ભારતના પૂર્વ નેવી ઓફિસરને પાકિસ્તાનમાં ફાંસીની સજા

તો પાકિસ્તાને ગંભીર પરિણામ ભોગવવા પડશેઃ ભારતની ચીમકી

Wednesday 12th April 2017 06:16 EDT
 
 

નવી દિલ્હી, મુંબઈઃ ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (‘રો’) માટે જાસૂસી કરતા હોવાના કથિત આરોપસર પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને પાકિસ્તાનની ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ (એફજીસીએમ)એ સજા-એ-મોત ફરમાવી છે.
સોમવારે રાવલપિંડી કોર્ટે પાકિસ્તાનમાં શાંતિનો ભંગ કરવાના પ્રયાસ બદલ તેમજ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ છેડવાના ગંભીર આરોપસર કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારી હતી. ભારતે પાકિસ્તાની કોર્ટના આ ચુકાદાને આકરા શબ્દોમાં વખોડી કાઢીને તેનો ઉગ્ર વિરોધ કર્યો છે.
કુલભૂષણને સજા ફરમાવાયાના અહેવાલ પછી ભારત સરકારે પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતને વિરોધ પત્ર સોંપીને કહ્યું હતું કે, જો ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ખોટી રીતે ફાંસી આપવામાં આવશે તો તે ફાંસી નહીં, પરંતુ સમજીવિચારીને કરાયેલી હત્યા હશે. ભારતે આ ઘટનાના વિરોધમાં ડઝન જેટલા પાકિસ્તાની કેદીઓને છોડવાનો નિર્ણય પણ મુલત્વી રાખ્યો છે. વિશ્વભરમાં પાકિસ્તાનના આ નિર્ણયને વખોડી કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાનના આ મનસ્વી નિર્ણયને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ તણાવભર્યા બનશે.
પાકિસ્તાનના હાઈ કમિશનર બાસિતને સોંપાયેલા ૫ત્રમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં ફરજ બજાવતા ઇન્ડિયન હાઈ કમિશનને પણ કુલભૂષણ પર કેસ ચાલતો હોવાનું જણાવાયું નહોતું. જાધવની ફાંસીની સજાનો જો અમલ થશે તો તે કાયદા અને નિયમોની વિરુદ્ધ હશે, તેને હત્યા ગણાશે.
બીજી બાજુ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે જણાવ્યું કે જાધવને ફાંસીની સજા આપી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન કર્યું છે.
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કથિત જાસૂસીના આરોપમાં મળેલી ફાંસીની સજાથી બચાવવા માટે ભારત સરકાર દરેક સંભવ રસ્તો અપનાવશે તેવી જાહેરાત ભારતે કરી છે. મંગળવારે સંસદમાં સરકારે આ ખાતરી ઉચ્ચારતા પાકિસ્તાનને પરિણામ ભોગવવાની સખત શબ્દોમાં ચેતવણી પણ આપી.
સંસદના બન્ને ગૃહોએ એક સૂરમાં પાકિસ્તાનના આ પગલાંની કડક ટીકા કરી હતી અને તેને ભારતવિરોધી ષડયંત્ર ગણાવ્યું. સરકાર તરફથી ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું હતું કે સરકાર હિન્દુસ્તાનના પુત્ર કુલભૂષણ જાધવને બચાવવા માટે ‘આઉટ ઓફ ધી વે’ જતાં પણ નહીં ખચકાય.

અમે તેને 'પૂર્વાયોજિત હત્યા' ગણીશું: ભારત

જો પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપશે તો તે પૂર્વાયોજિત હત્યા ગણાશે તેમ ભારતે સોમવારે જણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે કાયદા અને ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની અવગણના કરીને પાકિસ્તાને કુલભૂષણને ફાંસી આપવાનો નિર્ણય લીધો છે.

ભારતના વિદેશ સચિવ એસ. જયશંકરે ભારત ખાતેના પાકિસ્તાન હાઇ કમિશનર અબ્દુલ બાસિતને સમન્સ પાઠવીને રૂબરૂ બોલાવ્યા હતા અને કુલભૂષણને ફાંસી આપવાના નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
ભારતે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઇરાનમાંથી જાધવનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં તેની હાજરીના ચોક્કસ પુરાવા જ મળ્યા નથી.
ઇસ્લામાબાદ ખાતેના ભારતીય રાજદૂતે આ કેસમાં અનેક વખત રાજદ્વારી હસ્તક્ષેપની માગ કરી હતી. ૨૫ માર્ચ, ૨૦૧૬થી ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં ભારતે આ મુદ્દે પાકિસ્તાનને ૧૩ વખત વિનંતી કરી હતી. આમ છતાં પાકિસ્તાન દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.
જાધવ વિરુદ્ધ નક્કર પુરાવા ન હોવા છતાં તેને ફાંસીની સજા સંભળાવવી યોગ્ય નથી. પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસને જાધવ વિરુદ્ધ સુનાવણી શરૂ કરાઇ જાણ પણ કરાઇ નહોતી.
ભારતે વધુમાં જણાવ્યું છે કે જાધવ ઇન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થઇ ગયા છે અને હવે તે ભારત સરકાર સાથે કોઇ પણ રીતે સંકળાયેલા નથી.

પાક. પરિણામ ભોગવવા તૈયાર રહેઃ સુષ્મા સ્વરાજ

કુલભૂષણને ફાંસીની સજાની જાહેરાતને પાકિસ્તાન દ્વારા સુનિયોજિત કાવતરું ગણાવીને વિદેશ પ્રધાને મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે પાકિસ્તાન પાસે કુલભૂષણ જાધવ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. જો જાધવને ફાંસી અપાશે તો પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોમાં તેનો અંજામ ભોગવવા તૈયાર રહે. સ્વરાજે એમ પણ કહ્યું કે ભારતીય દૂતાવાસના અધિકારીઓને કુલભૂષણને મળવા પણ દેવાયા નહોતા.
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે ભારતને નીચાજોણું કરાવવા માટે પાકિસ્તાને જાધવને સમજી વિચારીને રચાયેલા ષડયંત્ર હેઠળ ફસાવ્યો છે. તેમણે કહ્યું કે સરકારે જાધવને બચાવવા માટે પાકિસ્તાનમાં વકીલની સુવિધા પૂરી પાડવી જોઇએ.
આના જવાબમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જાધવ માટે કાનૂની મદદની વાત તો બહુ નાની છે. ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટ માટે તો મોટામાં મોટો વકીલ કરીશું જ, પરંતુ સમગ્ર કેસમાં તેને બચાવવા માટે જે કંઇ પણ કરવું પડશે તે અમે આઉટ ઓફ ધી વે જઈને પણ કરીશું. સુષ્માએ એમ પણ કહ્યું કે જે દિવસથી આ ઘટના ઘટી છે ત્યારથી તેઓ સતત તેના માતા-પિતાના સંપર્કમાં છે.

કાયદેસરનો પાસપોર્ટ તો જાસૂસ કેમ?ઃ રાજનાથ

લોકસભામાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કુલભૂષણ મામલે જવાબ આપતા કહ્યું કે કુલભૂષણ જાધવ જાસૂસ નથી. કુલભૂષણ પાસે ભારતનો કાયદેસરનો પાસપોર્ટ છે તો પછી તે જાસૂસ કેવી રીતે હોઈ શકે. રાજનાથ સિંહે પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાની અધિકારીએ કુલભૂષણને ઈરાનથી કિડનેપ કર્યા હતાં. તેમણે દેશના લોકોને આશ્વાસન આપ્યું કે ભારત સરકાર જે પણ શક્ય હશે તે કરશે અને કુલભૂષણ જાધવ સાથે ન્યાય કરાશે.

કથિત કબૂલાતનો વીડિયો પાકે જાહેર કર્યો હતો

પાકિસ્તાન આર્મી દ્વારા ૩ માર્ચ, ૨૦૧૬ના રોજ જાધવના કબૂલાતનામાનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જાધવને એવું કબૂલ કરતો દર્શાવાયો છે કે તે ભારતીય જાસૂસી સંસ્થા ‘રો’ માટે બલૂચિસ્તાનમાં કામ કરતો હતો અને ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.
જાધવના કથિત બયાન મુજબ ૨૦૧૩માં તે ‘રો’માં જોડાયો હતો અને ઈરાનના ચાબહાર વિસ્તારમાં દસ
વર્ષ પહેલાં ‘રો’નો પડાવ બનાવ્યો હતો. આ ઉપરાંત તેણે કરાચી અને બલૂચિસ્તાનની રેકી કરી હોવાનું પણ વીડિયોમાં જણાવાયું છે.
જોકે ભારતે આ વીડિયોને વાહિયાત ગણાવીને શંકા વ્યક્ત કરી હતી કે જાધવનું ઈરાનમાંથી અપહરણ કરાયું હતું.
પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે જાધવ ઇન્ડિયન નેવીનો સર્વિંગ ઓફિસર છે અને તેને સીધો ‘રો’ના વડા સાથે સંપર્ક છે અને તેના આદેશ માને છે. એટલું જ નહીં તે એનએસએના સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તે હાલમાં પણ ઇન્ડિયન નેવીનો ઓફિસર છે અને ૨૦૨૨માં રિટાયર્ડ થશે એવું પાકિસ્તાને જણાવ્યું હતું.
આની સાથોસાથ પાકિસ્તાને જાધવનો પાસપોર્ટ દર્શાવ્યો હતો, જેમાં તેનું નામ હુસેન મુબારક પટેલ લખ્યું હોવાનું તેમજ મહારાષ્ટ્રનું સાંગલી તેનું જન્મસ્થળ હોવાનું દર્શાવ્યું હતું. આ વ્યક્તિ પાસે ઈરાનના વિઝા હોવાનો પણ પાકિસ્તાને દાવો કર્યો હતો.
પાકિસ્તાની ઓફિસરના દાવા મુજબ જાધવ ઇરાનમાં રહીને બલૂચિસ્તાનમાં ત્રાસવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો.

ભારતે તમામ આરોપ ફગાવ્યા હતા

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના તમામ આક્ષેપોને ભારપૂર્વક નકારી દેવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે વીડિયોમાં જાધવ જે કહી રહ્યો છે તેમાં સચ્ચાઈ નથી. તેની પાસેથી દબાણ કરી આ નિવેદન લેવામાં આવ્યું છે.
અલબત્ત, ભારત સરકારે તે ભારતીય નાગરિક હોવાનું અને નેવીમાં ઓફિસર તરીકે કામ કરી ચૂક્યો હોવાનું સ્વીકાર્યું હતું. જાધવ ઈરાનમાં રહીને બિઝનેસ કરતો હતો. તેને પાકિસ્તાની કસ્ટડીમાં શારીરિક યાતનાઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાનમાં તેની હાજરી પર શંકા ઉપજાવી હોવાનો ભારત સરકારે દાવો કર્યો હતો. તેમજ તેનું ઈરાનમાંથી અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.

સંસદના બન્ને ગૃહો જાધવના સમર્થનમાં

સંસદમાં મંગળવારે કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફરમાવાયેલી મોતની સજાનો મુદ્દો ગૂંજ્યો હતો. કોંગ્રેસે આ મામલે લોકસભામાં સભામોકૂફીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને આ મામલે કડક વલણ અપનાવવાના નિર્દેશ આપ્યાં છે. સંસદમાં પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે વડા પ્રધાનની અધ્યક્ષતામાં હાલ ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઇ હતી.
તમામ રાજકીય પક્ષોએ કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન વિરુદ્ધ એક સ્વરમાં પોતાનો મત જાહેર કર્યો હતો. કોંગ્રેસે જાધવને ફાંસીની સજાનો વિરોધ વ્યક્ત કર્યો છે ત્યારે શિવસેનાએ માગણી કરી છે કે આ મામલો યુનાઇટેડ નેશન્સમાં ઉઠાવવામાં આવે.
પ્રધાન અનંત કુમારે કહ્યું કે આ મુદે સમગ્ર સંસદ કુલભૂષણ જાધવની સાથે છે. એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સરકારે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને કુલભૂષણ જાધવને પાછા લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ લોકસભામાં કુલભૂષણ જાધવને થયેલી ફાંસીની સજા પર બોલતા કહ્યું કે જો પાકિસ્તાન તેને ફાંસી આપશે તો તે સમજી વિચારીને કરાયેલી હત્યા ગણાશે. જો તેને બચાવી ન શક્યા તો તે સરકારની કમજોરી ગણાશે.
ઇંડિયન નેવીના ભૂતપૂર્વ અધિકારી એવા કુલભૂષણ જાધવને પાકિસ્તાને જાસૂસીના કેસમાં ફાંસીની સજા સંભળાવતા રાજકીય સ્તરે ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસે આ મામલે આજે લોકસભામાં સભામોકૂફીનો પ્રસ્તાવ રજુ કર્યો.

જાધવના મુંબઈના ઘરને સુરક્ષાકવચ

કુલભૂષણ જાધવનું કુટુંબ મૂળ સાંગલીનું વતની છે અને હાલ તેઓ મુંબઈમાં વસવાટ કરે છે. કુલભૂષણના પિતા મુંબઈ પોલીસ દળના ભૂતપૂર્વ કર્મચારી હતા. કુલભૂષણે નૌકાદળમાંથી નિવૃત્તિ લીધા બાદ બિઝનેસ શરૂ કર્યો હતો.
કુલભૂષણ ગુપ્તચર સંસ્થા ‘રો’ના એજન્ટ હોવાના પાકિસ્તાનના દાવાને તેમના કુટુંબીજનોએ પણ ફગાવ્યો હતો. કુલભૂષણના પિતાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે મારા પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે ઈરાનના ચાબહારમાં સલાહકાર (કન્સલ્ટન્ટ) તરીકે બિઝનેસ ચલાવે છે. તેમનું કુટુંબ પવઈના હીરાનંદાનીમાં આવેલા સિલ્વર ઓક બિલ્ડિંગમાં રહે છે. તેમના નિવાસસ્થાને ૧૫ જેટલા પોલીસકર્મીઓને સુરક્ષા અર્થે તહેનાત કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter