ભારત-ફ્રાન્સ વચ્ચે ૩૬ રફાલ યુદ્ધવિમાનો ખરીદવા કરાર

Wednesday 27th January 2016 05:43 EST
 
ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ યુદ્ધવિમાનો અંગેના કરાર અંગે પત્રકાર પરિષદને સંબોધતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદે
 

નવી દિલ્હીઃ ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થવા સાથે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદેએ ભારતની ત્રિદિવસીય મુલાકાત લીધી હતી. મુલાકાતના બીજા દિવસે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં અંદાજે ૯ બિલિયન ડોલરના ખર્ચે ૩૬ રફાલ યુદ્ધવિમાનો ખરીદવા બંને દેશોની સરકારો વચ્ચે કરાર થયા હતા. 

જોકે આ બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સોદાની નાણાકીય બાબતો આગામી સમયમાં નક્કી કરાશે. રફાલ સોદામાં હવે ફક્ત નાણાકીય બાબતો પર જ નિર્ણય બાકી રહ્યો છે. બંને દેશોની સરકારો વચ્ચેના કરારને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે.
આ બેઠકમાં ભારત – ફ્રાન્સ રફાલ સહિત ૧૪ કરારો કરાયા હતા. જેમાં ફ્રાન્સનો ભારતીય રેલવે સાથે ૮૦૦ લોકોમોટિવના ઉત્પાદન માટેનો કરાર તથા ફ્રાન્સની કંપનીઓ પાંચ વર્ષમાં ભારતમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે તે અંગેના કરારો પણ મુખ્ય હતા.
બંને નેતાઓએ આતંકવાદ સામેની લડાઇ, સુરક્ષા અને નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહકાર વધારવા દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી. રફાલ સોદા અંગે ઓલાંદેએ જણાવ્યું હતું કે, આ એક નિર્ણાયક પગલું હતું. કેટલાક નાણાકીય મુદ્દાઓનો ઉકેલ થોડા દિવસોમાં આવી જશે. ૨૦૧૫માં મોદીની ફ્રાન્સ મુલાકાત વખતે ફ્રાન્સ સરકાર ભારતને તાત્કાલિક ૩૬ રફાલ વિમાનો આપવા સહમત થઇ હતી.
આતંકવાદ સામે લડવા ભારત અને ફ્રાન્સ પ્રતિબદ્ધ : ઓલાંદે
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ એવા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદે રવિવારે ભારતની ત્રણ દિવસની મુલાકાતે ચંડીગઢ આવી પહોંચ્યા હતા. ચંડીગઢનાં વિમાનીમથકે પંજાબ અને હરિયાણાના રાજ્યપાલ અને ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર કપ્તાનસિંહ સોલંકીએ ઓલાંદેનું સ્વાગત કર્યું હતું. ઓલાંદેનાં આગમન સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા સ્વાગત કર્યું હતું. ઓલાંદેના આગમન બાદ મોદી ચંડીગઢ પહોંચ્યા હતા. બપોરે ૩ કલાકે ઓલાંદે અને મોદી વચ્ચે ચંડીગઢના જાણીતા રોકગાર્ડન ખાતે મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ કેપિટોલ કોમ્પ્લેક્સ, સરકારી સંગ્રહાલય અને આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી. બપોરે ૪ કલાકે તાજ હોટેલ ખાતે મોદી અને ઓલાંદે ઇન્ડો ફ્રાન્સ બિઝનેસ સમિટમાં જોડાયા હતા, ચંડીગઢથી ઓલાંદે પ્રભાવિત
ચંડીગઢની મુલાકાતે પહોંચેલા ઓલાંદેએ જણાવ્યું હતું કે, ચંડીગઢ ઘણું સુંદર શહેર છે. ચંડીગઢ સ્વીસ-ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કોર્બુઝિયર દ્વારા ભારતને અપાયેલી ભેટ છે. મને અહીં મુલાકાત કરાવવા બદલ હું ભારતનો આભારી છું.
ભારત અને ફ્રાન્સ વચ્ચે ૧૪ કરાર
ભારત અને ફ્રાન્સ વચ્ચે સોમવારે સ્પેસ ટેક્નોલોજી, ફૂડ સેફ્ટી, સ્માર્ટ ગવર્નન્સ, મેરિટાઇમ કો-ઓપરેશન અને રેલવે ક્ષેત્રોમાં ૧૪ કરાર થયા હતા. ફ્રાન્સની આલ્સ્ટોમે ભારતીય રેલવે સાથે ૮૦૦ લોકોમોટિવના ઉત્પાદન માટે કરાર કર્યો હતો. આ ઉપરાંત સંસ્કૃતિ અને સાયન્સ-ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ કરાર કરાયા હતા.
પાકિસ્તાને આતંકીઓને સજા આપવી જોઇએ
મોદી અને ઓલાંદેની મંત્રણામાં આતંકવાદ સામેની લડાઇમાં સહકાર વધારવાને પ્રાથમિકતા અપાઇ હતી. મોદીએ જણાવ્યું હતું કે, પ્રમુખ ઓલાંદે અને હું આતંકવાદ સામેની લડાઇમાં સહકાર વધારવા સંમત છીએ. આતંકવાદીઓને આશ્રય આપતા દેશો સામે આંતરરાષ્ટ્રીય સમુદાયે પગલાં લેવા જોઇએ. પાકિસ્તાને ૨૦૦૮માં મુંબઇ પર થયેલા આતંકી હુમલાના અપરાધીઓને સજા આપવી જોઇએ.
ઓલાંદેએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટે અમારા પર હુમલો કર્યો છે. જે અમારા બાળકો પર હુમલો કરશે તેના પર અમે હુમલો કરીશું. કપરી પરિસ્થિતિમાં સમર્થન માટે હું ભારતનો આભારી છું.
ફ્રાન્સ મેક ઇન ઇન્ડિયાને વેગ આપશે
ફ્રાન્સના નાણાપ્રધાન માઇકલ સાપિને જણાવ્યંુ હતું કે, ફ્રેન્ચ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારતમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે. છેલ્લા પાંચ વર્ષમાં ફ્રાન્સની કંપનીઓએ ભારતમાં એક બિલિયન ડોલર પ્રતિ વર્ષનું રોકાણ કર્યું છે. જે આગામી પાંચ વર્ષમાં બમણું થશે.
મોદી-ઓલાંદેની ઇકો-ફ્રેન્ડલી મેટ્રો રાઇડ
ઓલાંદે અને મોદી સોમવારે ગુરગાંવ પહોંચવા દિલ્હીની મેટ્રો ટ્રેનમાં સવાર થયા હતા. ગુરગાંવમાં તેમણે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના હંગામી સચિવાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. બપોરે ત્રણ કલાકે બંને નેતાઓ મેટ્રો ટ્રેનમાં સવાર થયા હતા. તેમની સાથે ભારતીય અધિકારીઓ અને ફ્રેન્ચ પ્રતિનિધિમંડળના સભ્યો પણ જોડાયા હતા.
ભારત અને ફ્રાન્સનું સંયુક્ત નિવેદન
• વ્યૂહાત્મક ભાગીદારી માટે સંમતિ • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાકીદે સુધારાની માગ • સુરક્ષા પરિષદમાં ભારતની દાવેદારીને ફ્રાન્સનું સમર્થન • બિનઅણુપ્રસાર ક્ષેત્રે બંને દેશો પ્રતિબદ્ધ • સામેની લડાઇમાં સહકાર • ક્ષેત્રે સહકાર વધારવા સંમત • માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવા પગલાં • મેરિટાઇમ સિક્યુરિટી ક્ષેત્રે સહકાર • સંરક્ષણ સહકાર ૧૦ વર્ષ લંબાવવા સંમત • સંયુક્ત લશ્કરી કવાયતો યોજવા સહમતી • સાયબર સિક્યુરિટીમાં સહકાર સાધશે • નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે પ્રતિબદ્ધતા • પર્યાવરણની જાળવણી માટે બંને દેશો સંમત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter