નવી દિલ્હીઃ બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને રાષ્ટ્રના વડાઓએ ગુરુવારે હૈદરાબાદ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં દ્વિપક્ષી વ્યાપાર, રોકાણ, સંરક્ષણ, ટેકનોલોજી અને કનેક્ટિવિટીમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. આ પહેલાં વેવરે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મંત્રણા બાદ મોદી અને વેવર એક સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારત-બેલ્જિયમ વચ્ચે સહકાર પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને સંરક્ષણ અને ક્લિન એનર્જી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી વિસ્તર્યો છે. તેમણે જોરાવર ટેન્ક અને આંધ્ર પ્રદેશમાં વિશાળ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ પર સહકારનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાને કહ્યું કે બંને દેશો જોરાવર ટેન્ક જેવા આધુનિક સંરક્ષણ ઉપકરણો પર સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે આંધ્રના કાકીનાડામાં વિશ્વના સૌથી મોટા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સમાં સ્થાન ધરાવતો એક પ્રોજેક્ટ પણ વિકસાવી રહ્યા છીએ.
બેલ્જિયમના વડાપ્રધાને પહેલા મોદી સાથે અને બાદમાં પ્રતિનિધિ મંડળો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્લેન્ડર્સ ફીલ્ડ્સમાં 9,000થી વધુ ભારતીય સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું હતું. એ પણ યાદ કર્યું કે 1947માં ભારત સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનારા પ્રથમ યુરોપિયન દેશોમાં બેલ્જિયમ સામેલ હતું.
પ્રથમ વિશ્વયુદ્ધનો ઉલ્લેખ શા માટે?
બન્ને નેતાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોના ઐતિહાસિક મહત્ત્વ પર પણ ભાર મૂક્તા કહ્યું કે, ભારત-બેલ્જિયમ વચ્ચે ગાઢ ઐતિહાસિક સંબંધો છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં હજારો ભારતીય સૈનિકોએ દાખવેલી વીરતા અને તેમણે આપેલું બલિદાન આપણી સહિયારી સ્મૃતિઓનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આજે લોકશાહી મૂલ્યો, બજાર-આધારિત અર્થતંત્ર અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો આપણને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે.
દ્વિપક્ષી વેપાર બમણો કરવાનું લક્ષ્ય
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અમે ભારત-બેલ્જિયમ બિઝનેસ ફોરમને નિયમિત વ્યવસ્થા બનાવવાનો નિર્ણય લીધો છે. અમે બંને દેશો વચ્ચે આર્થિક, ફિનટેક અને નિયામક સંસ્થાઓ વચ્ચે તાલમેલ વધારીશું અને આ ઉપાયો દ્વારા આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષી વ્યાપાર બમણો કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું. આજે અમે બંને દેશોના સ્ટાર્ટઅપ્સ વચ્ચેના સંબંધો મજબૂત કરવા અને દરિયાઇ ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ વધારવા સહમત થયા છીએ. અમે યુનિવર્સિટી શિક્ષણ, સંશોધનના ક્ષેત્રોમાં પણ સહયોગને વધુ મજબૂત બનાવીશું. પ્રતિભાશાળી લોકોની અવરજવરને સરળ બનાવવા માટે અમે ટૂંક સમયમાં ‘માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ’ પર હસ્તાક્ષર કરીશું.


