ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

Thursday 04th September 2025 05:58 EDT
 
 

તિયાન્જિન: ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. જોકે બંને દેશોના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સત્તાવાર બેઠક શરૂ થઈ તે પહેલાં પુતિન અને મોદીએ 50 મિનિટ સુધી અનૌપચારિક વાતચીત કરી હતી. આ ‘સિક્રેટ’ વાતચીતમાં ક્યા મુદ્દે ચર્ચા થઈ તે બાબતે અનેક અટકળો થઈ રહી છે. પુતિન-મોદીની દોસ્તી સમિટમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. સોશિયલ મીડિયામાં પણ બંનેની ક્લિપ્સ વાયરલ થઈ હતી.
પુતિન-મોદીની ‘સિક્રેટ ટોક’
વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિન એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક સ્થળ સુધી આવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ વાર્ષિક સમિટની સમાંતરે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. તે પહેલાં મીટિંગના સ્થળે જવા માટે પુતિને મોદીની 10 મિનિટ સુધી રાહ જોઈ હતી. સ્થળ સુધી પહોંચી ગયા પછીય બંને નેતાઓ કારમાં બેસીને જ સિક્રેટ વાતો કરતા રહ્યા. મીટિંગ શરૂ થઈ તે પહેલાં લગભગ 50 મિનિટ સુધી બંને વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. ચીનના મીડિયામાં પણ આ સિક્રેટ ટોકની ચર્ચા ચાલી હતી.
આર્થિક સહયોગ વધારવા સંમતિ
ભારત-રશિયા વચ્ચે ઉર્જા, ફાયનાન્સ સહિત આર્થિક સહયોગ વધારવા માટે સંમતિ થઈ હતી. વડાપ્રધાન મોદીએ રશિયા-ભારતના સંબંધો બાબતે કહ્યું હતું કે બન્ને દેશની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શક છે. પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે ભારત-રશિયાની દોસ્તી આધારસ્તંભ છે. ભારત અને રશિયા ઘણા ક્ષેત્રોમાં ખભેખભો મિલાવીને સહયોગ આપે છે અને હંમેશા આપતું રહેશે.
ભારત હંમેશા શાંતિની તરફેણમાં
મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધવિરામની તરફેણ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો થઈ રહ્યા છે તેને ભારતનું સંપૂર્ણ સમર્થન છે. ભારત હંમેશાથી શાંતિની તરફેણ કરે છે અને બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે એવી આશા રાખે છે. મોદીએ પુતિનની સંભવિત ભારત યાત્રાના સંદર્ભમાં કહ્યું હતું કે ભારતના 140 કરોડ લોકો ડિસેમ્બરમાં પુતિનનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છે. મોદીએ સોશિયલ મીડિયામાં પણ તસવીરો શેર કરી હતી
અને લખ્યું હતું કે આપને મળીને હંમેશા આનંદ થાય છે.
ભારત ભરોસેમંદ સાથીઃ પુતિન
રશિયન પ્રમુખ પુતિને પણ ભારતને ભરોસેમંદ મિત્ર ગણાવીને કહ્યું હતું કે ભારત-રશિયાની દોસ્તી વિશ્વાસના પાયા પર રચાઇ હોવાથી દિવસે દિવસે મજબૂત થઈ રહી છે. પુતિને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં યુરોપ-અમેરિકાને દોષ આપતા કહ્યું કે યુક્રેનને ‘નાટો’નું સભ્ય બનાવવાની તજવીજ પશ્ચિમના દેશો કરી રહ્યા હોવાથી રશિયાની સુરક્ષા માટે યુદ્ધ કરવું પડયું છે. રશિયા ક્યારેય યુદ્ધ કરવા ઈચ્છતું ન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter