નવી દિલ્હીઃ ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી ક્ષેત્રમાં સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરતું રહે છે. સોમવારે આવી જ એક ઘટના દરમિયાન ભારતીય સેનાએ ફાયરિંગ કરીને ચીની જવાનોને પાછા ખદેડ્યા હતા. ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં ગોળીબાર થયાની છેલ્લા સાડા ચાર દસકામાં આ પહેલી ઘટના છે.
પેંગોંગ ઝીલની દક્ષિણે આવેલા શેન્પાઓ વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ક્ષેત્રમાં તૈનાત ચીની જવાનોએ ભારતીય સેનાના લોકેશન તરફ આવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ભારતીય જવાનોએ તેમને આગળ ન વધવા ચેતવણી આપી હતી. આમ છતાં ચીની જવાનોએ આગેકૂચ ચાલુ રાખતા ભારતીય સેનાએ ફાયરિંગ કરીને તેમને પાછા કાઢ્યા હતા. સરહદી ક્ષેત્રમાં છેલ્લા ત્રણ માસથી ચાલી રહેલા ટેન્શનના પગલે ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે. ભારતીય સેનાનો આ અભિગમ દર્શાવે છે કે ગલવાન સેક્ટરમાં લોહિયાળ સંઘર્ષ બાદ હવે તેણે ચીન મામલે જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે.
બીજી તરફ, હરહંમેશની જેમ ચીને આ વખતે પણ દોષનો ટોપલો ભારત પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ચીની સેનાના વેસ્ટર્ન કમાન્ડના પ્રવક્તાએ એક નિવેદનમાં આ ઘટના સાતમી સપ્ટેમ્બરે પેંગોંગ ઝીલ ક્ષેત્રમાં બન્યાનું જણાવી આ ઘટના માટે ભારતીય સેનાને જવાબદાર ગણાવી હતી.
જોકે ચીનના આ આક્ષેપના જવાબમાં ભારતીય સેનાએ કહ્યું છે કે, પહેલું ફાયરિંગ ચીન તરફથી થયું હતું. ભારતીય સેનાના નિવેદન પ્રમાણે સાતમી સપ્ટેમ્બરે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) આપણી ફોરવર્ડ પોઝીશન નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા હોવા છતાં ભારતીય સૈનિકોએ જવાબદારીભર્યું વર્તન કર્યું હતું. ચીનના મીડિયા પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે, ચીનની આર્મીની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો ભારતીય આર્મીએ જવાબમાં વોર્નિંગ શોટ ફાયર કર્યા હતા.
ચીને સોમવારે શું અવળચંડાઇ કરી હતી?
ચીનના સૈનિકો આગળ વધીને ભારતીય વિસ્તારમાં કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ ભારતીય સેનાના લોકેશનની ઘણાં નજીક આવી ગયા હતા. ભારતીય સેનાએ તેમને પીછેહઠ માટે કહ્યું હતું. વિવાદ વધતા ભારતીય સેનાએ ચેતવણી આપીને હવામાં ફાયર કરવું પડ્યું હતું. આ વિસ્તાર રેચન લાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિવાદ દરમિયાન એક-બે નહીં પરંતુ ઘણાં રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ચીની સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ પછી ચીની સૈનિકો તેમના લોકેશન પર પરત ફર્યા હતા અને હાલ સ્થિતિ સામાન્ય છે.
ગલવાનમાં ૨૦ સૈનિકો ગુમાવ્યા પછી અને છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા વિવાદ પછી ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે. ભારતીય સૈનિકોને આદેશ છે કે, જો સ્થિતિ ખરાબ થવા લાગે અને ચીની સૈનિકો લોકેશન નજીક આવવાનો પ્રયત્ન કરે તો તેઓ ફાયરિંગ કરી શકે છે.
ભારત સૈનિકોને અંકુશમાં રાખેઃ ચીન
આ પૂર્વે પહેલી સપ્ટેમ્બરે ભારતમાં ચીની એમ્બેસેડરે એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સૈનિકોએ પેંગોંગ સો ઝીલના દક્ષિણ કિનારા પર ફરી એલએસી ક્રોસ કરી છે. ચીની સેનાના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કરનલ ઝાંગ શુઈલીએ પણ એવું કહ્યું હતું કે, ભારતે તેમના સૈનિકોને નિયંત્રણમાં રાખવા જોઈએ. તેમના જણાવ્યા પ્રમાણે જ્યારે ચીનના બોર્ડર ગાર્ડ્સે તેમને રોક્યા ત્યારે ભારતીય સૈનિકોએ ગોળી ચલાવી હતી. ત્યારપછી પીએલએના સૈનિકોએ સ્થિતિ સંભાળવી પડી હતી.
પેંગોંગમાં ચીન કેમ ગભરાયેલું છે?
ચીનના ગભરાટનું પહેલું કારણ તો એ છે કે બ્લેક ટોપ અને હેલમેટ ટોપ પર ભારતીય સેનાએ મજબૂત પોઝિશન લીધા પછી ચીનની પોસ્ટ ભારતીય ફાયરિંગની રેન્જમાં છે. ચીનના ગભરાટનું બીજું કારણ એ છે કે ભારતીય સૈનિકો ઉંચાઈ પર છે, જ્યારે ચીનની પોસ્ટ નીચે છે. ચીનની પોઝિશન અને ટ્રુપને ભારતીય વિસ્તારમાંથી જોઈ શકાય છે. અને તેના પર નજર પણ રાખી શકાય છે. જ્યારે ત્રીજું કારણ એ છે કે આપણી પોઝિશનથી ચીનના ભારતીય વિસ્તારોમાં એન્ટ્રી પોઈન્ટ્સ બંધ થઈ ગયા છે. જે વિસ્તારને એલએસી ગણાવીને ચીન ભારતીય સીમામાં પેટ્રોલિંગ કરતા હતા ત્યાં હવે ભારતીય સેનાનો દબદબો છે.
ત્યારે પણ ચીને આ રીતે જ દગો કર્યો હતો
બંને દેશોની સીમા પર આ પહેલાં ૪૫ વર્ષ પહેલાં ગોળી ચાલી હતી. ૨૦ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ અરુણાચલ પ્રદેશના તુલુંગ લામાં ચીનના આસામ રાઈફલની પેટ્રોલિંગ પાર્ટી પર દગાથી એમ્બુશ લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના ૪ જવાન શહીદ થયા હતા. જ્યારે આ વર્ષે જૂનમાં ગલવાનમાં બંને દેશો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ૨૦ સૈનિકો શહીદ થયા હતા. જોકે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝપાઝપી દરમિયાન ચીન અને ભારતના સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો નહોતો.
ભારતીય સેનાએ પેંગોંગ સો ઝીલ વિસ્તારના મહત્વના મુકામ પર કબજો કર્યો. છેલ્લા બે સપ્તાહમાં ભારતીય અને ચીની સેના બે વાર આમનેસામને આવ્યા છે. ૩૧ ઓગસ્ટની બપોરે પણ ચીની સેનાએ ભારતીય વિસ્તાર પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે તે પહેલાં ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ચીનના પ્રયત્નો નિષ્ફળ કરતાં ભારતીય સેનાએ પેંગોંગ ઝીલના દક્ષિણ વિસ્તારમાં આવેલા મહત્વના બે વિસ્તાર બ્લેક ટોપ અને હેલમેટ ટોપ પર કબજો કરી લીધો હતો.
રણનીતિના ભાગરૂપે આ બંને જગ્યાઓ ખૂબ મહત્વની માનવામાં આવે છે. અહીંથી ચીની સૈનિકો ખૂબ ઓછા અંતરે આવેલા છે.
રવિવાર અને સોમવારની રાતે ચીની સૈનિકોએ આ જગ્યાઓ પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાની સ્પેશિયલ ઓપરેશન બટાલિયને તેમને ત્યાંથી ખદેડી દીધા હતા અને આખો વિસ્તાર કબજે કરી લીધો હતો.
ત્રણ હિલટોપ પર ભારતીય સેનાનો વ્યૂહાત્મક કબજો
ભારતીય સેનાએ સમગ્ર પેંગોંગ ત્સો વિસ્તાર પર ચાંપતી નજર રાખી શકાય તેવા બ્લેક ટોપ, હેલમેટ ટોપ સહિતના ૩ હિલટોપ અને રેકિન લા પાસ પર વ્યૂહાત્મક કબજો જમાવીને ચીની સેનાને મોટી લપડાક મારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ચીની સેનાએ બ્લેક ટોપ સહિત સમગ્ર એલએસી પર આધુનિક કેમેરા અને સર્વેલન્સ ઇક્વિપમેન્ટ ગોઠવી રાખ્યા હતા. ભારતીય સેનાએ બ્લેક ટોપ પર કબજો જમાવ્યા પછી ચીને ગોઠવેલા કેમેરા અને સર્વેલન્સ ઇક્વિપમેન્ટનો નાશ કર્યો હતો.
ચીની સેના વધુ ઉંબાડિયું કરે તેનો જવાબ આપવા ભારતે આ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન યુનિટ અને શીખ લાઇટ ઇન્ફન્ટ્રીની ટુકડીઓ તહેનાત કરી દીધી છે. ભારતે આ વિસ્તારમાં આર્મર્ડ રેજિમેન્ટ, બીએમપી ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ અને વિવિધ પ્રકારની ટેન્ક તહેનાત કરી છે. ચીની સેનાએ પણ બ્લેક ટોપની નજીક મોટી સંખ્યામાં ટેન્ક, સૈનિક વાહન અને ટુકડીઓ તહેનાત કરી છે.
એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે, ચીની સેના હેવી કેલિબર વેપન્સ સાથે આક્રમક વલણ અપનાવી રહી છે. ભારતીય સેનાએ હવે વ્યૂહાત્મક ઊંચાઇઓ પર પોતાની હાજરી સુનિશ્ચિત કરી લીધી છે જેથી ચીનની તમામ હરકત પર નજર રાખી શકાય. હાલ સ્થિતિ અત્યંત તણાવભરી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ચીની સેનાએ અગાઉ થયેલી સમજૂતીનું ઉલ્લંઘન કરીને ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે પેંગોંગ લેકના દક્ષિણકિનારા પર યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ દેશની અખંડતા અને હિતોનાં રક્ષણ માટે એલએસી પર સંરક્ષણાત્મક પગલાં લીધાં હતાં.