ભારતની રાજદ્વારી સફળતાઃ સર્વસંમતિથી ‘નવી દિલ્હી ઘોષણાપત્ર’ અપનાવાયું

Thursday 17th September 2026 05:46 EDT
 
 

ભારત માટે મોટી રાજદ્વારી સફળતા સમાન ઘટનામાં બ્રિક્સ દેશોએ શનિવારે સર્વસંમતિથી સંયુક્ત ઘોષણાપત્ર અપનાવ્યું હતું. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે યુએઇ અને ઇરાન વચ્ચે તીવ્ર મતભેદો હોવા છતાં આ સહમતી બની હતી. ઘોષણાપત્રમાં ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા કે ઈરાની સેનાએ ગલ્ફના કેટલાંક આરબ દેશો પર કરેલા હુમલાનો કોઈ સીધો ઉલ્લેખ કરાયો ન હતો. ‘નવી દિલ્હી ઘોષણાપત્ર’માં યુક્રેન પર રશિયાના યુદ્ધની પણ ટીકા કરાઈ ન હતી. જોકે ગાઝામાં હિંસા ચાલુ રાખવા બદલ ઈઝરાયેલની આકરી ટીકા કરાઈ હતી અને પેલેસ્ટિનિયનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની હાકલ કરાઈ હતી.
પહેલગામ આતંકી હુમલાની નિંદા
'નવી દિલ્હી ઘોષણાપત્ર'માં એપ્રિલ 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાની આકરી નિંદા કરવામાં આવી હતી. અલબત, પાકિસ્તાનનો નામોલ્લેખ નથી, પણ સરહદ પારના આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવાની હાકલ કરાઈ હતી. આની સાથે આતંકી હુમલામાં સામેલ તમામ આરોપીઓ અને તેમના પ્રાયોજકોને ન્યાયના કઠેડામાં લાવવાની માગ કરી હતી. પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરાઈને ઘોષણાપત્રમાં જણાવાયું હતું કે અમે આતંકવાદના કોઈપણ કૃત્યની સખત નિંદા કરીએ છીએ.
અમેરિકાને કોથળામાં પાંચશેરી ઝીંકાઇ
અમેરિકાનો સીધો ઉલ્લેખ કર્યા વગર ઘોષણપત્રમાં એકતરફી ટેરિફ, નોન-ટેરિફ પગલાં અને સંરક્ષણવાદ જેવા વેપારને નિયંત્રિત કરતાં પગલાં અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવાયું હતું કે આવા પગલાંથી વૈશ્વિક વેપારમાં ઘટાડો થવાનું, વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનું અને આર્થિક અસમાનતા વધુ ગંભીર બનવાનું જોખમ છે. બ્રિક્સે આંતરરાષ્ટ્રીય કાયદાથી વિરુદ્ધ એકપક્ષીય આર્થિક પ્રતિબંધો અને દબાણકારી પગલાંનો વિરોધ કર્યો હતો. બ્રિક્સ દેશોએ રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લદાયેલા આર્થિક પ્રતિબંધોની આડકતરી ટીકા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter