નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મંગળવારે વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં વચ્ચે મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતના પ્રારંભે મુંબઇ આવી પહોંચેલા મેક્રોનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત આગામી સમયમાં સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની દિશા બદલી શકે છે. વર્ષ 2017 પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિની આ ચોથી ભારત મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન અબજો ડોલરના રાફેલ ફાઇટર જેટ અને સંરક્ષણ સોદા પર આખરી મહોર લાગશે તે નક્કી છે. તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે મોટા સહયોગની શક્યતા છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મેક્રોં ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં અને વડા પ્રધાન મોદી વચ્ચે મુંબઈના લોકભવનમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ બન્ને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘ભારત અને ફ્રાન્સના સંબંધો ખાસ છે. ફ્રાન્સ ભારતનો સૌથી જૂના ભાગીદારો પૈકીનો એક છે. રાષ્ટ્રપતિ મેક્રોં સાથે મળીને અમે આ રણનીતિક ભાગીદારીમાં વધુ ઊંડાણ અને ઊર્જા પ્રાપ્ત કરી છે.
તેમણે કહ્યું હતું કે 2026નું વર્ષ ભારત અને યુરોપના સંબંધો માટે એક ટર્નિંગ પોઇન્ટ છે. કેટલાક દિવસો પહેલા, અમે યુરોપિયન યુનિયન સાથે ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી છે.
ઇમેન્યુએલ મેક્રોંએ ઇન્ડિયા-ફ્રાન્સ ઇનોવેશન ફોરમનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, નવાચાર ત્યારે મજબૂત હોય છે જ્યારે તેને વહેંચવામાં આવે છે. ભારત આ વાત સમજે છે. તેમણે કહ્યું, ‘મુંબઈ સપનાની નગરી છે. હંમેશાં ચાલનારું અને ભવિષ્યની તરફ આગળ વધતું શહેર છે. આજે જે અમે ઇન્ડિયા-ફ્રાન્સ ઇનોવેશન ફોરમ શરૂ કરી રહ્યા છી. તેના માટે તે યોગ્ય જગ્યા છે.’
ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ખરીદાશેઃ
3.25 લાખ કરોડ રૂપિયાનો સોદો
ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન 114 રાફેલ ફાઇટર જેટના સોદો થવાનું ગયા અઠવાડિયે જ નક્કી થઇ ગયું છે. ગયા ગુરુવારે મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે (ડીએસી)ની બેઠકમાં ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઈટર પ્લેનની ખરીદીના નિર્ણયને લીલી ઝંડી આપી દેવાઇ છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયામાં આ ડીલ થશે.
દસોલ્ટ એવિએશન પાસેથી 18 વિમાન ઉડાન માટે તૈયાર સ્થિતિમાં મળશે. બાકી 96 ભારતમાં બનશે. તેના 60 ટકા સ્પેરપાર્ટ્સ સ્વદેશી હશે. ભારતનો આ સૌથી મોટો સંરક્ષણ સોદો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંના ભારત પ્રવાસ દરમિયાન આ રાફેલ ડીલ પર હસ્તાક્ષર કરાશે. ભારતીય વાયુસેનાના ફાઈટર સ્ક્વોડ્રન અંદાજે 30 છે અને સ્વીકૃતિની સંખ્યા 42 છે ત્યારે આ નિર્ણય લેવાયો છે. મિગ-21 વિમાનોને હમણાં જ રિટાયર કરાયા છે.
દરમિયાન, વાયુસેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે આ નિર્ણય જરૂરી છે. 13 વર્ષ પહેલા રક્ષા મંત્રાલયે આ શ્રેણીના વિમાન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે સફળ રહી ન હતી. 2015માં મોદી સરકારે વાયુસેનામાં ઘટતા સ્ક્વોડ્રનને જોતા 36 રાફેલ ખરીદવાનો સોદો કર્યો હતો.
આંકડાઓમાં સમજો આ સોદો...
ભારતમાં રાફેલનો સૌથી મોટો કાફલો હશે
• કુલ કેટલાની ડીલ છે? પૂરી ડીલ રૂ. 4 લાખ કરોડની હશે. 3.25 લાખ કરોડ રૂપિયા વિમાનો તેમજ 75 હજાર કરોડ મિસાઇલ પર ખર્ચાશે. રક્ષા મંત્રાલય તેમજ દસોલ્ટની વચ્ચે હથિયાર પેકેજની વિગત પર ચર્ચા બાદ અંતિમ કોન્ટ્રાક્ટ આ વર્ષના અંતે અથવા 2027ની શરૂઆતમાં સંભવ છે.
• ભારતમાં કેટલા રાફેલ છે? વાયુસેનાની પાસે 36 રાફેલ છે. નૌસૈનાએ 26 રાફેલ-એમનો ઓર્ડર આપ્યો છે. નવા સોદા બાદ ભારતની પાસે 176 રાફેલ હશે. આ દુનિયામાં આ ફાઇટર પ્લેનની સૌથી મોટી ખેપ હશે.
• વિમાન ક્યાં સુધી આવશે? વર્ષ 2030 સુધી 18 વિમાન મળશે. તેમાંથી 4 ટ્વિન સીટર હશે, જે તાલીમમાં કામ આવશે.
• ભારતમાં જેટ ક્યાં બનશે? રાફેલની એસેમ્બલી લાઇન હૈદરાબાદ અથવા નાગપુરમાં સ્થાપિત થઈ શકે છે. સોદા હેઠળ ઉચ્ચ ટેક્નોલોજીનો મહત્તમ હિસ્સો ભારતને મળશે. 60 ટકા સ્પેરપાર્ટ્સ પણ બનશે. ફ્રાંસ બાદ ભારત રાફેલનું સૌથી મોટું એસેમ્બલી સેન્ટર હશે.
• નિર્માણ કોણ કરશે? દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ એસેમ્બલી લાઇન લગાવશે. આ સંયુક્ત સાહસમાં દસોલ્ટ મોટો હિસ્સો ધરાવે છે. અનિલ અંબાણીની રિલાયન્સ પોતાનો નાનો હિસ્સો કોઇ અન્ય ભારતીય કંપનીને વેચી શકે છે. તાતા, મહિન્દ્રા સહિત અનેક કંપનીઓ સંયુક્ત સાહસની દોડમાં છે. દેશની 30થી વધુ કંપનીઓ પ્રોજેક્ટનો હિસ્સો બનશે.


