ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ બન્યા રામનાથ કોવિંદ

Thursday 20th July 2017 07:36 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ કાર્યભાર સંભાળશે. તેમના એકમાત્ર પ્રતિસ્પર્ધી યુપીએના ઉમેદવાર મીરા કુમારે ૩૪ ટકા મત મેળવ્યા હતા.
રાષ્ટ્રપતિ પદે ચૂંટાતા પૂર્વે રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ હતા. કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખર્જીના અનુગામી બનશે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ ૨૪ જુલાઇએ પૂરો થઇ રહ્યો છે. બીજા દિવસે કોવિંદ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ પદની ગત ચૂંટણીમાં પ્રણવ મુખર્જીએ લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ પી. એ. સંગમાને હરાવ્યા હતા.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સૌપ્રથમ સાંસદોના મતોની ગણતરી કરાઇ હતી. જેમાં રાજ્યસભા અને લોકસભાના ૫૫૨ સાંસદોએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપ્યા હતા જ્યારે ૨૨૫ સાંસદોએ મીરા કુમારને મત આપ્યા હતા. સાંસદોના મતોની ગણતરી બાદ રાજ્યોના વિધાનસગૃહોમાં ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતોની ગણતરી હાથ ધરાઇ હતી. એબીસીડીની સિરીઝ પ્રમાણે દરેક રાજ્યના ધારાસભ્યોના મતની ગણતરી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય નાગરિકો સીધા ભાગ લઈ શકતા નથી, પરંતુ લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ એટલે કે સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન કરે છે. દેશમાં અત્યારે વિવિધ રાજ્યોના મળીને કુલ ૪૧૨૦ વિધાનસભ્યો તથા ૭૭૬ ચૂંટાયેલા સાંસદો છે. સાંસદોમાં લોકસભાના ૫૪૩ જ્યારે રાજ્યસભાના ૨૩૩ સભ્યોનો સમાવેશ થાય છે. આમ કુલ ૪૮૯૬ નિર્ણાયત મતો હતા, જેણે રાષ્ટ્રપતિ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
૧૯૭૧ની વસતી પ્રમાણે દરેક સભ્યના મતનું ચોક્કસ મૂલ્ય હોય છે. બધા સભ્યોના મતનું કુલ મૂલ્ય ૧૦,૯૮,૯૦૩ થાય છે. તેમાંથી અડધા ઉપરાંત મતો મળે એ ઉમેદવાર રાષ્ટ્રપતિ જાહેર થાય છે.
ચૂંટણી માટે રાષ્ટ્રપતિ ભવન સહિત વિવિધ રાજ્યોમાં ૩૨ મતદાન કેન્દ્રો બનાવાયા હતા. આ વખતની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિક્રમજનક ૯૯ ટકા કરતાં વધુ મતદાન થયું હતું. ભાજપ ઈચ્છતો હતો કે કોવિંદ ૭૦ ટકા મતો સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચે. જોકે કોવિંદને ૬૬ ટકા મતો જ મળ્યા છે.

રામનાથ કોવિંદ વિશે જાણવા જેવું...

• ઉત્તર પ્રદેશના વતની રામનાથ કોવિંદ ડો. કે. આર. નારાયણન બાદ ભારતના બીજા દલિત રાષ્ટ્રપતિ બનશે.
• કાયદાનો અભ્યાસ કરીને કોવિંદ યુપીએસસીની તૈયારી માટે દિલ્હી આવી ગયા હતા. યુપીએસસીમાં સિલેક્ટ થવા છતાં તેઓ સિવિલ સેવામાં જોડાયા નહોતા અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.
• ૧૯૯૧માં ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા અને માત્ર ત્રણ જ વર્ષમાં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ૨૦૦૬ સુધી તેઓ સતત બે ટર્મ રાજ્યસભાના સભ્ય રહ્યા.
• ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર રચાયા બાદ કોવિંદની બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી.
• ૧૯૯૮થી ૨૦૦૨ સુધી કોવિંદ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter