ભારત જાપાનને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી

Wednesday 28th May 2025 04:55 EDT
 
 

નવી દિલ્હી: વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી તરીકે સ્થાન હાંસલ કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએએમ)ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકનાં એપ્રિલ 2025નાં રિપોર્ટ મુજબ ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.
રિપોર્ટ મુજબ 2026માં ભારતની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) આશરે 4187 બિલિયન યુએસ ડોલર રહેવા શક્યતા છે. જ્યારે આ જ ગાળામાં જાપાનની ઈકોનોમી આશરે 4186 બિલિયન ડોલર રહેશે. આમ ભારતે વિશ્વ આર્થિક મંચ પર સૌથી મોટી છલાંગ લગાવી છે.
નીતિ આયોગનાં સીઇઓ બી.બી.આર. સુબ્રમણ્યમે શનિવારે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ભારતે જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી તરીકે સ્થાન મેળવ્યું છે. આ આંકડો આઇએમએફનાં તાજા આંકડાઓ પર આધારિત છે. તેમણે જાહેર કર્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી બની ગયું છે.
ભારતીય ઇકોનોમી 4 ટ્રિલિયન ડોલરને પાર
તેમણે કહ્યું હતું કે ભારતની ઈકોનોમીએ 4 ટ્રિલિયન યુએસ ડોલરનો આંક વટાવ્યો છે. આ આંકડા આઇએમએફએ જાહેર કર્યા છે. વિશ્વની ત્રણ સૌથી મોટી ઈકોનોમી અમેરિકા, ચીન અને જર્મની પછી હવે ભારતનો ચોથો નંબર આવે છે. જો આ રીતે જ ભારતનો આર્થિક વિકાસ સતત જળવાયેલો રહેશે
તો આવનારા બે કે ત્રણ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઈકોનોમી બની જશે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ભારતનાં પીએમ મોદીની દૂરંદેશીને કારણે એ બધું શક્ય બન્યું છે. ભારત 2028 સુધીમાં જર્મનીને પછાડીને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઈકોનોમી બની જશે.
વિકસિત ભારત 2047ઃ હવે ટેક-ઓફ સ્ટેજમાં
નીતિ આયોગની બેઠકમાં વિકસિત રાજ્યો દ્વારા વિકસિત ભારત 2047 વિષય પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગહન ચર્ચા થઈ હતી. નીતિ આયોગનાં સીઈઓએ કહ્યું કે આ બેઠકમાં મેન્યુફેકચરિંગ, સર્વિસિસ, ગ્રામીણ અને શહેરી બિનકૃષિ ક્ષેત્રનો વિકાસ, અનૌપચારિક ક્ષેત્રો, ગ્રીન અને સરક્યુલર ઈકોનોમી જેવા મહત્વનાં મુદ્દા પર ચર્ચા કરાઇ હતી. સુબ્રમણ્યમે કહ્યું કે ભારત હવે એક એવા મુકામ પર આવીને ઊભું છે કે જ્યાં તેની ઈકોનોમી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ભારત હવે ટેક-ઓફ સ્ટેજ પર છે. ગ્લોબલ અને ઈકોનોમિક માહોલ ભારત માટે અનુકૂળ બની રહ્યો છે.
આવતા વર્ષે ભારતની જીડીપી 4187 બિલિયન ડોલર
આઈએમએફનાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક મુજબ વર્ષ 2026માં ભારતની જીડીપી આશરે 4187બિલિયન ડોલર રહેશે જ્યારે જાપાનની જીડીપી આશરે 4186 બિલિયન ડોલર રહેવા સંભાવના છે. આઇએમએફનાં જણાવ્યા મુજબ ભારત 2025 અને 2026માં ક્રમશઃ 6.2 ટકા અને 6.3 ટકાના દરે વિકાસ કરશે. જ્યારે આથી ઊલટું વિશ્વની ઈકોનોમીનો વિકાસ દર 2025માં 2.8 ટકા અને 2026માં 3 ટકા રહેવાની સંભાવના છે. આમ આ આંકડા ભારતનાં ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે.
ટ્રમ્પની ટેરિફ પણ ભારતના ગ્રોથને રોકી શકશે નહીં
આખી દુનિયામાં યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટેરિફ પ્લાને હલચલ મચાવી છે અને નાની-મોટી ઈકોનોમી હચમચી ગઇ છે તેવા સમયે ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી તરીકે સ્થાન મેળવ્યું છે. ટ્રમ્પ ટેરિફ પણ ભારતનાં ગ્રોથને રોકી શકી નથી. પાકિસ્તાન સાથેનાં તણાવની પણ ભારતનાં આર્થિક વિકાસ પર કોઈ માઠી અસર થઈ નથી. ભારતનાં આર્થિક વિકાસની ગાડી પુરપાટ દોડી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter