ભારત-યુરોપ સંબંધોમાં સુવર્ણ યુગઃ નોર્વે 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે

Wednesday 20th May 2026 05:21 EDT
 
 

ઓસ્લો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરની સાથે વેપાર અને રોકાણ, ગ્રીન ટેકનોલોજી અને ઓરેન્જ ઇકોનોમી તથા અન્ય મહત્ત્વના ક્ષેત્રો પર વાત કરી હતી. નોર્વેએ આ પ્રસંગે ભારતમાં આગામી વર્ષોમાં 100 બિલિયન ડોલરનું જંગી મૂડીરોકાણ કરવાની રજૂઆત કરી હતી. આ રોકાણ ભારતીય કારોબારમાં, ટેકનોલોજીમાં અને ગ્રીન એનર્જી સહિતના સેક્ટરોમાં થશે.
મોદીએ જણાવ્યું હતું કે આખું વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત અને યુરોપ સંબંધોના એક સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યા છે. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા હોય ત્યાં સંઘર્ષની સ્થિતિ છે, આ બધા જ સ્થળોએ યુદ્ધના બદલે ઉકેલ માટે રાજકીય સંવાદ પર વધારે ભાર મૂક્યો હતો.
મોદીએ ભારત-યુરોપીયન યુનિયન (ઇયુ) વચ્ચેના મુક્ત વેપાર કરારને ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશીપ કરાર ગણાવ્યો હતો. આ કરાર ભારત અને નોર્વે વચ્ચે સંયુક્ત વિકાસ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની બ્લુ પ્રિન્ટ છે. આ કરારમાં આગામી 15 વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલરનું જંગી રોકાણ અને 10 લાખ નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે. આજે બંને દેશોએ આ કરારને સક્રિય કરવા માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નોર્વે આર્કટિક વિસ્તારનો મહત્ત્વનો દેશ છે. આર્કટિક અને પોલર રિસર્ચમાં લાંબા સમયથી અમારો સહયોગ છે. ભારત આર્કટિક રિસર્ચ સ્ટેશન હિમાદ્રીના ઓપરેશન માટે નોર્વેનું આભારી છે. ઇસરો અને નોર્વેની સ્પેસ એજન્સી વચ્ચે થઈ રહેલા સમજૂતીપત્ર પર સહીસિક્કા સ્પેસ ક્ષેત્રે આપણા સહયોગને નવા આયામ આપશે.
 તેમણે જણાવ્યું હતું કે ભારત-નોર્વેની ગ્રીન સ્ટ્રેટેજિક ભાગીદારી આખા વિશ્વ માટે ફાયદાકારક હશે. તેની સાથે નોર્વે ઇન્ડો-પેસિફિક ઓશન્સ પહેલ સાથે જોડાયું તે માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. બે મોટા મેરીટાઇમ દેશ હોવાના કારણે આપણે સાથે મળીને મરીન ઇકોનોમી, મેરીટાઇમ સિક્યોરિટી અને કેપેસિટી બિલ્ડિંગમાં સહયોગ કરશે. બંને દેશો સાથે મળીને ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં અને માનવ વિકાસમાં ફાળો આપશે.
વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં ટેલિકોમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, એઆઈ અને સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને ઇવી, ઇન્ફ્રાસ્ટ્રકચર મોબિલિટી,હેલ્થકેર અને લાઇફ સાયન્સીઝ પર વધારે ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter