ભારત માટે પડકારઃ તાલિબાન જોડે ચીન અને પાક.ની ખંધી રાજનીતિ

Wednesday 25th August 2021 05:57 EDT
 
 

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે કબ્જો લીધા પછી અમેરિકા સહિતના પશ્ચિમી રાષ્ટ્રો અને એશિયાના દેશોની રાજનીતિ નવો વળાંક લેશે તેમાં બેમત નથી. ભારત માટે ફૂટનીતિની કસોટી થશે કેમ કે ચીન અને પાકિસ્તાન આ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લઈને ભારતની ભીંસ વધારશે. ભારતને કાશ્મીર તેમજ આંતરિક સુરક્ષા સામે પણ ખતરો વધ્યો છે. પહેલી નજરનું વિશ્લેષણ કંઈક આવું થઈ શકે તેમ છે. તાલિબાને ભારત સરકારને ખાતરી આપી છે કે અમે સત્તા પર આવીશું તે પછી ભારતે ચિંતા કરવા જેવી નથી. અમે કાશ્મીર કે ભારતની ઘરેલુ નીતિમાં માથું મારવાના નથી. અમને માત્ર અમારા દેશ અફઘાનિસ્તાનમાં અમારા સિદ્ધાંતો સાથે શાસનમાં રસ છે.
ભારતે પણ અન્ય પાડોશી દેશોની જેમ તાલિબાન સરકારને વ્યૂહાત્મક રીતે આવકારવી પડે છે કે કેમ એ તો સમય કહેશે. આમ પણ તાલિબાની નેતાઓએ અફઘાનિસ્તાન કબજે કર્યા અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે અમે સત્તાની ધૂરા સંભાળી છ માસ માટે વચગાળાની સરકાર નિયુક્ત કરીશું. અમે વિશ્વનો અને અફઘાનિસ્તાનના નાગરિકોનો વિશ્વાસ સંપાદન કરીને બતાવીશું કે અમારી જોડે રાજકીય સંબંધ રાખવામાં કોઈ અસલામતી નથી. અમે શરિયા ચોક્કસ લાગુ કરીશું પણ સાથે સાથે છેલ્લા ૨૦ વર્ષથી સરકારે જે પણ પ્રગતિજનક નિર્ણયો લીધા હશે તેનો સ્વીકાર પણ કરીશું.
પશ્ચિમના દેશો પણ આથી જ તાલિબાનની સરકારના છ મહિનાનું શાસન કઇ રીતનું રહે છે તે જોવા માટે હાલ તાત્કાલિક તેઓની વિરુદ્ધ કોઇ નિવેદન આપવાનું ટાળી રહ્યા છે.
જોકે ભારતની સ્થિતિ અલગ છે. તેણે સાવધાની રાખવાની છે કે અમેરિકા અને યુરોપીય દેશોએ ભૂતકાળમાં તાલિબાનની સરકારને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો તેવું કદાચ તેઓ ફરી વખત પણ વલણ અપનાવે તો પણ તેઓએ તેમની સરહદી તેમજ કાશ્મીર અને ઘરેલુ નીતિની રક્ષા કરવાની છે.
અફઘાનિસ્તાનના અશાંત માહોલ વચ્ચે ચીન અને પાકિસ્તાનની સરકાર લૂચ્ચી રણનીતિ અપનાવીને તેમનો સ્વાર્થ સાધશે. ચીનને ખબર છે કે અમેરિકા અને યુરોપિય દેશો તાલિબાનને સમર્થન આગળ જતા નહીં જ આપે. તાલિબાનને પણ અમેરિકા પ્રત્યે અવિશ્વાસ રહેવાનો જ છે કે ભવિષ્યમાં તેઓ ફરી અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલી શકે છે. આથી ચીન અમેરિકાની પરેશાની વધારવા અત્યારથી જ તાલિબાન સરકારના આગમનને વધાવી ચૂકયું છે.
યાદ રહે અફઘાનિસ્તાન મધ્ય અને દક્ષિણ એશિયામાં મોકાનો દેશ છે. તેની પૂર્વ અને દક્ષિણ સરહદે પાકિસ્તાન, પશ્ચિમે ઇરાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તેમજ ઉત્તર-પૂર્વમાં ચીન છે.
ચીન મધ્ય અને દક્ષિણ એશિયા પરના અફઘાનિસ્તાનનું હવે લાલન પાલન કરી અમેરિકા અને ભારત બંનેની ઉંઘ હરામ કરી શકશે.
અમેરિકા ઇરાન પર નજર રાખવા પણ અફઘાનિસ્તાનમાં સૈન્ય રાખતું, પરંતુ હવે તે પણ શક્ય નહીં બને. ઇરાન બેરોકટોક વધુ મજબુત બનશે અને ચીન આવા યુએસવિરોધી દેશોની જોડે બેસીને ધરી રચશે. ચીન તાલિબાનીઓને આર્થિક તેમજ સૈન્યથી મદદ કરીને અમેરિકા સામે વધુ મજબુત બનાવશે. આ જ ચીન તે પછી તાલિબાન ભારત પર ભીંસ વધારવા ઉગ્રવાદીઓને પણ પીઠબળ પૂરું પાડી શકે છે. ચીનની આવી ડ્રેગન ખંધાઈને લીધે પાકિસ્તાન ઈચ્છે છે કે બગાસુ ખાતા તેઓના મોંમાં પતાસુ આવી જાય. પાકિસ્તાનને પોતાનો દેશ ભીખારી ભલે બને પણ તેઓનો તો ડોળો કાશ્મીર પર જ મંડાયેલો છે. જો ભારતની સરહદ પર દબાણ સર્જાતું હોય તો પાકિસ્તાન તાલિબાન રાજને લીધે તેઓનો દેશ પણ વર્ગવિગ્રહમાં ધકેલાઈ શકે તેની પરવા ન કરે તેવું પણ બની શકે.
તાલિબાનીઓ જો અન્ય ઈસ્લામિક દેશો પણ શરિયાનો અમલ કરે તેવો મનસુબો સેવશે તો પાકિસ્તાન તેઓનું પહેલું નિશાન હશે.
ભારતે ચીન અને પાકિસ્તાન તેમના ઈરાદામાં સફળ ન થાય તેને નજરમાં રાખીને પણ તાલિબાન સરકાર બાબત હાલ ત્વરિત કોઈ સ્ટેન્ડ લેવાની જરૂર નથી. તટસ્થ અને સાક્ષીભાવ કેળવવાનો છે. અમેરિકાએ તાલિબાનોને ઠેકાણે પાડયા હતા તે અગાઉ જ્યારે તાલિબાનની સરકાર હતી ત્યારે ભારત સરકાર તેઓને માન્યતા આપવામાં સૌથી છેલ્લી હતી.
ભારતે યાદ રાખવાની જરૂર છે કે અમેરિકા, રશિયા, ચીન બધા પોતાનો સ્વાર્થ સાધે છે. અમેરિકાએ જ '૯૦ના દાયકામાં તાલિબાનોને રશિયા સામે ઉભા કર્યા હતા. એ જ અમેરિકાએ તેઓ પર સકંજો સાધ્યો હતો. હવે અમેરિકા ફરી તાલિબાનોને છૂટ્ટો દોર આપતા સૈન્ય પાછું ખેંચી લીધું છે.
રશિયા અને ચીન કોઈના હ્યુમન રાઈટ્સની પરવા નથી કરતું. ભારતે જમ્મુ-કાશ્મીર સરહદે વધુ સાવધ રહેવું પડશે કેમ કે સરકારે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો વધુ ઘાતક બની શકે છે. તાલિબાનીઓએ જે રીતે સરકાર કબ્જે કરી તેમ તેઓ કાશ્મીરમાં કરવા માટેની યોજના બનાવી શકે તેવો ભય અસ્થાને નથી. ઈરાનમાં કટ્ટરપંથી પરિબળો પણ ઉગ્રતા ધારણ કરી શકે છે. ભારતના ઈરાન, રશિયા કે ટર્કી જોડેના સંબંધો પણ ઉષ્માભર્યા નથી.
ભારતને આ મહિને જ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પ્રમુખ તરીકેનો વારો આવ્યો છે ત્યારે તેઓ અફઘાનિસ્તાનની બદલાયેલી નેતાગીરી બાબત તેમના સૂચનો અને અપેક્ષાઓ વિશ્વમંચ પર મૂકવાની તક પણ ધરાવે છે. રશિયા પણ તાલિબાન સરકાર આવતા પાકિસ્તાન જોડે નજીક આવવાની રણનીતિ અખત્યાર કરશે. ભારતે અફઘાનિસ્તાનની નોન-તાલિબાન સરકારને પ્રગતિશીલ બનાવવા રોડ, બ્રિજ, હોસ્પિટલ અને સંસદભવનના નિર્માણમાં નોંધપાત્ર ફંડ પુરું પાડયું છે. ભારત સરકારનું પ્રથમ ધ્યેય તો એ જ હોવું જોઈએ કે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા ભારતના હિતોને નુકસાન ન પહોંચે. તાલિબાન સરકારના શાસનમાં અફઘાનિસ્તાન જોડેનો વેપાર કરાચી, ગ્વાદરથી થશે. ચાબહાર બંદરના વિકાસ માટે કરેલ મોટો ખર્ચ હવે હેતુ પાર ન પણ પાડે.
પાકિસ્તાનને એવો ડર છે કે ભારત પાકિસ્તાનના પશ્તુન અને બલોચને હવે પાકિસ્તાનવિરોધી મોરચો ખોલવા પાકા પાયાની ભુમિકા ભજવશે જ્યારે તાલિબાનીઓ પણ આવી જ રણનીતિ અપનાવી પાકિસ્તાન પર પકડ જમાવશે. ભારતે સાવધાનીથી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અપનાવવાની છે. ચીન અને પાકિસ્તાનને વધુ મજબુત બનતા અટકાવવાના છે અને સાથે તેમની સરહદો પણ સુરક્ષિત રાખવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter