નવી દિલ્હીઃ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેઇન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યો છે ત્યારે ભારત-ઇયુ વચ્ચે 27 જાન્યુઆરીના રોજ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. જોકે આ કરારમાં કૃષિ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું છે.
ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાં યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષી વેપાર 135 બિલિયન ડોલર હતો. હવે બન્ને પક્ષે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) થવાથી વ્યાપારી સંબંધો વધારે મજબૂત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી યુરોપિયન કાઉન્સિલ (ઇસી) ચેરમેન એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશન (ઇસી)ના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેઈન 25થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 77મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં તેઓ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.
ભારત દ્વારા દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિદેશી મહાનુભાવોને આમંત્રિત કરાય છે. આ વર્ષે આવી રહેલા ઇયુના ટોચના નેતાઓ 27 જાન્યુઆરીએ યોજાનારી ભારત-યુરોપિયન યુનિયન સમિટમાં પણ ભાગ લેશે.
યુરોપિયન યુનિયનની સત્તાવાર યાદી મુજબ, ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવા અને મહત્ત્વના ક્ષેત્રોમાં જોડાણ મજબૂત બનાવવાના હેતુથી આ સમિટ યોજાઈ રહી છે. સમિટ દરમિયાન ટ્રેડ, સિક્યુરિટી, ડિફેન્સ, ક્લીન ટ્રાન્સિશન અને પીપલ ટુ પીપલ કો-ઓપરેશન અંગે ચર્ચા થશે.
ભારત મહત્ત્વનું ભાગીદારઃ કોસ્ટા
કોસ્ટાએ કહ્યું હતું કે, ઇયુ માટે ભારત મહત્ત્વનું ભાગીદાર છે. બંને પક્ષ પાસે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું રક્ષણ કરવાની ક્ષમતા છે. ભાગીદારીના નિર્માણ સાથે સહકારને વેગ આપવાની તક આ બેઠકમાં મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમિટ દરમિયાન ફ્રી ટ્રેડ ડીલ પર મંજૂરીની મહોર લાગશે. ઊંચા ટેરિફની બીક બતાવીને સમગ્ર વિશ્વમાં આર્થિક અરાજકતાનો માહોલ ઊભો કરી રહેલા અમેરિકાની જોહુકમી રોકવામાં પણ આ ડીલ મદદરૂપ થઈ શકે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ બંને પક્ષકારો વચ્ચે કરાર થઈ શકે છે.


