ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક

Thursday 02nd July 2020 06:27 EDT
 

નવી દિલ્હી: લદ્દાખ સરહદે પ્રવર્તતા તણાવ વચ્ચે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. મોદી સરકારે અણધાર્યું પગલું ભરતાં મોબાઇલમાં અને મોબાઇલ સિવાય અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાતી ૫૯ ચાઇનીઝ એપ્લિકેશન પર કલમના એક જ ઝાટકે પ્રતિબંધ લાદી દીધો છે. પ્રતિબંધિત એપમાં ભારતમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ટિકટોક, વિચેટ, ઝેન્ડર, હેલો, યુસી-બ્રાઉઝર, કેમસ્કેનર, શેરઈટ, વિવા વીડિયો વગેરેનો સમાવેશ થાય છે. આમાંય ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્ર સરકારે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીની સેક્શન ૬૯-એ અંતર્ગત આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
સરકારી યાદીમાં જણાવાયું હતું કે વિવિધ ચાઇનીઝ એપ્લિકેશન વિશે અવારનવાર ફરિયાદો મળતી હતી. એટલું જ નહીં, કેટલીક એપ્લિકેશન દ્વારા યુઝર્સની માહિતીની ચોરી થતી હોવાના રિપોર્ટ પણ વારંવાર પ્રકાશિત થયા હતા. સરકારે કહ્યું હતું કે અમુક એપ્સ તો દેશની એક્તા અને અખંડિતતા માટે પણ નુકસાનકારક હતી. આવી એપ્સ દ્વારા અનેક પ્રકારની માહિતી એકઠી કરીને દેશની આવેલા સર્વર્સમાં મોકલવામાં આવતી હતી. આ રીતે ભારતમાંથી માહિતીભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે.

ચીનને સ્પષ્ટ સંદેશ

દેશની સુરક્ષા એજન્સીઓએ આવી ચાઇનીઝ એપની એક યાદી તૈયાર કરીને ભારત સરકારને સોંપી હતી અને આ બધી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી હતી. ચીન ગમેત્યારે ભારતીય ડેટા હેક કરી શકે છે તેવી આશંકા દર્શાવીને ચાઈનીઝ એપ પર બેન લગાવવા કહેવાયું હતું. ભારતે અણધાર્યું પગલું ભરીને ચીનને સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ભારત કોઈ પણ સંજોગોમાં ચીન સામે ઝૂકવા તૈયાર નથી.

ચીનની ઘૂસણખોરી પછી આખા દેશમાં ચાઈનીઝ ચીજોનો બહિષ્કાર કરવા અને ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાની માગણી બુલંદ બની હતી. સરકારે મહત્ત્વનો નિર્ણય લઈને લોકોના અવાજનો પડઘો પાડયો છે.

ભારતના ડેટા પર ખતરો હતો

ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ચીનની આ બધી એપ્લિકેશન દ્વારા હજારો લોકોનાં મોબાઈલ અને લેપટોપ હેક થતા હોવાની ફરિયાદો મળી હતી. આ પછી સરકાર હરકતમાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ તેમજ આઈટી મંત્રાલયે દાવો કર્યો હતો કે આવી ચાઈનીઝ એપને કારણે ભારતનું સાર્વભૌમત્વ, સુરક્ષા તેમજ અખંડિતતા તેમજ જાહેર જનતાનાં ડેટાની સુરક્ષા સામે ખતરો સર્જાયો છે. ચીન ગમે ત્યારે આ એપને કારણે ભારતીય ડેટા સાથે છેડછાડ કરી શકે છે. સરકારે આ દાવાની સત્યતા તપાસ્યા પછી ચીનની એપ પર પ્રતિબંધ લગાવવા નિર્ણય લીધો હતો.

સરકારે નોટિફિકેશનમાં શું કહ્યું?

સરકારનાં માહિતી ટેકનોલોજી મંત્રાલયે ચીનની ૫૯ એપ પર પ્રતિબંધ મુકતું નોટિફિકેશન બહાર પાડયું છે. જેમાં જણાવાયું હતું કે, ૧૩૦ કરોડ લોકોનાં ડેટાની સુરક્ષા તેમજ પ્રાઈવસી જાળવવાના મામલે ચિંતા સર્જાઈ છે. દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે ખતરો સર્જાયાનું સરકારને જણાયું છે. આવી બદઈરાદા ધરાવતી એપ બંધ કરવા ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડીનેશન સેન્ટર તેમજ કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે પણ ભલામણ કરી છે. આથી સરકાર દ્વારા તમામ પ્રકારનાં મોબાઈલ્સ અને નોન મોબાઈલ્સ ઈન્ટરનેટ એનેબલ્ડ ડિવાઈસીઝમાં આવી એપ્સ પર પ્રતિબંધ મૂકવા સરકારે નિર્ણય લીધો છે. ભારતીય સાઈબર સ્પેસ તેમજ ભારતની સંપ્રભુતાની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે.

આ ૫૯ ચાઇનીઝ એપ પર હવે ભારતમાં પ્રતિબંધ

• ટિકટોક • શેર ઇટ • ક્વાઇ • યુસી બ્રાઉઝર • બાઇદુ મેપ • શીન • ક્લેશ ઓફ કિંગ્સ • ડીયુ બેટરી સેવર • હેલો • લાઈકી • યુકેમ મેકઅપ • એમઆઈ કોમ્યુનિટી • સીએમ બ્રાઉઝર • વાઇરસ ક્લિનર • એપીયુએસ બ્રાઉઝર • રોમવી • ક્લબ ફેક્ટરી • ન્યૂઝડોગ • બ્યૂટ્રી પ્લસ • વીચેટ • યુસી ન્યૂઝ • વેઈબો • ઝેન્ડર • બિગો લાઇવ • સેલ્ફીસિટી • મેઇલ માસ્ટર • પેરેલલ સ્પેસ • એમ.આઈ વીડિયો કોલ-ઝીઓમી • વીસીન્ક • ઈએસ ફાઇલ એક્સ્પ્લોરર • વીવા વીડિયો-ક્યૂ યૂ વીડિયો ઈન્ક • મેઇતુ • વીગો વીડિયો • ન્યૂ વીડિયો સ્ટેટસ • ડીયુ રેકોર્ડર • વોલ્ટ-હાઈડ • કેચ ક્લિનર ડીયુ એપ સ્ટુડિયો • ડીયુ ક્લિનર • ડીયુ બ્રાઉઝર • હેગો પ્લે વિથ ન્યૂ ફ્રેન્ડ્ઝ • કેમ સ્કેનર • ક્લિન માસ્ટર - ચિતા મોબાઇલ • વંડર કેમેરા • ફોટો વંડર • ક્યૂ.ક્યૂ પ્લેયર • વી મીટ • સ્વીટ સેલ્ફી • બૈદુ ટ્રાન્સલેટ • વીમેટ • ક્યૂ.ક્યૂ મેઇલ • ક્યૂ.ક્યૂ મ્યુઝિક • ક્યૂ.ક્યૂ ન્યૂઝફીડ • ક્યૂ.ક્યૂ ઇન્ટરનેશનલ • ક્યૂ.ક્યૂ સિક્યોરિટી સેન્ટર • ક્યૂ.ક્યૂ. લોન્ચર • યૂ વીડિયો • વી ફ્લાય સ્ટેટસ વીડિયો • મોબાઇલ લેજન્ડ્સ • ડીયુ પ્રાઇવસી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter