છે. બાલેન શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડોસી દેશ નેપાળની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
આ ઉપરાંત બાલેશન શાહે ભારતીય નાગરિકોને પશુપતિનાથ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત માટે નેપાળની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બન્ને દેશ વચ્ચેના સંબંધો હંમેશા હિમાલય જેવા મજબૂત રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવા જ મજબૂત સંબંધ રહેશે.

•••

ભારત અને નેપાળ સંબંધઃ
રાજદ્વારી વિશ્લેષકોની નજરે...
• શું આ સંબંધોની નવી શરૂઆત છે? નેપાળમાં જેન-ઝી આંદોલન બાદ આવેલી નવી સરકારે ભારત સાથે સંબંધો વધારવાની સારી શરૂઆત કરી છે.
• શું ચીન-અમેરિકા નેપાળ નજીક જઇ રહ્યાં છે? નેપાળ દેશ ભારતનો સાંસ્કૃતિ ભાગીદાર છે. અમેરિકા-ચીન આ સ્તર સુધી ક્યારેય પહોંચી શકશે નહીં.
• સંબંધો વધુ સારા કેવી રીતે બને? બંને દેશો વચ્ચે થયેલી નવી સમજૂતીઓને લાગુ કરવા માટે કમિટી બને.
• શું સરહદ મુદ્દે વિવાદ છે? સરહદ વિવાદ જરૂર છે પરંતુ કડવાશ નથી. બંને દેશોના લોકો વચ્ચે ક્યારેય મતભેદ રહ્યા નથી.
• બીઆરઆઈમાં શું રહેશે? ચીનના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સામેલ થવા મુદ્દે નેપાળે કોઈ નક્કર નિર્ણય લીધો નથી. દેવાને લઈને વાત બની નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter