ભારત પ્રગતિના નિર્ણાયક વળાંકે...

Tuesday 15th August 2023 17:35 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના 77મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસના પંથે હરણફાળ ભરી રહેલો ભારત દેશ પ્રગતિના નિર્ણયાત્મક વળાંકે પહોંચ્યો છે. વડાપ્રધાને તેમના 90 મિનિટના સંબોધનમાં દેશના આર્થિક વિકાસની સાથે સાથે મણિપુર હિંસા અને દેશમાં વિવિધ ક્ષેત્રે થયેલા અને થઇ રહેલા સુધારાઓની પણ વાતો કરી હતી. તેમણે સરકારની 10 વર્ષની કામગીરીનું રિપોર્ટકાર્ડ રજૂ કરતાં દાવો કર્યો હતો કે 2024માં ફરી અહીંથી તિરંગો લહેરાવીશ.

લોકલાડીલા નેતા મોદી આ વખતે ઓફ-વ્હાઈટ કુર્તા અને ગ્રે જેકેટમાં જોવા મળ્યા હતા તો માથે સાફો શોભતો હતો. આ વર્ષે તેમણે જોધપુરી બાંધણી પ્રિન્ટનો સાફો પહેર્યો હતો, જેમાં પીળો, લીલો અને લાલ રંગ હતો.
વડાપ્રધાને તેમના 90 મિનિટના સંબોધનમાં દેશવાસીઓને પરિવારના સભ્યો તરીકે સંબોધતા ત્રણ બાબતની ગેરંટી આપી હતી. એક તો, આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ઉભરશે. બીજી ખાતરી એ હતી કે શહેરોમાં ભાડાનાં મકાનોમાં રહેતા લોકોને બેંક લોનમાં રાહત મળશે. અને ત્રીજી ખાતરી એ હતી કે દેશભરમાં 10 હજારથી 25 હજાર જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.

વિશ્વભરમાં વસતાં ભારતીયોએ મંગળવારે 77મા સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી. પાટનગરમાં વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો તે વેળા 21 તોપની સલામી અપાઇ હતી. આ પહેલાં તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધન કરતા મોદીએ દાવો કર્યો હતો કે તેઓ 2024માં પણ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે.

સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ
તેમણે કહ્યું કે આજે 15 ઓગસ્ટ, મહાન ક્રાંતિકારી શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી પૂર્ણ થઈ રહી છે. આ વર્ષ સ્વામી દયાનંદ સરસ્વતીની 150મી જન્મજયંતીનું વર્ષ છે. આ વખતે જ્યારે આપણે 26 જાન્યુઆરીની ઉજવણી કરીશું ત્યારે તે આપણા પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠ હશે. હું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર તમામ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

140 કરોડ દેશવાસીઓને અભિનંદન
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વસ્તીની દૃષ્ટિએ પણ આપણે નંબર વન દેશ છીએ. આજે આપણે આઝાદીનો તહેવાર ઊજવી રહ્યા છીએ. દેશ અને દુનિયામાં ભારતને પ્રેમ અને આદર આપનારા કરોડો લોકોને હું આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પૂજ્ય બાપુના નેતૃત્વમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે બલિદાન આપ્યું છે, ત્યાગ કર્યો છે, તપસ્યા કરી છે, હું તે બધાને આદરપૂર્વક નમન કરું છું.

આ સમયગાળો લખશે સુવર્ણ ઈતિહાસ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમયગાળાના નિર્ણયો હજાર વર્ષનો સુવર્ણ ઇતિહાસ લખશે. બલિદાન અને તપસ્યાનું તે વ્યાપક સ્વરૂપ આપણને 1947માં આઝાદીના રૂપમાં મળ્યું. અમૃતકાળનો આ સમયગાળો, આવનારાં એક હજાર વર્ષનો સુવર્ણ સમયગાળો અંકુરિત કરવાનો છે. આપણે જે પણ નિર્ણય લઈએ છીએ તે આપણું ભાગ્ય લખતા હોય છે. હું દેશનાં પુત્ર-પુત્રીઓને કહેવા માંગુ છું કે, આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે જવલ્લે જ કોઈના ભાગ્યમાં હોય છે. જે મળ્યું છે તેને ચૂકશો નહીં. હું યુવા શક્તિમાં વિશ્વાસ કરું છું. આજે મારા યુવાનોએ ભારતને વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્થાન અપાવ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહી છે.

સપનાં ઘણાં છે, નીતિઓ સ્પષ્ટ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું, સપનાં ઘણાં છે, નીતિઓ સ્પષ્ટ છે. નિયતની સામે કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પરંતુ કેટલાંક સત્યો સ્વીકારવાં પડશે. આજે હું તેના ઉકેલ માટે તમારી મદદ લેવા લાલ કિલ્લા પર આવ્યો છું. હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અનુભવના આધારે હું કહું છું કે આપણે એ બાબતોને ગંભીરતાથી લેવી પડશે, આઝાદીના સુવર્ણકાળમાં જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે વિશ્વમાં વિકસિત ભારતનો તિરંગો ઝંડો હોવો જોઈએ. ભારતની ક્ષમતામાં ક્યારેય કોઈ કમી નથી. જ્યારે દેશ 2047માં આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત એક વિકસિત દેશ હશે.

તિરંગા નીચેથી 10 વર્ષનો હિસાબ
વડાપ્રધાને કહ્યું, અમે અલગ આયુષ મંત્રાલય બનાવ્યું છે. આજે યોગ અને આયુષ અલગ-અલગ વિજયપતાકા લહેરાવી રહ્યા છે. અમે દેશના ખૂણે ખૂણે અલગ-અલગ સહકારી મંત્રાલયો બનાવ્યાં છે. જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિનો વિકાસ થાય. જેથી તે પણ રાષ્ટ્રના યોગદાનમાં ભાગીદાર બની શકે. અમે સહયોગ દ્વારા યોગદાનનો માર્ગ અપનાવ્યો છે. જ્યારે અમે 2014માં સત્તા પર આવ્યા ત્યારે આપણે વૈશ્વિક અર્થતંત્રમાં 10મા ક્રમે હતા. આજે આપણે પાંચમા નંબરની અર્થવ્યવસ્થા પર પહોંચી ગયા છીએ. ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને પકડમાં લઇ રહ્યો હતો. અમે આ બધું બંધ કરી દીધું. મજબૂત અર્થતંત્ર બનાવ્યું. ગરીબોના કલ્યાણ માટે વધુમાં વધુ નાણાં ખર્ચવાનું આયોજન કર્યું. આજે દેશની શક્તિ વધી રહી છે. જો ગરીબો માટે એક-એક પૈસો ખર્ચતી સરકાર હોય તો તેનું પરિણામ શું આવે છે તે જોઈ શકાય છે. હું તિરંગા નીચેથી 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું.

તમે મોદીને સુધારાની શક્તિ આપી
મોદીએ કહ્યું, 2014માં તમે મજબૂત સરકારની રચના કરી. 2019માં પણ તમે ફરી સરકાર બનાવી. તેથી મોદીને સુધારાની હિંમત મળી. મોદીએ જ્યારે સુધારા કર્યા ત્યારે નોકરિયાત વર્ગે પરિવર્તન કરવાની જવાબદારી નિભાવી. જનતા જનાર્દન આ સાથે જોડાઈ ગઇ. આમાંથી પરિવર્તન પણ દેખાય છે. અમારું વિઝન એવા પરિવર્તનને પ્રોત્સાહન આપવાનું છે જે 1000 વર્ષ સુધી આપણા ભવિષ્યને આકાર આપશે. આપણી યુવા શક્તિ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની જરૂરિયાતો પૂરી કરવામાં સફળ રહેશે તેનો મને વિશ્વાસ છે.

અમારો ઉદ્દેશ્ય મોંઘવારીમાંથી મુક્તિનો
પીએમ મોદીએ કહ્યું, જ્યારે આવકવેરામાં છૂટ વધે છે, ત્યારે સૌથી વધુ લાભ નોકરિયાત વર્ગને મળે છે. કોરોના પછી યુદ્ધે દુનિયામાં નવી મુશ્કેલી ઊભી કરી છે. વિશ્વ મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. દુનિયામાંથી પણ માલસામાન લાવીએ છીએ, મોંઘવારીને કારણે આયાત કરવી પડે છે એ આપણી કમનસીબી છે. ભારતે ફુગાવાને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. અમને સફળતા પણ મળી છે. જોકે આપણે એવું વિચારીને બેસી શકતા નથી કે આપણા માટે દુનિયા કરતાં વધુ સારી પરિસ્થિતિ છે. અમારો ઉદ્દેશ્ય દેશને મોંઘવારીમાંથી મુક્ત કરવાનો છે. આ માટે અમારા પ્રયાસો ચાલુ રહેશે.

સમગ્ર દેશ મણિપુરની સાથે
મોદીએ સંબોધનમાં મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને મણિપુરમાં, હિંસાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. માતા-દીકરીઓના સન્માન સાથે રમત રમાઈ છે, પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર મળી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશ મણિપુરના લોકોની સાથે છે. મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે તે શાંતિ જાળવી રાખે. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે.

તકની કોઈ કમી નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તકની કોઈ કમી નથી. તમે ઈચ્છો તેટલી તકો આપવા માટે દેશ સક્ષમ છે. દેશમાં વિશેષ શક્તિ ઉમેરાઈ રહી છે, માતા-બહેનોની શક્તિ. આ તમારી મહેનત છે. ખેડૂતોની શક્તિ ઉમેરાઈ રહી છે, દેશ કૃષિ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. હું કામદારો અને મજૂરોને અભિનંદન આપવા માંગું છું.

સોશિયલ મીડિયા પર ભારતીયોને શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6.15 કલાકે સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. PMએ લખ્યું હતુંઃ સ્વતંત્રતા દિન પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિન્દ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter