એશિયા પાવર ઈન્ડેક્સ 2026ઃ ભારત ત્રીજો શક્તિશાળી દેશ, વડાપ્રધાન મોદી બીજા સબળ નેતા

Wednesday 25th November 2026 04:20 EST
 
 

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે ભારતના પ્રભાવ અને ક્ષમતામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો હોવાની વાતને વૈશ્વિક રેન્કિંગ એજન્સીઓએ પણ સમર્થન આપ્યું છે. એશિયા પાવર ઈન્ડેક્સ 2026ની યાદીમાં ભારતે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના લોવી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જારી કરાયેલાં 2026 એશિયા પાવર ઈન્ડેક્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ક્રમની વૃદ્ધિ સાથે એશિયા ક્ષેત્રના બીજા સૌથી અસરકારક નેતા તરીકે સ્થાન હાંસલ કર્યું છે.
અહેવાલ મુજબ, ભારતનો કુલ સ્કોર 0.5 પોઈન્ટ વધીને 40.5 થયો છે, જે આ ક્ષેત્રના ટોચના 10 દેશોમાં સૌથી મોટો સુધારો છે. બીજી તરફ, ચીનનો સ્કોર 0.1 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 73.6 રહેવા પામ્યો છે. આ ફેરફારને કારણે બંને દેશો વચ્ચે 33.1 પોઈન્ટનો તફાવત રહ્યો છે. આ સાથે જ ભારત અને ચીનના કુલ પાવર સ્કોર વચ્ચેનું અંતર ઘટીને 2018 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.
ચીન ભારત કરતાં ઘણું આગળ
વર્ષ 2018માં આ ઇન્ડેક્સ શરૂ થયા પછીનું આ સૌથી ઓછું અંતર છે. જોકે એકંદર શક્તિની બાબતમાં ચીન હજુ પણ ભારત કરતાં ઘણું આગળ છે. ભારતે સતત ત્રીજી આવૃત્તિમાં પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. 78.9ના સ્કોર સાથે અમેરિકા પ્રથમ અને ચીન બીજા સ્થાને
છે. ઇન્ડેક્સની ‘મેજર પાવર’ શ્રેણીમાં ભારત હજુ પણ એકમાત્ર દેશ છે. તે પછીના ત્રણ સ્થાનો પર જાપાન, રશિયા અને ઓસ્ટ્રેલિયા છે.
અહેવાલમાં જણાવ્યાં અનુસાર, તુલનાત્મક આર્થિક ક્ષમતામાં ઘટાડો અને આંતરિક પડકારોવાળા વર્ષ છતાં ભારતે એશિયામાં અગાઉ કરતાં વધુ પ્રભાવશાળી ભૂમિકા નિભાવી છે.
અહેવાલના તારણો અનુસાર, રાજદ્વારી સંબંધો, સંરક્ષણ ભાગીદારી, સાંસ્કૃતિક પહોંચ અને લાંબા ગાળાની વસ્તી વિષયક ક્ષમતાના આધારે ભારતનો પ્રાદેશિક પ્રભાવ વધી રહ્યો છે. જોકે, અહેવાલમાં આર્થિક ક્ષમતા અને સંરક્ષણ નેટવર્કમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જે ભારતના વધતા પ્રભાવ અને એશિયાની બે મહાસત્તાઓની સરખામણીમાં તેના ઘણાં નાના કુલ સંસાધન આધાર વચ્ચેનો તફાવત દર્શાવે છે.
મોદીના પ્રાદેશિક નેતૃત્વના રેન્કિંગમાં સુધારો
આ ઇન્ડેક્સનું એક નોંધપાત્ર તારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વના મૂલ્યાંકનમાં થયેલો સુધારો છે. 2025ના ઈન્ડેક્સમાં વડાપ્રધાન મોદી પાંચમા સ્થાને હતાં, જ્યાંથી ત્રણ સ્થાન આગળ વધીને 2026માં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી બીજો ક્રમ હાંસલ કર્યો છે. 2026ના આ ઇન્ડેક્સમાં 27 દેશો અને પ્રદેશોનું 131 સૂચકાંકોના આધારે મૂલ્યાંકન કરાયું હતું. જેમાં આર્થિક-સૈન્ય તાકાત, સ્થિતિસ્થાપકતા, ભવિષ્યના સંસાધનો, આર્થિક સંબંધો, સંરક્ષણ નેટવર્ક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવ વગેરે જેવી બાબતોની સમીક્ષા કરાઈ હતી.
રિપોર્ટનું તારણ ઉડતી નજરે...
• એશિયાની ટોચની 10 શક્તિઓમાં ભારતે સૌથી વધુ પ્રગતિ હાંસલ કરી
• એશિયાના પ્રાદેશિક નેતૃત્વ રેન્કિંગમાં વડાપ્રધાન મોદી પાંચમા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યા
• ચીનથી આગળ નીકળીને ભારત વૈશ્વિક રોકાણના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું
• 2025માં, ભારતે મેજર પાવરનો દરજ્જો પાછો મેળવવા માટે 40-પોઇન્ટની મર્યાદા પાર કરી હતી અને હવે ભારતે સતત ત્રીજી આવૃત્તિ માટે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે અને જાપાન પરની પોતાની લીડ વધારી છે.
• વડાપ્રધાન મોદી 2025માં પાંચમા સ્થાને હતા અને 2026માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી ત્રણ સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચ્યા છે.
• લોવીએ ઇન્ડેક્સ શરૂ કર્યો ત્યારથી ભારત અને ચીન વચ્ચેનું એકંદર અંતર ઘટીને સૌથી ઓછું થઈ ગયું છે.
• વૈશ્વિક રોકાણ પ્રવાહમાં ભારત ચીનથી પણ આગળ રહીને બીજા સ્થાને છે.
• રોકાણ આકર્ષવામાં ભારત અમેરિકા પછી બીજા સ્થાને
• લશ્કરી ક્ષમતાની વાત કરીએ તો ભારત 100માંથી 100 ગુણ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ચીન (85.3) બીજા ક્રમે અને અમેરિકા (64.8) ત્રીજા સ્થાને છે. સક્રિય લશ્કરી અને અર્ધલશ્કરી દળોના કદ, તેમની તાલીમ અને સજ્જતા તથા તેઓ કેટલા અસરકારક રીતે સંગઠિત છે તેના આધારે આ મૂલ્યાંકન કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter