ભારતને મોટી સફળતાઃ એસસીઓ સમિટ ઘોષણાપત્રમાં આતંકવાદનો મુદ્દો

Saturday 15th June 2019 08:08 EDT
 
 

બિશ્કેક (કિર્ગિસ્તાન)ઃ ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ સભ્ય દેશો તરફથી ઘોષણાપત્ર જારી કરાયું છે. જેમાં આતંકવાદનો મુદ્દો પણ સામેલ છે. ભારત તરફથી વારંવાર ઉઠાવાતા સીમાપારથી આતંકવાદને પણ આ ઘોષણાપત્રમાં સ્થાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટમાં પોતાના સંબોધનમાં આતંકવાદને પોષતા દેશોનો જવાબદાર ઠેરવવાની વાત પણ કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું, ‘તમામ સભ્ય દેશોએ સર્વસંમતિથી આતંકવાદ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તમામ સભ્ય દેશો તરફથી જારી કરાયેલું આ નિવેદન ઘોષણાપત્રમાં સામેલ છે. જે તમામ દેશો તરફથી આતંકવાદ વિરુદ્ધનો આકરો સંકેત છે.’ વડા પ્રધાન મોદીએ એસસીઓ સમિટમાં આતંકવાદ વિરુદ્ધ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સમિટમાં પાક.ના વડા પ્રધાન ઈમરાન ખાન પણ ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જ મોદીએ આતંકવાદને પોષતા દેશોની ઝાટકણી કાઢી હતી. આતંકવાદને સમર્થન આપતા રાષ્ટ્રોની વાત કરીને મોદીએ પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન પર સાધ્યું હતું.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના બિશ્કેક ડિક્લેરેશન અનુસાર, એસસીઓના સભ્ય દેશોએ ભારપૂર્વક જણાવ્યું છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ અને કટ્ટરવાદને ન્યાયસંગત માનવામાં નહીં આવે. એસીઓનાં સભ્ય દેશોએ આ ઘોષણાપત્ર થકી જણાવ્યું છે કે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં વખોડવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય યુએનની આતંકવાદ સામેની લડાઈમાં રહેલી મુખ્ય ભૂમિકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપશે.
ઉલ્લેખનીય છે કે ચીનના નેતૃત્વ હેઠળના એસસીઓમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન એમ આઠ દેશો સામેલ છે. પાક.ને ૨૦૧૭માં સંગઠનનું સભ્યપદ અપાયું છે.

મોદીએ ઇમરાનને જરા પણ ભાવ ન આપ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટમાં પાકિસ્તાન તરફનું આકરું વલણ જારી રાખતાં પાક. વડા પ્રધાન ઇમરાન ખાનને ભાવ આપ્યો નહોતો. ૧૩ જૂનના રોજ સાંજે સમિટમાં ઉપસ્થિત રાષ્ટ્ર નેતાઓ માટે ફ્રુન્ઝ રેસ્ટોરાંમાં ડિનર યોજાયું હતું. રાષ્ટ્રપતિ સુરોન્બે જીનબેકોલ દ્વારા આયોજિત રાત્રિભોજમાં મોદી અને ઇમરાન ખાન એક જ ટેબલ પર સામસામે બેઠાં હોવા છતાં તેમની વચ્ચે કોઈ વાતચીત કે શુભેચ્છાની આપ-લે થઈ નહોતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે કોઈ દુઆ સલામ નહીં હુઆ. આ પછી કિર્ગિઝ નેશનલ ફિલહાર્મોનિકમાં એક ગાલા કોન્સર્ટ યોજાઇ હતી. જેમાં બંને નેતાઓ પહેલી હરોળમાં બેઠાં હતા, પરંતુ અહીં પણ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી.

ઇમરાને પાક.ની આબરૂ કાઢી

એસસીઓ સમિટમાં પાક. વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વાર રાજદ્વારી પ્રોટોકોલના લીરા ઉડાડીને પાકિસ્તાનની આબરૂના લીરા ઉડાડ્યા હતા. ઇમરાનની જ તેહરિક-એ-ઇન્સાફ પાર્ટી દ્વારા ટ્વિટર પર જારી કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે તે તેમ સભ્ય દેશોના નેતાઓ એક પછી એક સમિટ માટે પ્રવેશી રહ્યાં હતાં ત્યારે તમામ નેતાગણ ઊભો હતો, પણ ઇમરાન ખાન ખુરશીમાં બેસી રહ્યાં હતા. ઇમરાનને એકાએક ભાન થયું કે બધા ઊભા છે અને પોતે એકલા જ બેઠા છે આથી તે થોડી ક્ષણો માટે ઊભા થયા હતા અને ફરી એક વાર ખુરશીમાં બેસી ગયા હતા.
આ પૂર્વે ઇમરાન ખાને સાઉદી અરબમાં આયોજિત ૧૪મી ઓઆઈસી સમિટમાં રાજદ્વારી પ્રોટોકોલ તોડ્યો હતો. સાઉદીના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથેની વાતચીત વેળા દુભાષિયો ઇમરાનના વાક્યનું ભાષાંતર કરે તે પહેલા જ ઇમરાન વાત અધવચ્ચે અધૂરી મૂકીને ચાલવા લાગ્યા હતા. તે સમયે પણ પાક.ની હાંસી ઉડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter