ભારત દાયકામાં આર્થિક મહાસત્તા બનવા સક્ષમઃ મનમોહન સિંહ

Saturday 16th September 2023 06:32 EDT
 
 

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તમામ વૈશ્વિક દબાણ છતાં કેન્દ્ર સરકારે ભારતના હિતોને ઉપર રાખીને કામ કર્યું છે, જે પ્રશંસનીય છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જી-20 શિખર સંમેલનથી લઈને ચંદ્ર અભિયાનની સફળતા સુધી અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. કોંગ્રેસ પક્ષના નેતૃત્વવાળા તત્કાલીન યુપીએ સરકારના વડાએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતે નવી વિશ્વ વ્યવસ્થાને રસ્તો બતાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે દાવો કર્યો હતો કે ભારત આગામી પાંચ વર્ષમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ તેમનું સમર્થન કર્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે ભારત આગામી દાયકામાં સર્વિસીસની સાથે મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન પર ભાર આપીને દુનિયાની આર્થિક મહાશક્તિ બની શકે છે.
વર્ષ 2004થી 2014ના એક દાયકા સુધી ભારતના વડાપ્રધાન રહેલા મનમોહન સિંહે કહ્યું કે તેઓ ભારતના ભવિષ્ય અંગે ખૂબ જ આશાવાદી છે. જોકે, તેમણે ઉમેર્યું કે, દેશનું ભવિષ્ય સામાજિક સૌહાર્દના મજબૂત પાયા પર ઊભેલું હોવું જોઈએ.
તેમણે ભારતના અધ્યક્ષપદે યોજાયેલા જી-20 શિખર સંમેલન અંગે હૃદયસ્પર્શી વાત કરતા કહ્યું, ‘ભારતને જી-20ના અધ્યક્ષપદની જવાબદારી મારા જીવનકાળામાં મળી અને હું ભારતને જી-20 શિખર સંમેલનમાં આવી રહેલા વિશ્વ નેતાઓની યજમાની કરતાં જોઈ રહ્યો છું તે મારા માટે આનંદની વાત છે.’ કોંગ્રેસ નેતા મનમોહન સિંહે કહ્યું કે વૈશ્વિક સમુદાયમાં ભારતની સ્થિતિ મહત્વની થઈ છે. વિશેષરૂપે રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી દેશો તથા ચીન વચ્ચે વધતા દબાણ વચ્ચે વૈશ્વિક સ્તરે વ્યવસ્થા હવે ખૂબ જ બદલાઈ ગઈ છે. વૈશ્વિક દબાણ છતાં આપણે પોતાની સંપ્રભુ અને આર્થિક હિતોને આગળ રાખ્યા અને શાંતિની અપીલ પણ કરી છે. જી-20ને ક્યારેય સુરક્ષા સંબંધિત સંઘર્ષોના ઉકેલ માટેના મંચ તરીકે જોવામાં આવ્યું નથી. જી-20 માટે સુરક્ષા મતભેદોને અલગ રાખવા અને નીતિગત સમન્વય પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. જેથી જળવાયુ, અસમાનતા અને વૈશ્વિક વેપારમાં વિશ્વાસના પડકારોનો સામનો કરી શકાય.
મનમોહન સિંહે ઉમેર્યું કે, પીએમ મોદીને જટિલ કુટનીતિક બાબતોનો ઉકેલ લાવવા મામલે તેઓ કોઈ સલાહ આપવાનું યોગ્ય માનતા નથી. તેમણે ચીનના પ્રમુખ શી જિનપિંગના જી-20 સમિટમાં ભાગ લેવા દિલ્હી નહીં આવવાની બાબતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે ચંદ્રયાન-3ની સફળતા અંગે કહ્યું કે, આ ખૂબ જ ગર્વની બાબત છે કે ઈસરો ફરી એક વખત તેની ક્ષમતા વિશ્વ સમક્ષ સાબિત કરવામાં સફળ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter