નવી દિલ્હી: ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં ફરી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 21 ઓક્ટોબરના રોજ ભારત-ચીન વચ્ચે દેપસાંગ અને દેમચોકના મેદાની વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે સમજૂતી થઈ હતી.
એક તરફ, ભારત-ચીન સરહદે તનાવ ઘટી રહ્યો છે ત્યારે બીજી તરફ દ્વિપક્ષીય સંબંધોમાં ઉષ્માનો સંચાર થઇ રહ્યાના અણસાર છે. ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ મંગળવારે બૈજિંગ પહોંચ્યા છે. ડોભાલ સરહદી વિવાદ ઉકેલવા માટે રચાયેલી ઇન્ડો-ચાઇના સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ (એસઆર)ની 23મી બેઠકમાં ભાગ લેશે. તેમજ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે સરહદી વિવાદ ઉકેલવા ચર્ચા કરશે. પાંચ વર્ષ બાદ કોઇ ભારતીય ઉચ્ચાધિકારી ચીન પ્રવાસે પહોંચ્યા છે.