નવી દિલ્હીઃ ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી.
ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ સંધિ કરવા ઉપરાંત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ), ઊર્જા, અવકાશ, સિવિલ ન્યૂક્લિયર ક્ષેત્રે સહકાર વધારવા તેમજ સંબંધો ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી.
આ પૂર્વે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ અલ નાહ્યાનને દિલ્હી એરપોર્ટ પર ઉષ્મા સાથે ભેટીને આવકાર્યા હતા અને બાદમાં તેઓ એક જ વાહનમાં બેસીને વડાપ્રધાન નિવાસ સુધી ગયા હતા. જ્યાં તેમની વચ્ચે અતિ ગોપનીય વાટાઘાટો ઉપરાંત પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચાઓ થઈ હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, યુએઈના પ્રમુખ અત્યંત ટૂંકી મુલાકાતે આવ્યા હતા. અમેરિકાની ટ્રેડ નીતિઓ અને મિડલ ઈસ્ટમાં વ્યાપારિક ગતિવિધિમાં અવરોધોની વચ્ચે અલ નાહ્યાનની આ મુલાકાત ખૂબ મહત્ત્વની મનાય છે.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં બન્ને દેશો એડવાન્સ્ડ ન્યૂક્લીયર ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારીની તકો ચકાસવા અને ન્યૂક્લીયર પાવર પ્લાન્ટ સ્થાપવા સંમત થયા હતા. ભારતમાં કતાર બાદ યુએઈમાંથી સૌથી વધુ એલએનજી આવે છે. HPCL અને ADNOC ગેસ વચ્ચેના લાંબા ગાળાના કરારમાં 2028થી શરૂ થતા 10 વર્ષના સમયગાળા માટે 0.5 એમએમપીટીએ એલએનજીની ખરીદીના કરાર થયા હતા.
ધોલેરા અને ગિફ્ટ સિટીમાં અબુધાબીની કંપનીઓ
ગુજરાત સરકાર, ભારત અને યુએઇના રોકાણ મંત્રાલય વચ્ચે ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશના વિકાસ માટે રોકાણ સહકાર અંગે એમઓયુ થયા હતા. ‘સર’માં આરબ દેશની ભાગીદારીમાં હેઠળ ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, પ્લેન મેઇટેનન્સ ફેસિલિટી, નવું પોર્ટ, સ્માર્ટ સિટી, રેલવે કનેક્ટિવિટી અને ઉર્જા સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ આકાર લેશે. તો ફર્સ્ટ અબુ ધાબી બેંક ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાની એક શાખા શરૂ કરશે. ફર્સ્ટ અબુ ધાબી બેંક ગિફ્ટ સિટીમાં એક શાખા શરૂ કરશે. ડીપી વર્લ્ડ ગિફ્ટ સિટીમાંથી કામગીરી કરશે, જેમાં તેની વૈશ્વિક કામગીરી માટે જહાજો લીઝ પર લેવાનો સમાવેશ થાય છે.
એઆઇ ક્ષેત્રે સહયોગ માટે હાથ મિલાવ્યા
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવા અને તેની સુરક્ષા કરવા સહિતના મુદ્દે સંમતિ થઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ચર્ચા થઇ જે મુજબ બન્ને દેશો વચ્ચે સમજુતીથી ભારતમાં સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા માટે પણ સંમતિ થઇ છે. આ પહેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડિયા મિશનનો ભાગ હશે. આવતા મહિને ભારતમાં એઆઇ પર ઉચ્ચ સ્તરીય સમિટ યોજાવા જઇ રહી છે જેમાં યુએઇ સામેલ થશે. બન્ને દેશો ડેટા અથવા ડિજિટલ એમ્બસી સ્થાપવા માટે પણ વિચારી રહ્યા છે. ભારતમાં ડેટા કેપેસિટીનો વિસ્તાર વધારવામાં યુએઇ રોકાણ કરવા માટે તૈયાર થયું છે. આ ઉપરાંત, યુએઇ અબુધાબીમાં ‘ભારત ભવન’ (હાઉસ ઓફ ઇન્ડિયા) સ્થાપવા માટે ભારત સાથે સંમત થયું હતું. જેમાં ભારતની સંસ્કૃતિનો સમાવેશ કરતું મ્યુઝિયમ પણ સ્થાપિત કરાશે.
•••
ભારત અને યુએઈના વડાઓની મુલાકાત...
UAEના પ્રમુખ શેખ મોહમદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ નાહ્યાનને દિલ્હી એરપોર્ટ પર ઉષ્મા સાથે ભેટીને આવકાર્યા હતા અને બાદમાં તેઓ એક જ વાહનમાં બેસીને વડાપ્રધાન નિવાસ સુધી ગયા હતા. જ્યાં તેમની વચ્ચે અતિ ગોપનીય વાટાઘાટો ઉપરાંત પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચાઓ થઈ હતી.
•••
નાહ્યાાનને ગુજરાતી હિંચકો અને પશ્મિના શાલની ભેટ
વડાપ્રધાન મોદીએ ગુજરાતની આગવી ઓળખ જેવો કોતરણીકામ ધરાવતો લાકડાનો હિંચકો અને કાશ્મીરની પ્રખ્યાત પશ્મિના શાલ ભેટમાં આપી હતી. અલ નાહ્યાનની સાથે તેમના માતા શેખા ફાતિમા બિન મુબારક અલ કેતબી પણ આવ્યાં હતાં. મોદી અને અલ નાહ્યાને પરંપરાગત ગુજરાતી હિંચકા પર બેસીને વાતો કરી હતી. અલ નાહ્યાનને તેલંગણમાં બનેલા હાથ બનાવટના ચાંદીના બોક્સમાં શાલ આપવામાં આવી હતી. જ્યારે તેમના માતાને ચાંદીના બોક્સમાં કાશ્મીરી કેસર આપ્યુ હતું.


