ભારત-ચીન લદ્દાખ ક્ષેત્રમાં આમનેસામને

લદ્દાખમાં ચીન અને પીઓકેમાં પાક. એક સાથે સક્રિયઃ કારગીલ જેવા ષડયંત્રની આશંકા

Wednesday 27th May 2020 05:04 EDT
 
સરહદી ક્ષેત્રમાં પહેરો ભરતાં ભારતીય જવાનો (ફાઈલ ફોેટો)
 

નવી દિલ્હી: લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા – એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પેંગોંગ ત્સો સરોવર નજીકના ફિંગર એરિયા વિસ્તારમાં ચીન બંકર બનાવી રહ્યું છે તો ગલવાન રિજનમાં ૩ જગ્યાઓ પર તેણે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. ભારતની ઉત્તરીય સરહદે ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે તેવા જ સમયે પાકિસ્તાને પણ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં વધારાનું સૈન્ય અને તોપો ખડકી રહ્યું છે. નિષ્ણાતો આને સાબદા થવાનો સંકેત ગણાવે છે.
સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ યોગાનુયોગ હોઈ શકે નહીં. ભારતવિરોધી એવા બંને પડોશી દેશોનું એક સાથે સક્રિય થવું એ ભારત માટે કારગીલ જેવા કોઈ મોટા ષડયંત્રની આશંકા પેદા કરી રહ્યું છે. ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આર્મી ચીફ મુકુંદ નરવાણેએ શનિવારે લદ્દાખ પ્રદેશની મુલાકાત લીધી હતી અને ટોચના અધિકારીઓને મળીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ચીન સાથેની નિયંત્રણ રેખા અને પાકિસ્તાન સાથેની અંકુશ રેખા પર થઈ રહેલી ગતિવિધિઓમાં તાલમેલ જોવા મળી રહ્યો છે અને તેને સંયોગ કહી શકાય નહીં. આ જ કારણે સલામતી એજન્સીઓ આ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. બધી સરહદો પર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે, જેથી બંને પડોશી મળીને કોઈ કાવતરું ઘડે તો તેમને જવાબ આપી શકાય.

આર્મી ચીફ સરહદે પહોંચ્યા

ચીન અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણમાં આર્મીના વડા મુકુંદ નરવાણેએ શનિવારે લદ્દાખની મુલાકાત લીધી હતી અને ઉત્તરીય કમાન્ડના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે લદ્દાખના ગલવાન રિજનમાં પહેલા કરતાં વધુ ભારે સૈન્ય વાહનો દેખાયા પછી તણાવ વધ્યો છે. ચીનના સૈનિકોએ લદ્દાખમાં ૩ પોઈન્ટ્સ પર ભારતીય ક્ષેત્રોનો ભંગ કર્યો છે. તેમાં પેટ્રોલ પોઈન્ટ ૧૪ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગોગરા પોસ્ટની નજીકની જગ્યાનો સમાવેશ થાય છે. અહેવાલો એવા સંકેત કરે છે કે તેમાંથી દરેક સ્પોટ પર ચીનના ૫૦૦થી વધુ સૈનિકો છે અને તે પણ ભારતીય ક્ષેત્રની અંદર. ચીનના સૈનિકોની નિયુક્તિ પછી ભારતીય સૈન્યે પણ આ વિસ્તારમાં વધુ સૈનિકો ગોઠવ્યા છે. પેંગોંગ ત્સો સરોવર નજીક ફિંગર એરિયામાં ચીન બંકર બનાવી રહ્યું હોવાના પણ અહેવાલ છે. ભારતીય જવાન ફિંગર ૫થી ૮ સુધીના વિસ્તારોમાં અનેક વર્ષોથી પેટ્રોલિંગ કરી રહ્યા છે જ્યારે ચીનના સૈનિક ફિંગર ૩ સુધીના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા હોય છે.

હવે ચીન ફિંગર ૩ અને ૪ની વચ્ચે બંકર બનાવી રહ્યું છે, જેનો આશય ભારતીય જવાનોને અન્ય વિસ્તારો સુધી પહોંચતા અટકાવવાનો છે. એલએસી અને એલઓસી પર પાકિસ્તાન અને ચીનની હિલચાલે કારગીલ યુદ્ધની યાદ તાજી કરી દીધી છે. ભારત કારગીલમાં પાકિસ્તાનને હરાવી રહ્યું હતું તેવા સમયે ચીને પેંગોંગ ત્સો સરોવરના કિનારે વિક્રમી સમયમાં પાંચ કિ.મી. લાંબો રસ્તો બનાવી દીધો હતો તે નોંધનીય છે.
ભૂતપૂર્વ ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર એસ. ડી. પ્રધાને જણાવ્યું કે ચીન અને પાકિસ્તાનનું જોડાણ પીઓકે અને અક્સાઈ ચીન ફરીથી પાછા મેળવવાના ભારતીય પ્રયાસોને ફટકો પહોંચાડી શકે છે. આ બંને ક્ષેત્રો ચીનના પ્રમુખ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સીપીઈસી માટે ખૂબ જ મહત્વના છે. વધુમાં અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ મર્યાદિત કરવા માટે પણ આ વિસ્તારો મહત્વના છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને અહીં ૧૦૦ જેટલા તંબુ બાંધ્યા છે. તે ઉપરાંત ભારે મશીનો પણ અહીંયા આવવાની શરૂઆત થઈ રહી છે.

સેટેલાઇટ ઇમેજમાં ચીની સૈનિકો

પૂર્વ લદ્દાખના ગલવાન ખીણ પ્રદેશમાં ચીની સૈન્ય ભારતીય હદમાં ત્રણ કિ.મી. સુધી ઘૂસી ગયું છે. ચીની સૈન્યની જમાવટ જોતાં ભારત પણ વિસ્તારમાં સૈન્ય જમાવટ વધારી રહ્યું છે. લદ્દાખમાં અંકુશરેખા નજીક અનેક સેક્ટરમાં ચીનના ૫૦૦૦ જેટલા સૈનિકો તૈનાત થઇ ચૂક્યા છે. યુરોપિયન સેટેલાઈટ દ્વારા જારી કરાયેલી તાજેતરની ઈમેજમાં આ સૈનિકોની હાજરી જોવા મળે છે. ભારત પણ ચીનની આ હરકતને જોતાં વિસ્તારમાં સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. આ જ મહિના ભારત અને ચીની સૈનિકો વચ્ચે વિવિધ સ્થળે ત્રણ વાર ઘર્ષણની ઘટના બની ચૂકી છે. એલઓસી નજીક દોલત બેગ ઓલ્ડી અને તેના આસપાસના વિસ્તારમાં ભારતની ૮૧ અને ૧૧૪ બ્રિગેડ તૈનાત છે તેની નજીક જ ચીને પોતાના સૈનિકો તૈનાત કર્યા છે.

ભારતનું મિરર ડિપ્લોયમેન્ટ

ચીને મોટા પ્રમાણમાં બોર્ડર ડિફેન્સ રેજિમેન્ટ (બીડીઆર) જવાનોને તહેનાત કર્યા છે. તો ભારતે પણ તેના વિરોધમાં મિરર ડિપ્લોયમેન્ટની રણનીતિ અપનાવી છે. મતલબ કે ચીન દ્વારા જેટલા સૈનિકો તહેનાત કરવામાં આવશે તેટલા જ જવાનો ભારતના પણ ગોઠવવામાં આવશે. ભારત હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે. સૈનિકો ઉપરાંત હોડીઓ અને હોલિકોપ્ટર્સ દ્વારા ચીન નિરીક્ષણ કરી રહ્યું છે. ભારતે પણ તેના જવાબમાં કેટલાક મિલિટરી યુનિટ ત્યાં તહેનાત કરાવ્યા છે. ઘણી બટાલિયન્સ પણ લદ્દાખમાં મોકલી છે.

બ્રિગેડ કમાન્ડરની મિટિંગ

ભારત-ચીન સરહદે બન્ને દેશના સૈનિકો વચ્ચે જીભાજોડી, ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓ મુદ્દે પેંગોંગના ફિંગર ૪ વિસ્તારમાં બ્રિગેડ કમાન્ડરોની ફ્લેગ મિટિંગ યોજાઇ હતી. છેલ્લા દોઢ મહિનામાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર તંગદિલીની ઘટનાઓ બાદ બન્ને દેશના સૈન્ય વચ્ચે કમાન્ડર સ્તરની આ પહેલી બેઠક હતી. સૂત્રોએ આ બેઠક અનિર્ણિત ગણાવી હતી. ભારત લદ્દાખના પૂર્વ વિસ્તારમાં રોડ નેટવર્ક મજબૂત કરી રહ્યું હોવાથી ચીનની આર્મીનો રઘવાટ ગયો છે. સંરક્ષણ નિષ્ણાત નિતિન ગોખલેએ કહ્યું કે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીન માટે કાંટારૂપ બન્યું છે.

દોભાલ મેદાનમાં ઉતર્યા

લદાખમાં ભારત - ચીની સૈન્ય વચ્ચે સંઘર્ષ થયા પછી ચીને ચાર કિલોમીટર દૂર સૈન્યની તૈનાતી કરી છે. ચીનની હિલચાલ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની નજર છે. ચીન સાથે સંઘર્ષ વધતા દોભાલને મેદાનમાં ઉતારાયા છે. ચીન આક્રમક પગલાં ભરવાની ફિરાકમાં હોવાનો દાવો ચીની મીડિયામાં થઈ રહ્યો છે. ચીને આ ક્ષેત્રમાં ગયા સપ્તાહમાં જ લશ્કરી કવાયત કરી હતી.

લદ્દાખના પેટાળમાં ધરબાયા છે મૂલ્યવાન ખનીજ

ચીનના સૈનિકો માત્ર વ્યૂહાત્મક દૃષ્ટિએ જ નહીં, પરંતુ એક વિશેષ આશયથી ભારતને ભારતીય ક્ષેત્રમાં જ રસ્તો બનાવતા અટકાવી રહ્યું છે તેમ નિષ્ણાતોનું માનવું છે. હકીકતમાં લદ્દાખના પર્વતીય વિસ્તારો યુરેનિયમ, ગ્રેનાઈટ, સોનું અને રેર અર્થ જેવી મૂલ્યવાન ધાતુઓથી ભરેલા છે. લદ્દાખના ગલવાન રિજનમાં જે જગ્યાએ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે તેની નજીક ગોગરા પોસ્ટ પાસે ‘ગોલ્ડન માઉન્ટેન’ છે.
બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિના કારણે આ વિસ્તારનો સર્વે થયો નથી, પરંતુ માનવામાં આવે છે કે આ વિસ્તારમાં સોના સહિત અનેક મૂલ્યવાન ધાતુઓ છુપાયેલી છે. અહીં અનેક વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા યુરેનિયમના ભંડાર છે. આ યુરેનિયમ પરમાણુ વીજળી બનાવવાની સાથે પરમાણુ બોમ્બ બનાવવા માટે પણ ઉપયોગી છે. ૨૦૦૭માં જર્મનીની લેબમાં લદ્દાખના ખડકોના નમૂનાની તપાસમાં ખુલાસો થયો હતો કે તેમાંથી ૫.૩૬ ટકા યુરેનિયમ મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter