ભારતનું સમાનવ સ્પેસ મિશન ‘ઇસરો’નું ગગનયાન

Wednesday 05th September 2018 06:44 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે ત્રણ અવકાશયાત્રિકો સાથેનું અંતરિક્ષ યાન લોન્ચ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. આ સમાનવ સ્પેસ મિશન દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અગાઉ ઓગસ્ટ ૨૦૨૨માં લોન્ચ થશે. 

ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)ના વડા કે. સિવને સમગ્ર યોજનાની જાણકારી આપતા કહ્યું હતું કે શ્રીહરિકોટા ખાતેથી માત્ર ૧૬ મિનિટમાં ૩ ભારતીય અવકાશયાત્રિકોને અંતરિક્ષમાં પહોંચાડી દેવાશે. મતલબ કે આપણા ઘરથી નજીકના ચાર રસ્તા સુધી જઈએ એટલા સમયમાં મનુષ્ય અંતરિક્ષમાં પહોંચી જશે.
આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા આ મિશન અંતર્ગત ત્રણ ભારતીયો છથી સાત દિવસ અંતરિક્ષમાં રહેશે. ઉલ્લેખનીય છે કે આ મિશન અંગે સૌપ્રથમ જાણકારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના તેમના રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં આપી હતી.

૩૪ વર્ષ અગાઉ રશિયન ઉપગ્રહમાં અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય રાકેશ શર્માએ ભારતના આ મહત્ત્વાકાંક્ષી સ્પેસ મિશન અંગે કહ્યું હતું કે પોતાની તાકાત પર અંતરિક્ષમાં જવાની વાત જ અલગ છે. ઉલ્લેખનીય છે કે ‘ઇસરો’એ રાકેશ શર્માની સલાહના આધારે ભારતીય અવકાશયાત્રિકોને તાલીમનું આયોજન કર્યું છે.

શું છે સમગ્ર યોજના?

કે. સિવનના જણાવ્યા અનુસાર એક ક્રૂ મોડ્યુલ ૩ ભારતીયોને લઈ જશે. તેને સર્વિસ મોડ્યુઅલ સાથે જોડવામાં આવશે. બંનેને રોકેટની મદદ વડે શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. આ પછી માત્ર ૧૬ મિનિટમાં અવકાશયાત્રિકો બર્થ ઓર્બિટમાં પહોંચી જશે. મોડ્યુલમાં હાજર ક્રૂ ઓછામાં ઓછા ૬થી ૭ દિવસ અંતરિક્ષમાં રહેશે. આ સમયે તેમના ઉપર માઇક્રો ગ્રેવિટી સહિતના વિવિધ પ્રયોગ કરાશે.
અંતરિક્ષ યાત્રિકોને અવકાશમાં મોકલતા પહેલા સ્પેસ મિશનનો માનવરહિત ટેસ્ટ કરવામાં આવશે. સિવને કહ્યું કે પ્રથમ માનવરહિત ફ્લાઇટ ટેસ્ટ આજથી ૩૦ મહિના પછી અને બીજો ટેસ્ટ ૩૬ મહિના પછી કરવામાં આવશે. ત્યાર પછી લગભગ ૪૦ મહિના પછી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

ગુજરાતના કાંઠે લેન્ડીંગ

‘ઇસરો’ના વડાએ કહ્યું કે ઓર્બિટ મોડ્યુલ પરત ફરતા સમયે પોતાની રીતે દિશા બદલશે. ડી-બુસ્ટ પ્રક્રિયામાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુઅલ પણ અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલ ભારતીયોને લઈ પૃથ્વી પર આવી રહ્યું હશે ત્યારે તેની બ્રેકિંગ સિસ્ટમ પણ સક્રિય થઈ જશે. તેમના પેરાશૂટ પણ એ દરમિયાન ખૂલશે. ક્રૂ મોડ્યુઅલને અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયાકાંઠે ઉતારવાની યોજના છે. અલબત્ત, ટેક્નિકલ ખામી આવશે તો બંગાળના અખાતમાં પણ તેમને ઉતારી શકાવાની શક્યતા છે. લેન્ડીંગના માત્ર ૨૦ મિનિટમાં ત્રણે ભારતીયોને બહાર કાઢી લેવાશે.

સ્પેસ સૂટ પણ તૈયાર

સિવને કહ્યું કે યાત્રિકોનો સ્પેસ સૂટ પણ તૈયાર થઈ ચૂક્યો છે. તમામ સંભવિત અવકાશયાત્રિકોને બેંગ્લૂરુમાં તાલીમ અપાશે અને જરૂર પડશે તો વિદેશ પણ મોકલવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી મિશન માટે ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રિક રાકેશ શર્મા સાથે પણ સમયાંતરે વાતચીત થઈ રહી છે.

ત્રણ અવકાશયાત્રિકમાં એક મહિલા?

આ મિશનની જાણકારી આપતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આપણે આને મેન મિશન કહી શકીએ નહીં કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જણાવ્યું હતું કે, અંતરિક્ષયાત્રિક તરીકે મહિલાની પણ પસંદગી થઇ શકે છે. અમે પસંદગીના લોકોને વિદેશમાં પણ તાલીમ માટે મોકલી શકીએ છીએ. ૨૦૨૨ સુધીમાં ભારત અંતરિક્ષમાં માનવી મોકલનારો વિશ્વનો ચોથો દેશ બની જશે.

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ગગનયાન મિશન માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડથી પણ ઓછાની ફાળવણી કરાશે. આ ઘણું કિફાયતી મિશન છે કારણ કે અન્ય દેશો દ્વારા સમાનવ મિશનો માટે જંગી રકમનો ખર્ચ કરાયો છે. ‘ઇસરો’નું કુલ વાર્ષિક બજેટ ૬,૦૦૦ કરોડ રૂપિયા છે. જોકે ગગનયાન માટે આ બજેટ ઉપરાંત અલગથી ભંડોળ ફાળવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter