ભારત-બાંગ્લાદેશ વચ્ચે ૨૨ સમજૂતી કરારઃ ભારત ૪.૫ બિલિયન ડોલરનું ધિરાણ આપશે

Monday 10th April 2017 12:38 EDT
 
 

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી પરમાણુ સંધિ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે સહયોગથી માંડીને ભારત તરફથી બાંગ્લાદેશને વિવિધ પ્રોજેક્ટ માટે ૪.૫ બિલિયન ડોલરનું જંગી ધિરાણ આપવાના કરારનો સમાવેશ થાય છે. અનેકવિધ ક્ષેત્રે સહયોગના દ્વાર ખોલતા આ શ્રેણીબદ્ધ કરારો ભારત-બાંગ્લાદેશ સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી આશા બન્ને દેશના રાજદ્વારીઓએ વ્યક્ત કરી છે.

બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ આઠ એપ્રિલે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા બાદ બન્ને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ ક્ષેત્રે કરારો થયા હતા. શેખ હસીનાએ રવિવારે અજમેરની મુલાકાત લઇને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને ચાદર ચઢાવી હતી.

વડા પ્રધાન મોદીએ પાટનગરમાં હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર રોકાણ માટે ભારતે હળવા વ્યાજદરે ૪.૫ બિલિયન ડોલરનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે. બાંગ્લાદેશના સંરક્ષણ બજેટ માટે ૫૦ કરોડ ડોલરનું ધિરાણ પૂરું પાડવાની પણ જાહેરાત થઈ હતી. પત્રકારોને સંબોધતા વડા પ્રધાન મોદીએ આતંકવાદ સામે બાંગ્લાદેશની ઝીરો ટોલરન્સ નીતિની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું હતું કે બંને દેશોએ સાથે મળી ત્રાસવાદનો મુકાબલો કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે બંને દેશ ઊર્જા, સાયબર સિક્યુરિટી, સિવિલ ન્યૂક્લિયર સહિતના મોરચે સહયોગ વધારવા પ્રતિબદ્ધ છે.

બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં વીરગતિ પામેલા ભારતીય જવાનોને સન્માનિત કરવા બાંગ્લાદેશે લીધેલા નિર્ણયની પણ વડા પ્રધાન મોદીએ ભારોભાર પ્રશંસા કરી હતી. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય સૈનિકો અને મુક્તિ યોદ્ધાના બલિદાનોની યાદ અપાવતાં મોદીએ બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબ ઉર રહેમાનનો ઉલ્લેખ કરતાં જ શેખ હસીના થોડાંક ભાવુક થઈ ગયા હતા. મોદીએ આ પ્રસંગે મુક્તિયોદ્ધા માટે ત્રણ નવી જાહેરાત કરી હતી.

ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાનની આકરી ટીકા

મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની ઉપસ્થિતિમાં જ ત્રાસવાદને મુદ્દે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે અમે વિકાસના વિચાર સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે દક્ષિણ એશિયામાં એક માનસિકતા એવી પણ પ્રવર્તે રહી છે કે જે આતંકવાદમાંથી પોષણ અને પ્રેરણા બંને મેળવે છે. જેનો મૂળ હેતુ છે આતંકવાદીઓની મદદથી આતંકવાદનો વિસ્તાર કરવો જેના નીતિ નિર્માતાઓને માનવતાવાદ કરતાં આતંકવાદ મહત્ત્વનો લાગે છે. વિકાસ કરતાં વિનાશ અને પછી વિશ્વાસ કરતાં વિશ્વાસઘાત મહત્ત્વનો લાગે છે. ભારત અને બાંગ્લાદેશ બંને તેનાથી પીડિત છે.

અતિથિ વડાં પ્રધાન શેખ હસીનાએ પોતાના શાનદાર આતિથ્ય બદલ આભાર માનતા કહ્યું હતું કે દિલ્હી અને બાંગ્લાદેશ મહત્ત્વના પડોશી દેશો છે. સીમાડાને સુરક્ષિત રાખવા માટે બંને દેશો પ્રતિબદ્ધ છે. આ ક્ષેત્રની શાંતિ માટે પણ બંને દેશ ખૂબ મહત્વના છે. તેમણે તિસ્તા જળ સમજૂતીને બંને દેશ માટે ખૂબ જ મહત્ત્વની હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ભારત અને બાંગ્લાદેશના વડા પ્રધાને પશ્ચિમ બંગાળના રાધિકાપુરથી બાંગ્લાદેશના ખુલનાને જોડતી બસસેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. બંનેએ વીડિયો કોન્ફરન્સની મદદથી કોલકતા-ખુલના પ્રવાસી ટ્રેનને અજમાયશી દોડ માટે લીલી ઝંડી પણ બતાવી હતી. ૭૦ વર્ષ પછી આ ટ્રેન સેવા જુલાઈ ૨૦૧૭થી શરૂ થવાની છે.

...અને મોદી-હસીના ખડખડાટ હસી પડ્યા

યજમાન વડા પ્રધાન મોદી અને મહેમાન વડા પ્રધાન શેખ હસીનાની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સધાયેલી સમજૂતીઓ પર વિધિવત્ હસ્તાક્ષર થયા પછી એક રમૂજભર્યા પ્રસંગ બની ગયો. બંને નેતા પણ આ સમયે હસવું ખાળી શક્યા નહોતા. કરારો પર હસ્તાક્ષર વિધિ સંપન્ન થયા પછી બંને નેતાઓ પત્રકાર પરિષદને સંબોધી શકે તે હેતુસર એનાઉન્સરે જાહેરાત કરીઃ ‘મે આઈ રિકવેસ્ટ ધ ટુ પ્રાઇમ મિનિસ્ટર ટુ નાવ પ્લીઝ સ્ટેપ ડાઉન...’ આ ‘સ્ટેપડાઉન’ શબ્દે બંને વડા પ્રધાનોને હસાવી દીધા હતા. એનાઉન્સર તો બંને નેતાને મંચ પરથી નીચે આવવા વિનંતી કરી રહ્યા હતા. પરંતુ ત્યાં ઉપસ્થિત બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. વડા પ્રધાન મોદી અને શેખ હસીના અધિકારીની આ નિર્દોષ ભૂલ પર હસવું ખાળી શક્યા નહોતા. હાસ્યની છોળો પછી બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter