ભારતનું ‘પાણીદાર’ પગલુંઃ પાક.ને મળતું ૩ નદીનું પાણી અટકાવાશે

Friday 22nd February 2019 05:19 EST
 
 

બાગપતઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક નિર્ણાયક પગલાં ભરીને પાકિસ્તાન પર ભીંસ વધારી રહી છે. ભારતે પહેલાં પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લીધો. આ પછી ત્યાંથી આયાત થતા માલ-સામાન ઉપર ૨૦૦ ટકા તોતિંગ ડ્યુટી ઝીંકી દીધી. અને હવે સરકારે પાકિસ્તાનને પાણીનાં એક-એક ટીપાં માટે તરસાવવાનો નિર્ણય કરી લીધો છે. મોદી કેબિનેટના વરિષ્ઠ સભ્ય નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશનાં બાગપતમાં જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન તરફ વહી જતું ભારતની નદીઓનું પાણી રોકવામાં આવશે. પાકિસ્તાનને અપાતા પાણીને હવે આ નદીઓ પર બનેલા પ્રોજેક્ટ્સની મદદથી પંજાબ અને જમ્મુ-કાશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરાશે.

ગડકરીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળ અમારી સરકારે પાકિસ્તાન તરફ વહી જતાં ભારતની નદીઓનાં પાણી રોકવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે, આ નદીઓનાં પાણીને ડાયવર્ટ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અને પંજાબનાં લોકોને આ પાણી આપવામાં આવશે. સિંધુ જળકરારના આધારે રાવી, બિયાસ અને સતલજ નદીઓને પૂર્વ તરફ તથા ઝેલમ, ચિનાબ અને સિંધુને પશ્ચિમની નદીઓ તરીકે વહેંચવામાં આવી હતી.

ગડકરીએ વધુ જણાવ્યું કે, રાવી નદી ઉપર શાહપુર-કાંડી ખાતે ડેમ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ દ્વારા જે પાણી ભેગું થશે તે કેનાલ મારફતે જમ્મુ-કાશ્મીર પહોંચાડવામાં આવશે. ત્યારબાદ જે પાણી વધશે તેને રાવી અને બિયાસનાં જોડાણ દ્વારા અન્ય રાજ્યો સુધી પહોંચતું કરવામાં આવશે. ગડકરીએ બાગપત ખાતેના એક કાર્યક્રમમાં આ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, ‘દેશના વિભાજન પછી ભારત અને પાકિસ્તાનને ત્રણ-ત્રણ નદીઓના પાણીના ઉપયોગ માટે અનુમતિ મળી હતી. આ સમજૂતી પછી ભારતના ક્વોટામાં આવેલી ત્રણ નદીઓનું પાણી અત્યાર સુધી પાકિસ્તાનમાં વહાવી દેવાતું હતું. હવે આ નદીઓનું પાણી પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે.’

સિંધુ નદી અને પાકિસ્તાન

લગભગ ૩ હજાર કિલોમીટર લાંબી સિંધુ નદી પાકિસ્તાનના કરાંચીમાંથી પસાર થઇને અરબ સાગરમાં ભળી જાય છે. સિંધુ નદી પાકિસ્તાનની જીવાદોરી ગણાય છે કેમ કે તે પાકિસ્તાનની અડધા કરતાં પણ વધારે વસતીની તરસ છીપાવે છે. ખેતીથી માંડીને ઉદ્યોગ સુધી પાકિસ્તાનમાં ૧૦ હજાર મેગાવોટ વીજળી આ નદીનાં પાણીમાંથી પેદા થાય છે.

પાક.માં દુકાળ મંડરાશે

પાકિસ્તાનમાં સિંધુ નદી પર ૬ હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ ઓપરેશનલ છે. ૫ હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે અને ૫ હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે. જો ભારતમાં સિંધુનું પાણી રોકાયું તો પાકિસ્તાનમાં અંધારપટ છવાઇ જશે, એ નક્કી છે. આમ પણ સિંધુ જળસમજૂતીનો સૌથી વધારે લાભ અત્યાર સુધી પાકિસ્તાને જ ઉઠાવ્યો છે. આ નદીઓનું ૮૦ ટકા પાણી પાકિસ્તાન વાપરે છે. હવે ભારતની રણનીતિ મુજબ ત્રણ નદીઓનું પાણી ભારતમાં જ રોકીને યમુનામાં વહેવડાવવામાં આવશે, તેને કારણે પાકિસ્તાન પાણીનાં એક એક ટીપાં માટે તરસશે. પાકિસ્તાન પર દુષ્કાળના ઓળા ઉતરશે તેમાં બેમત નથી.

સિંધુ જળ સમજૂતી શું છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ સિંધુ જળકરાર કરવામાં આવ્યો હતો. ભારત તરફથી પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા આ કરાર કરાયા હતા. આ કરાર હેઠળ સિંધુ નદી ઘાટીને પૂર્વ અને પશ્ચિમની નદીઓમાં વહેંચવામાં આવી હતી. વહેંચણી અનુસાર પૂર્વ તરફની રાવી, બિયાસ અને સતલજ નદી ભારતની રહેશે જ્યારે પશ્ચિમ તરફની ઝેલમ, ચિનાબ અને સિંધુ નદી ઉપર પાકિસ્તાનનો અધિકાર રહેશે. ભારતને વીજઉત્પાદન માટે તથા કૃષિકાર્યો માટે પશ્ચિમી નદીઓનું પાણી ઉપયોગમાં લેવાના શરતી અધિકાર અપાયા છે. પૂર્વ તરફ વહેતી બ્યાસ, રાવી અને સતલજ નદીના પાણી માટે થયેલી સમજૂતી અંતર્ગત ભારતને ૩.૩ કરોડ એમએએફ પાણી મળે છે. ભારત અત્યાર સુધી સિંધુ નદીનું વધારાનું પાણી પાકિસ્તાન તરફ વહી જવા દેતું હતું. જોકે ભારતે હવે આ પાણી અટકાવીને અન્ય રાજ્યોમાં વાળવા નિર્ણય કર્યો છે.

ભારતનાં આક્રમક પગલાં : એક નજર

• મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો. • પાકિસ્તાનથી આયાત ઉપર ૨૦૦ ટકા કરવેરો ઝીંકી દીધો. • કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓને અપાતી સરકારી સુવિધાઓ અને સુરક્ષા પાછી ખેંચવામાં આવી. • પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલો પાડવા મહાસત્તાઓ સાથે બેઠકો શરૂ કરી. • યુએનમાં પાકિસ્તાનનાં કાળા કરતૂતોને ઉઘાડાં પાડવા નવું ડોઝિયર બનાવવામાં આવશે. • ભારત તરફથી વહેતી નદીઓનાં પાણી રોકવાનો નિર્ણય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter