નવી દિલ્હીઃ ભારત અને 27 દેશોના સમૂહ યુરોપિયન યુનિયન (ઇયુ)એ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહ્ન અંકિત કર્યું છે. આ મહત્ત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર માટે બન્ને પક્ષકારો છેલ્લા 18 વર્ષથી વાટાઘાટો કરતા હતા એ જ તેનું મહત્ત્વ દર્શાવે છે. અન્યોન્યના આર્થિક વિકાસ માટે બહુ ઉપકારક એવા આ કરાર અંગે 16મી ભારત-ઇયુ સમિટ વેળા જાહેરાત કરાઇ હતી. ભારત સરકારે 27 તારીખે 27 દેશો સાથે કરેલો આ વેપાર કરાર 2027થી લાગુ થાય તેવી શક્યતા છે.
ભારત વિશ્વની ચોથા ક્રમની મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે ઇયુ બીજા ક્રમની. બન્ને મળીને વૈશ્વિક જીડીપીનો 25 ટકા અને વિશ્વના કુલ વેપારનો અંદાજે ત્રીજો ભાગ હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુક્ત વેપાર કરારથી રોકાણને વેગ મળશે, નવી ઇનોવેશન ભાગીદારી બનશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન મજબૂત થશે. આ માત્ર એક વેપાર સમજૂતી નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિનો રોડમેપ છે. જ્યારે યુરોપિયન કમિશન (ઇસી)ના ચેરમેન ઉર્સુલા વોન ડેર લેયને કહ્યું કે આ કરારથી વર્ષે 4 બિલિયન યુરો (43 હજાર કરોડ રૂપિયા)ના ટેરિફ દૂર થશે અને ભારત-યુરોપમાં રોજગારીની લાખો નવી તકો સર્જાશે. આ કરાર દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે કે આજની વૈશ્વિક અસમાનતાઓ અને પડકારોનો સૌથી શ્રેષ્ઠ જવાબ પરસ્પર સહયોગ છે, નહીં કે અલગ-થલગ રહીને લેવાયેલા નિર્ણયો.


